પ્રકૃતિ : પૂજનીય .
ભા રતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ તથા પર્યાવરણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માણસનું નિર્માણ પણ પ્રકૃતિના તત્વોથી જ થયેલું છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી શરીર બનેલું છે. જ્યાં સુધી આ પાંચેય તત્વોનું પ્રમાણ જળવાઈ રહે ત્યાં સુધી માણસ સ્વસ્થ રહે છે. જ્યારે આ તત્વોમાં ગરબડ થાય કે તત્વની ઉણપ થાય તો પ્રાણી રોગી થઇ જાય છે. અન્ન તથા ઔષધિઓમાં પણ આ તત્વો રહેલા છે.
પ્રકૃતિ વગર મનુષ્ય તથા પ્રાણીઓનું અસ્તિત્વ અશક્ય છે. પ્રકૃતિ વગર માણસ, જીવન જીવી શકતો નથી. પ્રકૃતિ માની જેમ આપણને જીવન આપે છે, અને આપણું ભરણ પોષણ પણ કરે છે. એટલે જ વૈદિક સાહિત્યમાં પૃથ્વી, સૂર્ય, વાયુ, જળ, આકાશ વગેરે કુદરતી શક્તિઓની સ્તુતિ કરવામાં આવી છે. તેમને દેવો માનવામાં આવ્યા છે. વસુંધરા આપણી માતા છે અને આપણે બધા તેના પુત્રો છીએ. અહિ વસુંધરા એટલે કે પૃથ્વીનો અર્થ પહાડ, વૃક્ષો, નદીઓ, સરોવરો, ખડકો, ખનિજ પદાર્થો, આબોહવા, ઋતુઓ વગેરે છે. પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ જ તેની સાચી પૂજા છે. જો પ્રકૃતિ સુરક્ષિત રહેશે તો જ આપણે પણ સુરક્ષિત રહીશું. વેદો, ઉપનિષદો, પુરાણો, રામાયણ, મહાભારત, ગીતા, શ્રીગુરુગ્રંથ તથા બીજા ધર્મગ્રંથો પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખી તેનું સંરક્ષણ કરવાનું કહે છે.
પીપળો, વડ, તુલસી, આમળા, લીમડો વગેરે પર્યાય રણને શુધ્ધ રાખનારા વૃક્ષો તથા છોડવાઓનું જતન થાય તે માટે તેમની પૂજા કરવામાં આવે છે. આપણા ઘરની આસપાસ આવા પવિત્ર વૃક્ષો ઉછેરવા જોઇએ, અને તેમનું સંરક્ષણ કરવું જોઇએ. મનુષ્યના ઉપચાર માટે ઔષધિઓ તેનું પેટ ભરવા માટે અન્ન, કંદમૂળ, ફળો, શાકભાજી તથા જળ તેનું શરીર ઢાંકવા માટે વસ્ત્રો, ઉદ્યોગો માટે કાચો માલ વગેરે પ્રકૃતિ જ આપે છે. વૃક્ષ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ તથા બીજી ઝેરી વસ્તુઓને શોધી લઇને બદલામાં આપણાં જીવનને સૌથી મહત્વનો આધાર એવો ઓક્સિજન આપે છે. પૂજા, હવન તથા યજ્ઞા કરવા માટે ફૂલો, ફળો, સમિધાઓ વગેરે પણ પ્રકૃ-તિ જ પ્રદાન કરે છે. વૃક્ષ વનસ્પતિમાં દેવી દેવતાઓનો વાસ છે, એવું કહેવામાં આવ્યું છે. ગીતામા ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, ''વૃક્ષોમાં પીપળો હું છું'' તુલસીનો છોડ વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે. એટલે જ તે પૂજનીય છે વડના વૃક્ષમાં ભગવાન શંકરનો વાસ હોવાનું કહેવામાં આવ્યું છે.
રંગબેરંગી પુષ્પો, વહેતી નદીઓનો પ્રવાહ, નદીઓ પર આવેલા ધોધ, સમુદ્રમાં ઉછળતા મોજા, ઊગતો કે આથમતો સૂર્ય તથા પૂનમના ચંદ્ર વગેરે જોઇને માણસને અપાર માનસિક શાંતિનો અનુભવ તથા આત્મીક આનંદની અનુભૂતિ થાય છે. શ્રીરામ શર્મા આચાર્યજીએ ''સૂનકારના સાથીઓ'' નામના પોતાના પુસ્તકમાં પ્રકૃતિને પોતાનો સહચર કહી છે.
- હસમુખલાલ સી. વ્યાસ