ઓમ નમો ભગવતે વાસુદેવાય...
મ હીસાગર સંગમ તીર્થમાં દેવર્ષિ નારદજીએ વસાવેલ બ્રાહ્મણોનાં પ્રમુખ હરિત મુનિનાં ગોત્રમાં માણ્ડૂકિ મુનિ થયાં. તેઓ વેદ-વેદાંતમાં નિષ્ણાંત વિદ્વાન હતાં. તેમની પત્નિ ઈતરાની કૂખે ઐતરેય નામના પુત્રનો જન્મ થયો. બાળક ઐતરેય પૂર્વજન્મમાં દ્વાદશાક્ષર મંત્ર (ઁ નમો ભગવતે વાસુદેવાય)નું શિક્ષણ મળ્યું હતું. તે બાલ્યાવસ્થાથી જ નિરંતર આ મંત્રનો જાપ કર્યા કરતા હતાં. આ જપ સિવાય તેઓ ન તો કોઈની સાથે વાત કરતાં કે ન તો કશું કોઈનું સાંભળતા! ન તો સ્વયં કંઈ બોલતાં! સૌ કોઈને નક્કિ થઈ ગયું કે આ બાળક મૂગો છે. પિતાએ પણ ઘણીવાર અનેક વખત અનેક રીતે સમજાવવાનો, શીખવાડવાનો અને અધ્યયન કરાવવાનું ઈચ્છયું. પરંતુ તેણે લૌકિક વ્યવહારમાં કદી મન લાગ્યું નહીં.
તેથી પિતાએ પણ તેમને જડ સમજવા લાગ્યાં. તેઓએ પિંગા નામની એક સ્ત્રી સાથે લગ્ન કરી દીધા. જેનાથી ચાર પુત્રો થયાં... ઐતરેય પ્રતિદિન ત્રણે સમય નિયમબધ્ધ ભગવાન વાસુદેવનાં મંદિરમાં જઈને આ મંત્રનો જાપ કરતો હતો. એક દિવસ તેમની માતાએ પોતાની શોક્યનાં પુત્રોને વિદ્વાન બનેલાં જોઈને ખૂબ જ દુઃખી થતાં કહ્યું, 'અરે! તું તો મને કલેશ દુઃખી કરવાં આવ્યો છે! તે સ્ત્રીનો જન્મારો નકામો હોય... જે પતિથી તિરસ્કૃતી થયેલ હોય! જેનું સંતાન ગુણવાન ન હોય! હું ખૂબ જ અભાગી છું. મારે હવે મહિસાગર સંગમમાં ડૂબીને મરી જવું જ બહેતર છે.'
માતાની આવી વાણી સાંભળીને ધર્મજ્ઞા ઐતરૈય ખૂબ જ મોટેથી ખડખડ હસ્યો. પ્રથમ તેઓએ ભગવાનનંવ ધ્યાન કર્યું, અને પછી માતાનાં ચરણોમાં પ્રણામ કરતાં બોલ્યો, 'મા! તૂં ખોટા મોહમાં પડી છો! અજ્ઞાાનતાને જ તૂં જ્ઞાાન સમજી રહી છો. જેનો શોક કરવો યોગ્ય નથી. જેનાં માટે શોક કરી રહી છો અને જે વિચારણીય છે. તેમનાં માટે તારા મનમાં જરાપણ શોક થતો નથી. આ શરીરને માટે તૂં શા માટે શોક કરે છે? એ તો મૂર્ખાઓનું કામ છે. આ દેહમાં શું છે? આ તો લોહિ-માંસથી ભર્યો છે. હાડકાંનાં માળખામાં ચોંટેલ છે.' બુધ્ધિમાન વ્યક્તિ આ શરીરનાં મોહને તજી દે છે. તેઓ જન્મ-મરણનાં ચક્કરથી છૂટી જાય છે.
જેઓ આ શરીરથી આસક્ત રહ્યાં છે. તેઓને નાના પ્રકારનાં કલેશો ભોગવવા પડે છે. શરીરનાં મોહથી જ જીવ ગર્ભધારણ કરે છે. ત્યાં તે બે પર્વતોની વચ્ચે બંધાયને દબાયેલાં પ્રાણી જેવું કષ્ટ ભોગવે છે. સમુદ્રનાં જળમાં ડૂબવા બરાબર ગર્ભમાં વ્યાકુળ બની રહે છે. જઠરાગ્નિ તેને એવો તો તપાવે છે કે જેને ઉકળતા તેલનાં તવામાં નાખ્યો હોય! આઠ મહિના સુધી તેને આ પ્રકારની વેદના સહેવી પડે છે. જેમ કે તપાવેલી સહસ્ત્ર સોય બધાં અંગોમાં ખૂંચ્યા કરી છેદ કરી રહેતી હોય. અહીં જ જીવને તેમાં પૂર્વજન્મોનાં સ્મરણો થાય છે. તે પોતાનાં પૂર્વજન્મોનાં કર્મોનાં પશ્ચાતાપ કરે છે અને હવે પછી સાધના કરવાનો સંકલ્પ કરે છે. જેનાથી ફરી ગર્ભવાસ સહેવો ન પડે. બાલ્યાવસ્થામાં ઈન્દ્રિયોની વૃત્તિઓ અસમર્થ હોય છે. બાળકને બીજાઓ પર આધાર રાખવો પડે છે.
'મા! મેં બ્રહ્મચર્ય વ્રત લીધું છે. મારાં હૃદયમાં વિરાજમાન થયેલા અંતઃર્યામીને જ મેં મારા ગુરૂ બનાવ્યા છે. તે પરમાત્મા જ સાચો ભાઈ-મિત્ર છે. હું તેને પ્રણામ કરું છું. તું દુઃખી ન થા! હું આ પદને પ્રાપ્ત કરીશ કે ત્યાં સેંકડો યજ્ઞાો કરવા છતાં પણ પહોંચી શકાતું નથી..! પોતાના પુત્રની વાત સાંભળીને ઈતરાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે વિચારવા લાગી... જ્યાં મારા પુત્રની દ્રઢ નિષ્ઠા તેમજ વિદ્યાની લોકોને જાણ થશે. ત્યારે તેની કીર્તિ ચારે બાજુ સુગંધી માફક ફેલાઈ જશે. મારો પણ યશ વધશે. બરાબર આ જ સમયે મૂર્તિમાંથી શંખ, ચક્ર, ગદા, પદમધારી ભગવાન વિષ્ણુ પ્રગટયા. કરોડો સૂર્ય સમાન તેમની તેજો ક્રાન્તિ હતી.
ભગવાનનાં દર્શન થતાં જ ઐતરેય દંડવત ચરણોમાં ઢળી પડયો. તેમના શરીરમાં રોમાંચ થયો. આંખોમાં અશ્રુધારાઓ વહેવા લાગી. હાથ જોડી ગદ્ ગદ્ સ્વરે ભગવાનની ખૂબ ભાવથી સ્તુતિ કરી. તેમની સ્તુતિથી સંતુષ્ઠ બની ભગવાને તેમને વરદાન માગવા કહ્યું, 'પ્રભુ! મને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવો. મને અસહાયનાં કર્ણધાર બની સહાય કરો. પ્રભુ ઐતરેય પર પ્રસન્ન થઈ ઐશ્વર્ય પ્રાપ્ત થવા તથા ઉત્તમ બુધ્ધિનું વરદાન આપ્યું તથા લગ્ન કરવાનો આદેશ આપ્યો. ભગવાન વિષ્ણુ આદેશ આપી મૂર્તિમાં પુનઃપ્રવિષ્ટ થઈ ગયા. ઐતરેય જન્મથી જ જીવનમુક્ત હતો. ભગવાનનાં આદેશથી તે શ્રી હરિદ્વાર નિર્દષ્ટ કોટિતીર્થમાં તે ગયો.
જે જગ્યાએ હરિમેઘા નામનાં ઋષિ યજ્ઞા કરતા હતાં. હરિમેઘા ઋષિએ તેમની વિદ્વતાનું જ્ઞાાન જાણીને ખૂબ સત્કાર કર્યો. ઘણું બધું ધન દાન દક્ષિણામાં આપ્યું. પોતાની પુત્રીનાં તેમની સાથે લગ્ન કરાવ્યાં. ઐતરેયે પોતાની માતાને કહ્યું, 'હું પૂર્વજન્મમાં સંસારનાં દોષોને લઈને ભયભીત થઈ એક દિવસ એક ધર્માત્મા બ્રાહ્મણની શરણે ગયો. તે પરમ કૃપાળુ બ્રહ્મદેવે મને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. તે મંત્રનાં જાપનાં ફળ સ્વરૂપ ઉત્તમ બ્રાહ્મણ કુળમાં મારો જન્મ થયો છે. પૂર્વજન્મની સ્મૃતિ અને ભગવાન વાસુદેવનાં અનુરાગ પણ તે મંત્ર જપનું જ ફળ છે...!!'
- લાલજીભાઈ જી. મણવર