જીવનનું આભૂષણ - સંસ્કાર
સં સ્કારના પાયા પર માનવજીવનની આલિશાન ઈમારત ઉભી થાય છે. સંસ્કારના બે પ્રકાર છે. સારા સંસ્કાર અને ખરાબ સંસ્કાર કોઈપણ સંસ્કાર એનું પરિણામ આપે છે. બાળક જન્મે છે ત્યારે તે સંસ્કાર, સુવિચાર કે સદગુણો લઈને જન્મ લેતો નથી. તેને ધીમે ધીમે જરૂરિયાત મુજબ સંજોગો અનુસાર સુવિચાર, સંસ્કાર, દયા, ભાવના, લાગણી સ્નેહ, હેત, પ્રેમનું જ્ઞાાન આપવામાં આવે છે. આ અલગ અને અસભ્ય શિક્ષણ છે. આવું શિક્ષણ માતાપિતા દ્વારા ઘરમાંથી જ મળે છે. પહેલાના સમયમાં બાળક બાર વર્ષનું થાય ત્યારે તેને સંસ્કૃત સાથે ધાર્મિક શિક્ષણ મેળવવા માટે કાશીએ જવું પડતું હતું. સુદામા અને શ્રી કૃષ્ણે સાંદીપનિ ઋષિના આશ્રમમાં રહી શિક્ષણ સહસંસ્કાર મેળવ્યા હતા. તેમનો એક સંસ્કાર ખૂબ જાણીતો છે. ''મિત્ર ભાવના'' જેનાથી સુદામાનું નામ અમર છે. આજે ગુરૂકુળ સંસ્થાઓ નાનપણથી બાળકોને શિક્ષણ આપે છે. બ્રાહ્મણ કુળમાં જનોઈ આપીને સંસ્કારી બનાવી શકાય છે. જયા સુધી યજ્ઞાોપવિત કરવામાં ન આવે ત્યાં સુધી બ્રાહ્મણપુત્ર સંસ્કારી કહેવાતો નથી. એવું બ્રાહ્મણો માને છે.
સંસ્કાર વારસાગત પણ હોય છે. અમુક અપવાદરૂપ જોવા મળે છે. ઘણાં કિસ્સા એવા છે જેમા પિતાની વિરૂધ્ધ પુત્ર હોય છે. પિતાના સંસ્કારો પુત્રમાં નથી હોતા ત્યારે બાપ જેવા બેટા કહેવત ખોટી પડે છે. કુદરતે મોરનું સર્જન કરીને માણસને સમજાવ્યું છે કે ''મોરનાં બચ્ચાને ચીતરવાં ન પડે.'' ઘણાં કિસ્સામાં પિતા કરતાં પુત્ર સવાયો હોય છે. ઘણા કિસ્સામાં દીવા પાછળ અંધારૂ હોય છે.
આજે ફેશન અને દેખાદેખીના કારણે માનવી મજબૂર છે. જેના કારણે સંસ્કારો અને સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. અનિષ્ટ, તત્ત્વો, અસત્ય, દગો, ઈર્ષા અને વિનાશકારી તત્વો સામે સત્ય, અહિંસા, સદગુણ અને સદભાવના દૂર થઈ રહ્યા છે. સંસ્કારોને બચાવવા પડશે. અપનાવવા પડશે. સંસ્કાર માણસનું ઘરેણુ છે.
- ભગુભાઈ ભીમડા