Get The App

"અતિની ગતિ નથી" .

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
"અતિની ગતિ નથી"                                            . 1 - image


માણસ જ્યારે જીવનમાં લક્ષ્મણરેખા ઓળંગી જાય છે, ત્યારે કુદરત તેના નાશ માટે શસ્ત્ર ઉગામે જ છે. એમ વાસ્તવિક જીવનમાં પણ અતિ ખાવું, અતિ પીવું, અતિ હરખઘેલું થવું, અતિશય "ડોન"વેડા કરવા, અતિ ગુસ્સો, અતિ કર્કશ વાણી, અતિશય દગાખોરી, અતિ ઈર્ષા કરવી તેનો પણ કુદરતી રીતે જ અંત આવે છે. દડાને રોક્યો નથી રોકાતો પણ તે દડો ભીંતે ભટકાઈને જ પાછો પડે છે.

અતિશય બોલવું પણ સારું નથી, અતિશય ચૂપ રહેવું પણ સારું નથી, અતિશય વરસાદનું વરસવું પણ સારું નથી અને અતિશય ધૂપ (તડકો) પણ સારો નથી.

"અતિ ભલો નહીં બોલનો - અતિ ભલી નહીં ચૂપ

અતિ ભલો નહીં બરસનો - અતિ ભલી નહીં ધૂપ"

આજના સમયમાં અતિશય બેફામ રીતે ડ્રાઈવીંગ કરીને કેટલા નિર્દોષ માણસોનો ભોગ લેવાઈ જાય છે. અતિ મદિરાપાન કરીને પત્નીને તથા પડોશીઓને પણ ત્રાસ આપવામાં માણસો નિર્દોષ લોકોને ત્રાસ આપવાનું મુકતા નથી. અતિશય ક્રોધી માણસ ઘરમાં કંકાશ પેદા કરીને ઝઘડા કરીને ગોરાના પાણી પણ સુકવી નાખે છે.

આજે મોબાઈલે પણ બાળકો તથા યુવાનોને માજા મુકાવી છે. અતિશય મોબાઈલમાં વ્યસ્ત વ્યક્તિને સમયનું ભાન રહેતું નથી. જવાબદારીનું ભાન રહેતું નથી. મોબાઈલ ન અપાવો તો અને મોબાઈલ અતિશય ન જોવાનું કહેવામાં આવે તો પણ માણસ આપઘાત કરી લે છે. ક્યાં જઈને આ બધું અટકશે?

દિવસે દિવસે સમય ખરાબ આવતો જાય છે. અતિ અનીતિ, ભ્રષ્ટાચાર પણ દિવસે દિવસે વધતા જાય છે. અતિ ભેળસેળ કરીને માણસની જીંદગીને તબાહ કરવામાં પણ માણસ પાછુ વાળીને જોતો નથી. માણસને આવા કપરા સમયમાં તમાચો મારીને મોઢું લાલ રાખવું પડે છે પરંતુ આજે કુદરતના અતિ કરતા માણસનું "અતિ" વધી ગયું છે.

આ "અતિ"નું "ઈતિ" ક્યારે થશે તે ભલે નક્કી નથી પરંતુ "અતિ"  સર્વત્ર વર્જયેત એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ.

પરમ કૃપાળુ પરમાત્મા સૌનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના સાથે અસ્તું...!

- નૈષધ દેરાશ્રી

Dharmlok

Google NewsGoogle News