Get The App

ખોટા વ્યક્તિઓ છે એમને સારા માર્ગે વાળીએ તો આપણું ભજન સાર્થક છે

Updated: Nov 9th, 2022


Google NewsGoogle News
ખોટા વ્યક્તિઓ છે એમને સારા માર્ગે વાળીએ તો આપણું ભજન સાર્થક છે 1 - image

શ્રીમદ્ ભાગવત ગીતા એટલે મોહ નાશ કરવાની વિદ્યા. નિષ્ક્રિય વ્યક્તિને સક્રિય બનાવવાવાળું જ્ઞાાન એટલે શ્રીમદ્ ભાગવત ગીતા. ભગવાન શ્રી કૃષ્ણનું ગીત એટલે શ્રીમદ  ભાગવત ગીતા. મોક્ષ થી લઈ અને મેનેજમેન્ટ સુધીના માર્ગોને પ્રશસ્ત કરતું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત ગીતા. આજે ગીતાજીના દશમા અધ્યાય વિષે થોડીક ચર્ચા કરવી છે. ગીતાજીનો દસમો અધ્યાય એ વિભૂતિ યોગ છે. વિભૂતી એટલે ભગવાન શ્રી કૃષ્ણની સર્વ વ્યાપકતા. ભગવાન માત્ર મંદિરમાં જ છે એટલું  નહી પણ ઘટઘટમાં ઘનશ્યામ છે. અર્જુનજીનું પોતાની વિભૂતિનું વર્ણન કરતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, 'પર્વતોમાં હું હિમાલય છું,' હિમાલય એ પ્રકૃતિનું સ્વરૂપ છે. પ્રકૃતિની પૂજા કરવાનું ભગવાન શ્રી કૃષ્ણ સૂચવે છે. હિમાલય પાસેથી સ્થિરતા શીખવાની જરૂર છે. કેટલીય પરિસ્થિતિઓ આપણા દેશ પર આવી પણ હિમાલય અડગ રહયો છે. તો કોઈપણ પરિસ્થિતિમાં આપણા મનને ડગાવવું નહીં એ હિમાલય પાસેથી પ્રેરણા મળે છે. શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે, યજ્ઞાોમાં જપ યજ્ઞા હું છું. આજે ઘણા વ્યક્તિઓને યજ્ઞા કરવાની ઈચ્છા હોય પણ એમની પાસે સંપત્તિ ન હોય, સામર્થ્ય ના હોય તો તેવા વ્યક્તિઓએ ભગવાનના નામનો જપ કરવો. જપ યજ્ઞાથી મોટો કોઈ યજ્ઞા નથી. તમને જે ઈષ્ટદેવ પર શ્રદ્ધા હોય તેમના નામનો જપ કરવો. કળિયુગમાં જપનું ખુબ મહત્ત્વ છે. જે ફળ સતયુગમાં ધ્યાન ધરવાથી મળે છે, જે ફળ ત્રેતાયુગમાં યજ્ઞા કરવાથી મળે છે, દ્વાપર યુગમાં જે ફળ પૂજન-અર્ચન કરવાથી મળે છે તેના કરતાં કરોડો ઘણું ફળ ભગવાનનું નામ લેવાથી મળે છે. 

ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે, 'વેદોમાં સામવેદ હું છું.' સામવેદ એ સંગીતમય છે. ભગવાન શ્રી કૃષ્ણને સંગીત પ્રિય છે. સંગીત એટલે પ્રસન્નતા. પ્રસન્નતાથી જીવવું એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, 'કવિઓમાં હું શુક્રાચાર્ય છું.' ભલે શુક્રાચાર્યજી દૈત્ય ગુરૂ હતા પણ દૈત્ય સમાજમાં જઈને પણ એમણે દૈત્યોને સુધાર્યા હતાં.  સારા વ્યક્તિઓ પાસે આપણે સત્સંગ કરીએ પણ જે ખોટા વ્યક્તિઓ છે એમને સારા માર્ગે વાળીએ તો આપણું ભજન સાર્થક છે. શુક્રાચાર્યજીએ આ કામ કર્યું. શુક્રાચાર્યજીના નામ પરથી શુક્રનિતિ પ્રસિદ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે, મહર્ષિઓમાં હું વેદવ્યાસ છું. આપણી સંસ્કૃતિ આપણો વારસો જો કોઈએ ટકાવ્યો હોય તો એ ભગવાન વેદવ્યાસજીએ ટકાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે, 'યશ પણ હું છું અને અપયશ પણ હું છું.' આનો એક ભાવ એવો થાય છે કે જે અપયશ આપણી પ્રગતિનું કારણ બને એ શ્રી કૃષ્ણ પરામાત્માનું જ સ્વરૂપ છે. 

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, 'ઋતુઓમાં વસંત ઋતુ હું છું.' વસંતનો અર્થ અહીંયા પ્રસન્નતા જ લેવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે, 'વૃક્ષોમાં અસ્વથ્થ એટલે પીપળો હું જ છું અને સાચું વૈષ્ણવત્ત્વ જો કોઈની અંદર હોય તો એ વૃક્ષની અંદર છે.' નરસિંહ મહેતા કહે છે કે, 'પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે.' આવું કાર્ય જો કોઈ કરતું હોય તો તે વૃક્ષ કરે છે. એટલે વૃક્ષ એ નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ છે. આમ, શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીના દસમા અધ્યામાં પોતાની વિભૂતિનું વર્ણન કર્યું છે. જેમાં આપણે કેટલીક વિભૂતિ જાણી. તો તેનાથી એક સ્પષ્ટ થયું કે આ સમગ્ર જગત એ વાસુદેવમય છે. જે વાસુદેવને જાણી લે તેનો ફરીથી આ સંસારમાં જન્મ થતો નથી. એ ભવ બંધનોમાંથી મુક્ત થાય છે. એ જ ગીતાજીના વિભૂતિ યોગનો સાર છે. ત્યારે જગત ગુરુ આદિ શંકરાચાર્યજીએ પણ ગીતાનો પાઠ કરવાનું કહ્યું છે. ત્યારે આપણે પણ નિત્ય ગીતાજીના એક - એક અધ્યાયનો પાઠ કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના...અસ્તુ !.

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News