નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્ । દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત્ ।।
।। શ્રીકૃષ્ણ ઉવાચ ।।
ગૌતમ પટેલ
ના રાયણ (શ્રીકૃષ્ણ)ને નમસ્કાર કરીને અને નરોમાં ઉત્તમ એવા નર (અર્જુન)ને પ્રણામ કરીને, સરસ્વતી દેવી અને મહર્ષિ વ્યાસને પ્રણામ કરીને પછી જયનું ગાન કરવું.
આ છે દુનિયાભરના સહુથી વિસ્તૃત અને વ્યાપક એવા મહાભારતનું મંગલ વિધાન ગ્રંથારંભે મંગલ કરવું એ ભારતીય પરંપરા છે. મમ્ એટલે પાપ, દુરિત, કલ્મષ ગલતિ - જે ગાળી નાંખે તેને મંગલ કહેવાય.
આ મંગલશ્લોકમાં નારાયણ એટલે ભગવાન શ્રીકૃષ્ણ, નર એટલે અર્જુન (આ બે નિત્ય સખા મનાયા છે.) વાણીની દેવી સરસ્વતી કે જેની કૃપા વિના સાહિત્ય સર્જન શક્ય નથી અને મહર્ષિ વ્યાસ - વિશાલ બુદ્ધિ - આ મહાન ગ્રંથના મહાન પ્રણેતા વ્યાસને નમન કર્યા છે. ઈશ્વર સાથે સર્જકને મૂકીને સર્જક અને સર્જનની અહીં અભૂતપૂર્વ પ્રતિષ્ઠા દર્શાવાઈ છે. ભારતમાં વેદના કાળમાં પણ પહેલાં ઋષિ પછી દેવ અને બાદમાં છંદનું સ્મરણ કરવાનું અને વેદના મંત્રોનું અધ્યયન કરવાનું એવી પ્રથા આજ પણ પ્રચલિત છે.
અહીં પ્રથમ ગ્રંથના નામ તરીકે 'જય'નો ઉલ્લેખ છે. વિદ્વાનોએ પ્રયત્નપૂર્વક અધ્યયન અને ગવેષણ કરીને દર્શાવ્યું છે કે (૧) જય (૨) ભારત (૩) મહાભારત આ ક્રમે આપણને એક લાખ શ્લોકનો મહાગ્રંથ કે જે આપણી સંસ્કૃતિની ધરોહર કહેવાય એ મળ્યો છે. ધ્યાનમાં રાખવાનું છે કે ગુપ્તવંશના શિલાલેખમાં 'દસસાહસ્ત્રીસંહિત' એટલે એક લાખ શ્લોક મહાભારતમાં હતા એવો સ્પષ્ટ નિર્દેશ છે એટલે એ સમયે મહાભારત એક લાખ શ્લોકોનું થઈ ગયું હતું.
અષ્ટૌ શ્લોકસહસ્ત્રાણિ અષ્ટૌ શ્લોકશતાનિ ચ ।
અહં વેદ્મિ શુલોવેત્તિ સંજયો વેત્તિ વા નવા ।।
મહર્ષિ વ્યાસ નિવેદન કરી રહ્યાં છે કે આઠ હજાર અને આઠસો શ્લોકો કૂટ શ્લોકો છે જેને હું જાણું છું. શુકદેવ (વ્યાસ મહર્ષિના સુપુત્ર અને શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રમુખ વક્તા) જાણે છે. સંજય જાણે છે અથવા નથી જાણતો.
મહર્ષિ વ્યાસને આવા શ્લોકો રચવાની ફરજ પડી હતી. તેમણે ગ્રંથની મનોમન રચના કરી અને લેહિયા (લખનાર) થવા માટે શ્રી ગણેશજીને યાચના કરી ત્યારે શ્રી ગણેશે કહ્યું:
..... યદિ મે લેખની ક્ષણમ્ ।
લિખતો નાવતિષ્ઠેત તયા સ્યાં લેખકો હૃહમ્ ।।
મહા. આદિ ૧-૭૮
લખતી વખતે જો મારી કલમ એક ક્ષણ પણ અટકે નહીં તો હું લેખક બનું.
