ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે વિષ્ણુ પુરાણને શ્રવણ કરવું જોઈએ
- આ જગત એ ભગવાન વિષ્ણુથી જ ઉત્પન્ન થયું છે. આ જગતનું પાલન કરવાવાળા પણ ભગવાન વિષ્ણુ જ છે
આ પણી પ્રાચિન સંસ્કૃતિ એ વૈદિક સંસ્કૃતિ છે. વેદો એ ધર્મનું સ્વરૂપ છે. વેદની ભાષા બહુ કઠિન છે. સર્વ સામાન્ય વ્યક્તિઓ સમજી શકે એના માટે વેદના સારરૂપ પુરાણો પ્રગટ થયાં છે. પુરાણ એ પાંચમો વેદ છે. અઢાર પુરાણોમાં ચાર પુરાણો એવાં છે કે જે, 'વ' અક્ષરથી શરૂ થતાં હોય. વરાહ પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ અને વિષ્ણુ પુરાણ. જેમાં વિષ્ણુ પુરાણ એ જીવાત્માને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ કરાવનારું છે. વિષ્ણુ પુરાણનો જો સામાન્ય પરિચય જોઈએ તો વિષ્ણુ પુરાણના ૬ અંશ છે, ૨૩ હજાર શ્લોકો છે. વિષ્ણુ પુરાણના વક્તા પરાશર ઋષિ છે. વિષ્ણુ પુરાણના શ્રોતા એ મૈત્રેય મુનિ છે. આ પુરાણના શ્રોતા પણ ઉત્તમ છે અને વક્તા પણ ઉત્તમ છે.
જ્યારે મૈત્રેય મુનિએ શ્રૃષ્ટિની ઉત્પત્તિ વિશેનો પ્રશ્ન પુછયો ત્યારે પ્રથમ અંશમા પરાશર ઋષિ ઉત્તર આપતાં એમ કહે છે કે, 'આ જગત એ ભગવાન વિષ્ણુથી જ ઉત્પન્ન થયું છે. આ જગતનું પાલન કરવાવાળા પણ ભગવાન વિષ્ણુ જ છે અને સંહારના સમયે ભગવાન વિષ્ણુ જ રુદ્રનું સ્વરૂપ ધારણ કરે છે. વિષ્ણુ પુરાણનો પ્રથમ અંશ અને પ્રથમ અંશનો પહેલો અધ્યાય એ 'ઉપોદઘાત' ના રૂપમાં છે.' ઉપોદઘાત એટલે પૂર્વ ભૂમિકા. પરાશર ઋષિના પિતા શક્તિમૂનિ એમનો વધ અસુરોએ કર્યો હતો. એ વધ શા માટે થયો હતો એ પ્રસંગ ખુબ વિસ્તારથી છે માટે હું એનું વિસ્તૃતિકરણ નહિં કરું પણ, પરાશર ઋષિએ પોતાના પિતાના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે યજ્ઞા આરંભ્યો; જેમાં એમણે અસુરોનો સંહાર કર્યો. તે સમયે વશિષ્ઠજી અને બ્રહ્માજી એ બંન્ને પરાશર ઋષિની પાસે આવ્યા. વશિષ્ઠજીએ આ યજ્ઞા અટકાવવા માટેની પરાશર ઋષિને વિનંતી કરી. એ વિનંતીને પરાશર ઋષિએ સ્વિકારી માટે વશિષ્ઠજી અને બ્રહ્માજી બહુ પ્રસન્ન થયાં. પરાશર ઋષિને વરદાન આપતાં કહ્યું કે, 'તમે વિષ્ણુ પુરાણના વક્તા બનશો.' માટે વિષ્ણુ પુરાણનું એક નામ પરાશર સંહિતા પણ વિદ્વાનો માને છે.
પ્રથમ અંશના બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની વંદના કરતાં પરાશર ઋષિ કહે છે, 'કે અવિકારાય શુદ્ધાય નિત્યાય પરમાત્મને અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે.' આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે, ભગવાન વિષ્ણુને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી અને વિસર્જનમાં એમને શોક નથી, માટે ભગવાન જે કરે છે એ લીલા છે. પ્રથમ અંશ જેમાં શ્રૃષ્ટિનું વર્ણન મહતત્ત્વ આદિની ઉત્પત્તિ, ધ્રુવ ચરિત્ર અને પ્રહલાદ ચરિત્રનું વર્ણન છે.
બીજા અંશમાં ભૂગોળ - ખગોળનું વર્ણન છે. આ પૃથ્વિ એ સાત દ્વિપમયી છે. જંબુ દ્વિપ, પ્લક્ષ દ્વિપ, શાક દ્વિપ, શાલ્મનિ દ્વિપ, કૃષ દ્વિપ, ક્રોંચ દ્વિપ અને પુષ્કલ દ્વિપ. આ દ્વિપોનું વર્ણન સવિસ્તૃત બીજા અંશમાં વર્ણવ્યું છે તથા સાત પાતાળો, અઠયાવીસ પ્રકારના નર્કો તથા ભરત ચરિત્રનું વર્ણન બીજા અંશમાં છે.
ત્રીજો અંશ જેમાં અઠયાવીસ દ્વાપરયુગ થયાં અને એ દ્વાપરયુગમાં જે જે ઋષિમૂનિઓએ વ્યાસનું કાર્ય સંભાળ્યું એની નામાવલીનું વર્ણન છે. વેદોનું વિભાજન તથા શ્રાદ્ધ વિધિ જેવા પ્રસંગોનું પણ અહીં વર્ણન કરવામાં આવ્યું છે.
વિષ્ણુપુરાણના ચોથા અંશમાં સૂર્યવંશનું વર્ણન છે. જેમાં ભગવાન શ્રી રામજીનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. ચંદ્રવંશમાં યદુવંશનું વર્ણન એ ખૂબજ વિસ્તારથી કરવામાં આવ્યું છે. જેમાં સેમંતકમણિની કથા છે.
વિષ્ણુ પુરાણના પાંચમાં અંશમાં ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. છઠ્ઠો અંશ જેમાં ખાંડિક્ય રાજા અને કેશિધ્વજ નો સંવાદ છે, કલિયુગનું વર્ણન છે અને ઉપસંહાર છે. જેમાં સૌથી પહેલાં કલિયુગનું વર્ણન એ પછી ખાંડિક્ય અને કેશિધ્વજનો સંવાદ અને એ પછીના છેલ્લા અધ્યાયમાં વિષ્ણુ પુરાણના શ્રવણનો મહિમા દર્શાવ્યો છે.
ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે વિષ્ણુ પુરાણને શ્રવણ કરવું જોઈએ. વૈષ્ણવ પુરાણોમાં વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ આ બે પુરાણો અતિ ઉત્તમ પુરાણો છે. ભગવાન નારાયણની કૃપા દ્રષ્ટિ આપ સૌ ઉપર થાય એ જ અભ્યર્થના સાથે..અસ્તુ !.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી