'આપણું જીવન સતોગુણ રજોગુણ અને તમોગુણથી પ્રભાવીત છે'
- સંતો કહે છે : દેહને જોવાથી, તેને શણગારવાથી કે સાચવવાની મથામણ આવી વિકૃતિઓપેદા કરે છે. આ બધી માયા છે. માયાથી છૂટવા માટે માયાપતિ શ્રીહરિના શરણે જવું જોઈએ
જીવન ભગવાને આપેલી અણમોલ ભેટ છે. તેને માણતાં શીખવાનું છે. આ જીવ પરમતત્વ પરમાત્મા શિવનો અંશ છે. પરમાત્મા શાંતિનો સાગર છે. તેના અંશરૂપ આપણું સર્જન શાંત રહેવા માટે જ થયું છે.
આપણું જીવન સતોગુણ, રજોગુણ અને તમોગુણથી પ્રભાવિત છે.
- સતોગુણ વધે ત્યારે સત્કર્મો કરવાનું મન થાય છે. જે પોતાને આનંદ આપે અને અન્યને પણ મોજમાં રાખે છે.
- રજોગુણ વધે ત્યારે પ્રવૃતિશીલ રહેવાનું મન થાય છે. ક્યાંય જપીને બેસવાની ઇચ્છા થતી નથી. આ લઊં કે તે લઊં ! દોડાદોડમાં મનને શાંતિ મળતી નથી.
- તમોગુણની અધિકતાથી વિકારીભાવ જન્મે છે. મારા-તારાના ભેદ, સ્ત્રી, પુરુષના ભેદ અને વસ્તુ, પદાર્થ મેળવવાની ભાવના બળવત્તર બને છે. સૃષ્ટિના સમગ્ર સાધનો એકઠા કરું. હું એકલોજ તેનો ઉપભોગ કરું. એવી વિકારી ભાવના આપણા જીવનને અધોગતિ તરફ લઈ જાય છે. તેથી મનની શાંતિ હણાઈ જાય છે. તેથી સંતો આપણને એવા સંકુચીત વિચારોથી બચવાની સલાહ આપે છે.
હાલના સમયની સમસ્યાઓમાં આવા વિકારી ભાવની બહુલતા જોવા મળે છે. કાચી ઉમરનાં બાળકો પણ સીનેમા કે સીરીયલો જોઈને કે જાહેરાતો વાંચીને વિકારી ભાવના પ્રભાવમાં આવી ગયેલાં જોવા મળે છે. સ્ત્રી અને પુરુષને એક બીજાનું આકર્ષણ યુવાન વયે જ થવું જોઈએ એના બદલે ૧૦, ૧૨ વરસનાં બાળકો એવી ચેષ્ટાઓ કરતાં જોવા મળે છે. સમાજમાં ભાઈ-બહેન, મા-દિકરા કે ભાઈ ભાભીના પવિત્ર સંબંધો દુષિત થતા જોવા મળે છે.
આપણા સંતો કહે છે : દેહને જોવાથી, તેને શણગારવાથી કે સાચવવાની મથામણ આવી વિકૃતિઓ પેદા કરે છે. આ બધી માયા છે. માયાથી છૂટવા માટે માયાપતિ શ્રીહરિના શરણે જવું જોઈએ. બાળકોને નાનપણથી સારા સંસ્કારો આપવા. તેમને ભરત, ગુંથણ, શીવણ, ચિત્રકલા, સંગીત, સાહિત્ય ગોષ્ટી, ખેલ-કૂદ કે અન્ય એવી સર્જનાત્મક પ્રવૃતિઓમાં જોડવા. આવા વડીલોના વિચારો ભલે જૂના જમાનાના લાગતા હોય પરંતુ આવા વિચારોજ આવનારી પેઢીને સલામત રાખી શકશે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય