પર્યુષણ પર્વ-મિચ્છામિ દુક્કડમ્
પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. આપણે બધાં કેટલાક સામાજિક ઉત્સવો પણ ઉજવીએ છીએ, અને તેની ઉજવણીમાં સંસારસુખ, આનંદ, ખુશી વગેરે પ્રાપ્ત કરવાની ભાવનાથી સજેલા હોય છે. પરિણામે બાહ્ય સુખને મહત્વ આપવાથી કર્મના બંધન બધાય છે. પર્વાધિરાજ પર્યુષણ એ જૈન ધર્મનું સૌથી વધુ ધાર્મિક મહત્વ ધરાવતું પર્વ છે અને તેની ઉજવણીમાં અહિંસા પરમોધર્મ, ત્યાગ, દાન, જેવા સદ્ગુણોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. ગુરૂ ભગવંતોના સાનિધ્યથી જ્ઞાનનો ઉજાસ ફેલાય છે, ચારિત્રની સુવાસ રેલાય છે. આ પર્વ દરમ્યાન કરવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ દ્વારા મનના પાપ ધોવાનો અવસર મળે છે. અને મન પવિત્ર અને નિર્મળ બનવાની દિશામાં આગળ વધે છે. મનુષ્યના આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ મનુષ્યને સત્માર્ગે લઈ જાય છે અને તેનામાં પરમપદ મેળવવાની ઝંખના જાગે છે. જૈનધર્મના પ્રત્યેક શબ્દ, ક્રિયાઓ સમગ્ર વિશ્વના માટે પ્રેમ જગાડે છે.
વિશ્વમાં અશાંતિનો માહોલ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહંકારી, ઢોંગી અને પોતાની જાતને ધર્મના ઠેકેદાર માનનારાઓને કારણે અશાંતિનું સામ્રાજય ફેલાતું જાય છે. જૈન ધર્મનું પર્યુષણપર્વ લોકોને શાંતિનો સંદેશ આપે છે.
ચારેકોર અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલો છે, એવા વાતાવરણમાં પર્યુષણ પર્વનો પમરાટ જ્ઞાનની જ્યોત જલાવે છે. મનુષ્ય પોતાના કર્મ અને આત્માને ઓળખતો થાય છે.
જૈન ધર્મમાં રહેલી જિનાજ્ઞા અનુસાર પરસ્પરના કંકાસ, વેરઝેર, મન દુ:ખ ભેદભાવ ભૂલી જવાની વાત અતિ ઉત્તમ છે. વાણીમાં વિનમ્રતા અને સુસંસ્કાર કેળવવાની વાત આ પવિત્ર પર્વ આપે છે.
વાણી અને પાણી બન્નેમાં છબી દેખાતી હોય છે. જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે. જો વાણી મધુર હોય તો ચારિત્ર દેખાય છે. પર્યુષણ પર્વને અંતે ક્ષમા યાચના એ અતિ ઉત્તમ કાર્ય છે.
જૈન લોકો પરસ્પર 'મિચ્ચછામિ દુક્કડમ્' કહીને ક્ષમા ચાહે છે. જેનો સાર- મારા અહંકારથી જો મેં કોઈને નીચા દેખાડયા હોય, મારા ક્રોધથી જો મેં કોઈને દુ:ખી કર્યા હોય, મારા જૂઠથી જો મેં કોઈને છેતર્યા હોય, મારી 'નાલ્લથી કોઈની સેવામાં, દાનમાં બાધા આવી હોય તો મારું મસ્તક ઝુકાવી હાથ જોડી હૃદય ભીનું કરી હું મન, વચન, કાયાથી 'મિચ્છામી દુક્કડમ્' કહું છું.
પર્યુષણપર્વ જૈનોનો મહત્વનો આઠ દિવસ ચાલતો પર્વ છે, આમ આ પર્વ જૈનો માટે તપસ્યા અને વ્રતનિયમો દ્વારા ધર્માચરણ કરવાનો અને જગતના સર્વ જીવોને ખમાવવાનો તહેવાર છે.
- ભારતી પી.શાહ