પરમ પુજ્ય શ્રી દાદા ભગવાનની 35મી પુણ્યતિથિએ સ્મરણાંજલિ અર્પીએ
૧૯ ૮૮, ૨જી જાન્યુઆરી પરમ પૂજ્ય દાદા ભગવાન એટલે કે જ્ઞાની પુરુષ શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલના દેહાવસાનનો દિવસ હતો. જ્ઞાનીપુરુષ તરીકે કાયમ માટે આ જગતમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરીને અમર થઈ ગયા. પૂજ્ય દાદાજીના દેહ વિલયને ૩૫ વર્ષ પૂર્ણ થયા.
પૂ.દાદાશ્રી પોતે ભાદરણનાં પટેલ હતા . તેઓ ગુજરાતી હતા. ગુજરાતીઓ માટે દાદા શ્રી કહેતા કે ગુજરાતીઓ દયાળુ લાગણીવાળા અને એકમેકને મદદ કરે તેવા હોય છે. દાદાજી કહે છે કે.. ગુજરાત ભારે પુણ્યશાળી પ્રદેશ છે .તેથી આ કાળમાં આવા જ્ઞાની અહીં ગુજરાત ની ભૂમિ પર અવતર્યા.. ભાદરણ ગામમાં શ્રી એ. એમ. પટેલની અંદર દાદા ભગવાન પ્રગટ થયા છે. દાદાશ્રીએ માની પ્રજા માટે ઈગોઇઝમનો રોગ જ નિર્મૂળ કરી નાખ્યો ..
પૂજ્ય દાદાશ્રી ખુબ સરળ, સહજ સ્વભાવના હતા. તેઓ બાળક જેવી સરળતાથી લોકોને પ્રશ્નોના જવાબ આપતા. લોકોએ સત્સંગમાં બેઠા બેઠા તેમના જીવન વિશે ઘણી બધી વાતો પૂછી છે. તેમણે પોતાના જીવનની કિતાબ જેમ છે તેમ ખુલ્લી કરી છે. પોતે દેહની સાથે નિકટના પડોશીની જેમ રહેતા. લોકો દાદાશ્રીને આધ્યાત્મિક, ધાર્મિકઅને વ્યવહારિક બાબતો વિશે પણ પૂછતા. તેઓશ્રી જેમ છે તેમ વૈજ્ઞાનિક ઉકેલ આપી દેતા.
દાદાજી ફક્ત ૨૫ વર્ષના હતા ત્યારે એમણે શોધી કાઢયું કે જમ કે યમરાજ નામનું કોઈ નથી. કોઈ દેવ પણ નથી. યમરાજ નથી પણ નિયમરાજ છે, જગતને નિયમ જ ચલાવ્યા કરે છે. નિયમને આધીન છે આ જગત. અહિ દરેક જીવ નિયમથી જન્મે છે, નિયમથી મરે છે . નિયમથી રાત થાય છે, નિયમથી દિવસ થાય છે. કુદરત નું વાસ્તવિક જ્ઞાન ખુલ્લું કરીને લોકોને નિર્ભય બનાવ્યા.
પૂજ્ય દાદાશ્રી પોતે શ્રદ્ધાની મૂર્તિ થયા એટલે મુસ્લિમ હોય ક્રિશ્ચિયન હોય , હિન્દુ હોય, પારસી હોય કે કોઈપણ જાતના હોય કોઈને જુદાઈ લાગે નહીં. આખા વર્લ્ડમાં કોઈ જોડે મતભેદ પડે જ નહીં. ભગવાન એ શાસ્ત્રમાં લખ્યું છે કે "શ્રદ્ધેય મૂર્તિ" એટલે કે ગમે તે નાત જાતનો હોય પણ એને શ્રદ્ધા બેસી જાય. કારણ કે, નિર્મળતા હોય એ મૂર્તિ માં.. ત્યાં શ્રદ્ધા બેસાડવી ના પડે પણ દેખવા માત્રથી શ્રદ્ધા બેસી જાય. કો કફેરો જ આવી મૂર્તિ પાકે.
દાદાશ્રી સંસારમાં વ્યવહાર કરતી વખતે સંપૂર્ણ લાગણીવાળો હૃદયથી, આદર્શ વ્યવહારો કરતા. ક્યાંય મતભેદ નહીં.
''માનીને માન આપી લોભિયા થી છેતરાય
સર્વના અહમ પોષી વીતરાગ ચાલી જાય.
છતાં મૌન આશિષ છે જ્ઞાન બીજરોપી ને
સહુને મોક્ષ માર્ગે લઈ જાય."
ધર્મપત્ની હીરાબાના અવસાન થયાના ખબર મળ્યા હીરાબાએ દેહ છોડી દીધો ખબર પડી ત્યારે દાદાશ્રીએ કહ્યું કે અમે વિધિ કરીએ છીએ તમે બધી વ્યવસ્થા કરો. હીરાબાની સ્મશાન યાત્રામાં વ્હીલચેરમાં બેસીને ગયા. તે સમયે પણ દાદાજી સંપૂર્ણ જ્ઞાતા - દ્રષ્ટા પદમાં જોવા મળ્યાં .કોઈ અસર જ ના હોય તેવી દશામાં.. વ્યવહારમાં આદર્શ, સંપૂર્ણ વીતરાગ આ જગતની કોઈ ચીજ નથી જે એમને અડે. કોઈ દુઃખ આપે તો પણ એમને અડે નહીં. પોતે આ શરીરમાં જ રહેતા નથી, જે શરીરમાં રહેતા હોય તેને દુઃખ થાય.
દાદાજી કહે છે કુદરતની ચીજો બધી લોન ઉપર છે મફત મળતી નથી, જે લેવું હોય તે લેજો પણ તે re pay કરવું પડશે. તેવું તારણ નાની વયમાં દાદાજી ને આવી ગયેલુ. પહેલા દીકરો આવ્યો તે મૃત્યુ પામ્યો. પછી દીકરી આવી તે પણ તરત જ વિદાય લઈ ગઈ, મૃત્યુ પામી તો પણ સહેજે વિલાપ નહી. મોહ નહી, દુઃખ નહીં. મહેમાન આવ્યા અને ગયા તેવી નિર્મોહી ભાવના.
અંતમાં દાદાજી કહે છે ભગવાન મોક્ષ આપે તો એ મોક્ષ કહેવાય નહીં. મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં, કોઈ અંડર હેન્ડ નહીં. પોતાના બ્લડર્સ (blunders) અને પોતાની મિસટેકસ (mistakes)એ જ પોતાના ઉપરી છે. એ ભાંગી નાખે તો પોતે પોતાના ભગવાન જોડે અભેદ સ્વરૂપ થઈ જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાન ની પુણ્યતિથિ નિમિત્તે આપણે એમને સત સત કોટી વંદન કરીએ. અને એમના જેવી અદભુત જ્ઞાન દશાને પામીએ. દાદાજી એ દૃષ્ટિનો પુરૂષાર્થ કેવી રીતે કરવો તે સામાન્ય જીવો ને ખુબ સરસ સરળ રીતે શીખવાડયું.
ફાલ્ગુની રા પંડયા