મહર્ષિ વ્યાસ પણ કાંઈ કાચી માટીના નહોતા. તેમણે સ્પષ્ટ કહ્યું: અબુદ્ધ્વા મા લિખ કિશ્ચિત્ ।
(મહા આદિ-૧-૭૯) સમજ્યા વિના તમારે કાંઈ જ લખવાનું નહીં. અને આ મહાન કાર્યનો આરંભ થયો. મહર્ષિ વ્યાસે પોતાની મહાન રચનામાં વચ્ચે વચ્ચે કૂટ શ્લોકો મૂક્યા. જે ગૂઢ હોવાથી એનો અર્થ જલદી સમજાય તેવો ન હતો. શ્રી ગણેશજી એને સમજવા પ્રયત્ન કરે એ દરમ્યાન બીજા અનેક શ્લોકો રચી નાંખે.
આજકાલ કેટલાક વિદ્વાનો આ આઠ હજાર અને આઠસો શ્લોક એટલે જયસંહિતા પછી ચતુવિંશતિ સહસ્ત્રાણિ એવો નિર્દેશ આ ગ્રંથમાં છે. એવો ૨૪ હજાર શ્લોકો અને એ ભારત નામનો ગ્રંથ અને પછી થયું મહાભારત જેનો વિસ્તાર એક લાખ શ્લોક જેટલો લોકવાયકાઓ સ્વીકારાયો છે. ગુજરાતના ગઈ સદીના સંસ્કૃત જગતમાં ભીષ્મ પિતામહનું હુલામણું બિરૂદ પામેલા ઋષિકલ્પ વિદ્વાન શ્રી કે.કા. શાસ્ત્રીએ મહાભારતનું આદિથી અંત સુધી વિશિષ્ટ અધ્યયન કર્યું અને આઠ હજાર આઠસો શ્લોકમાં કૌરવ-પાંડવોની મૂળ કથા તારવી આપી એને 'જયસંહિતા' એવું નામ આપ્યું અને પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટે પ્રગટ કરી આ પછી તેઓશ્રીએ ૨૪ હજાર શ્લોક જુદા તારવ્યા અને ભારતસંહિતા નામ આપ્યું. આ તેઓની ભગીરથ કાર્ય દાદ માંગી લે તેવું છે. પ્રસંગોપાત નોંધવું રહ્યું કે સ્વ. શ્રી ઉપેન્દ્રભાઈ સાંડેસરાએ પણ ગત સદીમાં મહાભારતના અધ્યયન માટે પૂર્ણ જીવન આપ્યું હતું અને 'શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અંતર્યામી' નામનો ગ્રંથ તેમજ બીજા અનેક નાના નાના ગ્રંથોની રચના કરી હતી. શ્રી કૃષ્ણલાલ, શ્રી ધરાણી, કવિ શ્રી નાનાલાલ, શ્રી હરિન્દ્ર દવે, પદ્મશ્રી ગુણવંત શાહ, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, શ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈ વગેરે અનેક વિદ્વાનોએ આ ગ્રંથનું અધ્યયન કરીને ગુજરાતી સાહિત્યને શોભા પ્રદાન કરે તેવા ગ્રંથોની રચના કરી છે.
જયમાંથી ભારત અને પછી મહાભારત એ જે ગ્રંથવૃદ્ધિ થઈ તેના અનેક કારણો છે. આજ વિદ્વાનોમાં મનાય છે કે જય એ એક લોકપ્રચલિત ગ્રંથ હતો. પરંપરામાં એ મૌખિક રીતે ગવાતો અને તેમાં કૌરવ-પાંડવોની કથા કેન્દ્રમાં હતી. તેમાં ઉમેરો થવા-વિસ્તાર વધ્યો અને ભારત થયું. એ ભારતમાં ઉપાખ્યાનો ન હતા. પછી અનેક વર્ણનો ઉમેરાયાં અનેક નાની મોટી નદીઓ જેમ સાગરમાં વહે તેમ અનેક નાની મોટી કથાઓ મૂળ ગ્રંથમાં ઉમેરાતી ગઈ. અહીં નાના નાના આખ્યાનો, વીર ચરિત્રો, વન, પર્વત, નદી વગેરેના વર્ણનો તીર્થાટન જેવી ઘણી બાબતો આવી અને મહાભારતનું કદ વધીને લગભગ એક લાખ શ્લોકોનું થઈ ગયું. આ બાબતમાં પૂનાની સુપ્રસિદ્ધ સંસ્થા બીઓઆરઆઈ-ભાન્ડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટે અનેક વિદ્વાનોની મંડળી દ્વારા વર્ષો સુધી સંશોધન કરી દેશવિદેશની અનેક હસ્તપ્રતોનું અધ્યયન કરી લગભગ તાણુ હજાર શ્લોકોનો અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા જેને મહાભારતી સમીક્ષિત આવૃત્તિ(Gitiecal edition of Mahabharata) કહેવામાં આવે છે તે પ્રસિદ્ધ કરી. ભારતીય વિદ્વાનોનો આ પરિશ્રમ વિશ્વભરના પ્રાપ્ય વિદ્યા વિશારદોની પ્રશંસાને પાત્ર બન્યો છે.
