Get The App

''નવા વરસનો નવો દિવસ'' .

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
''નવા વરસનો નવો દિવસ''                                 . 1 - image


- દર મહિને આવતા તહેવારો અને તેની ઉત્સાહપૂર્વકની ઉજવણી તેની નિશાની છે - આ બધું એટલે થાય છે કે માણસને ભીતર ઉજવાઈ રહેલા મહા-ઓચ્છવના આનંદની ખબર નથી.

અ માસના દિવસે આવતી દિવાળી અંધકારનું મૂલ્ય સમજાવે છે અને ચિક્કાર અંધકારમાં પ્રગટતા દીવાઓનો ઉજાસ અંધકારને કેટલી સહેલાઈથી દૂર કરી શકાય તેનું સામર્થ્ય બતાવે છે. દિવાળીની રાત જતાં જ નવો દિવસ ઉગે છે. નવા વર્ષનો નવો દિવસ. બેસતા વર્ષના પહેલા દિવસને ભલે નૂતન દિવસ ગણીએ પણ... દિવસ તો રોજે રોજ નવો જ હોય છે. કદી જૂનો હોતો નથી. એકની એક વસ્તુ વારંવાર જોવા ટેવાયેલી આંખોને બધું જૂનું જ લાગે છે. એ જ ઘર, એ જ ફર્નિચર, એ જ સ્કુટર, એ જ કાર, એ જ રસ્તા, એ જ ઓફિસ, એ જ માણસો, બધું એનું એ જ ! કશું નવું નહિ. જૂનાથી ટેવાયેલો માણસ એટલે જ કંઈક નવું શોધે છે. માણસને નવો રોમાંચ જોઈએ, થ્રીલ જોઈએ, અચાનક આશ્ચર્ય જોઈએ ! આજના માણસને ખુશ રહેવા બહારથી કોઈ ધક્કો જોઈએ. દર મહિને આવતા તહેવારો અને તેની ઉત્સાહપૂર્વકની ઉજવણી તેની નિશાની છે - આ બધું એટલે થાય છે કે માણસને ભીતર ઉજવાઈ રહેલા મહા-ઓચ્છવના આનંદની ખબર નથી. તેનાથી તે અજાણ છે. આસપાસ ઘટતી ઘટનાઓ ભલે એક સરખી લાગે, પણ હોતી નથી. એમાં આંખોનો દોષ નથી. મનના વલણનો દોષ છે. કોઈ 'જીવંત' વસ્તુ જૂની હોતી નથી. રોજે રોજ નવી હોય છે. આપણા શરીરમાં દર સેકન્ડે ૧,૫૦,૦૦,૦૦૦ રક્તકણો નાશ પામે છે. પણ એ પહેલાં એનાથી વધારે રક્તકણો નવા બને છે. આ રક્તકણો ફક્ત ૨૦ સેકન્ડમાં આખા શરીરમાં ફરી મળે છે. શરીર એટલે પળે પળ નવુ થતું જાય છે. તાજું થતું જાય છે. શરીરમાં કશું જ જૂનું રહેતું નથી.

એનું એક જ કારણ છે આપણી ઈન્દ્રિયો બહેરી થઈ ગઈ છે. આપણી જ્ઞાનેન્દ્રિયોને બરાબર કેળવી નથી. સૌંદર્ય જોવાની, અનુભવવાની તાલિમ આપી નથી.

હેલન કેલર અંધ હતાં. બહેરાં અને મૂંગા હતાં. ન્યુયોર્કના ફોરેસ્ટ હીલ નામના લત્તામાં રહેતાં તે નિયમિત ફરવા નીકળતાં હતાં. બગીચામાં બાંકડે બેસતાં. જતા આવતાં ફૂટપાથ પર ચાલતી વખતે આજુબાજુ પ્રસરતી ગંધ પરથી સમજી જતાં કે તે અત્યારે ક્યાંથી પસાર થઈ રહ્યાં છે. આ ગ્રોસરી સ્ટોર, આ અત્તરવાળો, આ દરજીની દુકાન, આ બેકરીવાળો,.... તેમની સ્પર્શેન્દ્રિય એટલી તીવ્ર હતી કે મિત્રોના હોઠ પર હળવેથી આંગળી અડાડીને સમજી જતાં કે તે શું બોલે છે! તે હલેસાંથી હોડી ચલાવતાં, નદીમાં તરતાં, ઘોડેસવારી કરી જંગલમાં જતાં, શેતરંજ રમતાં,... આટલી તીવ્ર જ્ઞાનેન્દ્રિય ભલે દરેક પાસે ના હોય પણ જો માણસ સમજપૂર્વક પોતાની ઈન્દ્રિયોને તાલિમ આપી કેળવે તો જિંદગીના દરેક દિવસની, દરેક કાર્યની, દરેક સંબંધોની આશ્ચર્યજનક મઝા માણી શકે. નજર સામે શું શું નવું છે તે જાણી શકે. તેનો આનંદ લઈ શકે, મન સન્માર્ગે હોય, સતેજ હોય, સજાગ હોય તો સમયની પસાર થતી દરેક પળ માણસને અનેરી ભેટ આપી જાય છે.

સોગિયું મોં રાખીને નવા દિવસની શરૂઆત કરીશું તો કોઈના બેસણામાં જતાં હોઈએ એવું અશુભ લાગશે. દરેક નવા દિવસની શરૂઆત મધમાખીના અવિરત ગુંજારવની માફક ધગશથી, તત્પરતાપૂર્વક થશે તો અંતે મીઠું, મધુરૃં મધ મળ્યા વગર રહેશે નહિ! લોર્ડ યેસ્ટફિલ્ડે તેમના પુત્રને કહ્યું હતું. ‘‘I recommed you to take care of minutes. Hours Will take care of themselves -  દીકરા, તું ફક્ત મિનિટોનું ધ્યાન રાખજે. કલાકો એની મેળે તેનું ધ્યાન રાખશે. મતલબ, બદામના ટુકડા ટુકડા ના ભરાય. તેને ધીમે ધીમે, ચાવી ચાવીને પૂરો સ્વાદ લઈને ખવાય. શેરડીના ટુકડાને મોંમાં ચાવીને, નીચોવીને તેનો ટીપે ટીપું રસ ચૂસવાની મઝા જ કંઈક ઓર છે.

આપણે જેને કાલુ માછલી કહીએ છીએ તે ઓઈસ્ટર માછલીને સમુદ્રી રેતી ખૂબ હેરાન કરે છે. પણ માછલી હેરાનગતિને ગાંઠતી નથી. પરેશાન કરતી એ જ રેતીમાંથી અમુલ્ય મોતી બનાવી જાણે છે. આપણે પણ ગમે તેવી તકલીફમાં આજની મળેલી કિંમતી ક્ષણોને પૂરી સમજથી જીવી લેવાની છે. સંસ્કૃતમાં એક શ્લોક છે. (પ્રત્યંહ પ્રત્યવેક્ષેત... કિન્નુ સત્પુરૂષૈરિવઃ) મારા કિંમતી જીવનનો આજનો જે દિવસ પસાર થઈ રહ્યો છે. તે ફરી પાછો આવવાનો નથી. માટે રોજ સવારે ઊઠતાં જ એ વિચાર કરી લેવો કે આજનો દિવસ પશુતુલ્ય પસાર કરવો છે કે સદ્પુરૂષની માફક પસાર કરવો છે.

અંગ્રેજીમાં એક શબ્દ છે. 'બકેટ લિસ્ટ' એટલે જે કામ હજુ સુધી નથી કરી શક્યા પણ મરતાં પહેલાં એ કામ કરી લેવાની દિલની તમન્ના છે એવું કામ- એનું લિસ્ટ! આતમના ગભારામાં ઘર કરી બેઠેલી કોઈ અદમ્ય ઝંખના ! જો એવી કોઈ ઝંખના રહી ગઈ હોય તો તેને પૂરી કરવા આ દિવસ આવ્યો છે. - નવા વરસનો નવો દિવસ. 

- સુરેન્દ્ર શાહ

Dharmlok

Google NewsGoogle News