મારૂ એટલે મારૂ .
મા રી તમામ વસ્તુ, મારું કાર્ય, વર્તન, વાણી, વિચાર અને સ્વભાવ સારાં જ છે. અમે સૌથી સારાં છીએ. આ પ્રકારનો સ્વભાવ ઘણાં માનવીઓનો હોય છે. આ સ્વભાવ પતનના માર્ગે લઈ જાય છે. પોતાનામાં રહેલી ભૂલો, ખામીઓ અને દૂષણોનો ગંભીરતા પૂર્વક વિચાર કરીને તેને સ્વીકાર કરનાર ઓછા છે.
એકવાર ગુરૂ મહારાજ ઉંચા આસન પર બેસીને શિષ્યો સાથે સતસંગ કરતા હતા. શિષ્યો એકચિત્તે સાંભળતા હતા. તે સમયે એક વ્યક્તિ ત્યાં આવીને એક શિષ્યના કાનમાં કહે છે કે તારી પત્ની મૃત્યું પામી છે. આ જાણીને શિષ્યે રડવાનું ચાલુ કર્યું. ગુરૂજીએ કારણ જાણીને કહ્યું કે ભાઈઓ આપણે પણ એક દિવસ મરવાનું છે આત્મા કાયારૂપી વસ્ત્રો ત્યજીને બીજા વસ્ત્રો ધારણ કરે છે. એમાં શોક કરીને રડવાનું ન હોય. તમારા લેણ સંબંધો પૂરા થયાં છે. આ તો કુદરતી નિયમ છે. જે આવે છે તે જાય છે. ખીલેલું કરમાય છે. આ સાંભળી શિષ્યે રડવાનું બંધ કર્યું.
બે વર્ષ પછી ગુરૂજી એ આસન પર બેસીને સતસંગ કરતાં હતા. તે સમયે કોઈકે ગુરૂજીના કાનમાં કહ્યું કે તમારી પત્ની મૃત્યું પામ્યાં છે. આ સાંભળતાં જ ગુરૂજી છ ફૂટ ઉંચા આસન પરથી ઢબ દઈને નીચે પડયા. તેમને મૂર્છા આવી ગઈ. બેભાન થઈ ગયા. ગુરૂજીએ કહ્યું કે આજનો સત્સંગ પ્રવચન બંધ રાખવામાં આવે છે. જે શિષ્યની પત્ની બે વર્ષ પહેલાં મૃત્યું પામી હતી તેણે કહ્યું કે ગુરૂજી મારી પત્ની મરી ગઈ હતી ત્યારે તમે મને કહ્યું હતું કે શોક ન કરવો, દુઃખી ન થવું. આજે તમારી પત્ની મૃત્યું પામ્યાં એટલે તમે શોકાતુર થઈ સતસંગ પ્રવચન બંધ કરાવી દીધું ત્યારે ગુરૂજીએ જવાબ આપ્યો કે તે દિવસે ''તારી પત્ની મૃત્યું પામી હતી, આજે તો મારી પત્ની મૃત્યુ પામી છે.લ્લલ્લ મારું એટલે મારું દરેકને મારું અતિપ્રિય છે. મારું બધું જ સારું છે. તારું અને મારું થી જગતના વ્યવહાર સચવાય છે. તારું અને મારુંના સબંધમાં જગત ગૂંચવાયેલું છે. કોઈક તારું અને મારુંમાંથી મુક્ત થઈ પરમપદ પામે છે.
- ભગુભાઈ ભીમડા