મહા. આદિ પર્વના પ્રથમ અધ્યાયમાં આપેલી કથા મુજબ મૂળ મહાભારત ૬ લાખ શ્લોકોનું (ષષ્ટિં શતસહસ્ત્રાણિ) હતું. તેમાંથી ત્રીસ લાખ દેવોમાં પ્રતિષ્ઠિત થયા. પિતૃઓમાં પંદર લાખ અને ગાંધર્વોમાં ૧૪ લાખ એમ કુલ ૫૯ લાખ પરલોકમાં તથા એકં શતસહસ્ત્રં તુ માનુષેષુ પ્રતિષ્ઠિતમ્ - એક લાખ માનવોમાં રહ્યા અને સર્વપ્રથમ મહર્ષિ વ્યાસે પોતાના પુત્રને ભણાવ્યું પછી પોતાના શિષ્યોને.
આ મહાભારતને અનેક સ્થળે કાવ્ય કહ્યું છે એને આપણે વિરાટ કાવ્યની સંજ્ઞા આપી શકીએ. આજની ભાષામાં એ યુગનો આ વિશ્વકોશ (Encyclopedia)કહી શકાય. એમાં અનેક શાસ્ત્રોથી આ કાવ્ય ઉપબૃંહિત થયું છે. વૃદ્ધિ પામ્યું છે. આ મહર્ષિ વ્યાસનું અદ્ભૂત કર્મ છે એમાં ધર્મ અર્થકામ અને મોક્ષનું કથન છે. વળી ઇતિહાસ પણ છે. એમના કર્તાનો દાવો છે કે:
સર્વેષાં કવિમુખ્યાનામુપજીવ્યો ભવિષ્યતિ ।
પર્જન્ય ઇવ ભૂતાનામક્ષયો ભારતદ્રુમઃ ।।
મહા.આદિ. ૧-૯૨
આ ભારત નામનું વૃક્ષ (ભારતદ્રુમઃ) દરેક મુખ્ય મુખ્ય કવિઓ માટે ઉપજીવ્ય (એના આધારે જીવવા માટેનો ગ્રંથ) બનશે. જેમ વૃષ્ટિ પ્રાણીઓ માટે છે તેમ. ભારતની પ્રત્યેક ભાષામાં અનેક કવિઓએ આ ભારતદ્રુમના મહાભારતરૂપી વૃક્ષના અનેક ફળો ચાખ્યા છે અને એમાંથી અનેક ગ્રંથો મધ્યકાલીન યુગમાં કે છેક ૨૦મી સદી સુધી આપ્યા છે અને એકવીસમી સદીમાં પણ આપશે.
।। કૃષ્ણં પરં ધીમહિ ।।
વ્યાસં સત્યવતીસુતં ગુણયુતં વિજ્ઞાનજ્ઞાનાત્મકં
બુદ્ધિર્યસ્ય વિવેકસારસહિતા સંવ્યાપિતા ભારતે ।
કૃત્વા ભારતમેકમેવમતુલં વિષ્ણોઃ સમં વ્યાપિતં
તે વ્યાસં ચ નમામિ દેવમપરં કૃષ્ણં પરં ધીમહિ ।।
જેની બુદ્ધિ વિવેકના સારથી ભરી ભરી સમગ્ર ભારત દેશમાં વ્યાપી રહી છે એ જ્ઞાન અને વિજ્ઞાનના આત્મા, ગુણોથી ભરપૂર અને સત્યવતીના સુપુત્ર મહર્ષિ વ્યાસ છે જેમણે એક માત્ર અતુલનીય મહાભારતની રચના કરી વિષ્ણુની જેમ સર્વત્ર વ્યાપ્ત વળ્યા તે વ્યાસ કે જે બીજા દેવ જ છે તેમને હું નમસ્કાર કરું છું. અને શ્રી કૃષ્ણ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ.