દયા, કરૂણા, અનુકંપા .

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
દયા, કરૂણા, અનુકંપા                                       . 1 - image


- દયા અને કરૂણામાં ફેર છે. કોઈને દુઃખી જોઈ થોડીક મદદ કરી છૂટી જવાનું મન થાય એ દયા છે. પણ બીજાના દુઃખનો અનુભવ જાતે થાય, બીજાને વાગેલા કાંટાની પીડા કાળજાને કોરી ખાય, ટપકતાં આંસુ જોઈ હૈયું વલોવાઈ જાય તો એ કરૂણા છે. 

દુર્યોધન અને શકુનિએ મળીને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા સળગાવી દેવાનું કાવતરૃં રચ્યું. વિદુરજીને ગુપ્તચરે સમાચાર આપ્યા કે આ કાવતરામાં મહારાજ ધૃતરાષ્ટ્રનો પણ હાથ હતો. ત્યારે તેમણે આવા અધર્મીઓ સાથે નહિ રહેવાનો સંકલ્પ કર્યો. પત્ની સુલભા સાથે હસ્તિનાપુરથી થોડે દૂર જંગલ પાસે વહેતી નદીના કિનારે એકાંતમાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા. તે રાજયનું કામકાજ સુપેરે કરતા પણ હસ્તિનાપુરના પગ ના મુકતા. એક દિવસ તેમના અંગત સંબંધી તેમની ખબર-અંતર પુછવા આવ્યા. ચોમાસાની ઋતુ હતી. રાતનો સમય હતો. સૌ પરવારીને ઊંઘવાની તૈયારી કરતા હતા. રાતનો સમય હતો. સૌ મુસાફરે વિદુરજીને જગાડયા. તેને ઝીણો તાવ હતો. પીડાથી કણસી રહ્યો હતો. વિદુરજીએ તેને અંદર બોલાવી સેવા-ચાકરી શરૂ કરી. દુઃખ હળવું થાય એવી ઔષધિ આપી. ઘરના એક ખૂણામાં તેના આરામની વ્યવસ્થા કરી. બહાર વરસાદ પૂરજોશમાં હતો. બે ત્રણ દિવસ એમ જ વીતી ગયા. વિદૂરજીને એ બિમારની સેવા કરવામાં રાતના ઊજાગરા થતા હતા. હવે વિદુરજીનું શરીર આરામ ઝંખતું હતું. તેમને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ના પડી. અચાનક પેલો રોગી ઊંહકારા ભરી બૂમો પાડવા લાગ્યો "હે ભગવાન, કેવા ઘરમાં આશરો મળ્યો છે ? કોઈ મારો ભાવ પૂછતું નથી. રાતની ઔષધિનો વખત વીતી ગયો. પણ કોઈને યાદ નથી. કેવા કઠોર દિલના, દયા વગરના માણસો છે !"

વિદુરજીની આંખો ખુલી ગઈ. પેલા સંબંધી પણ જાગી ગયા. રોગીનો આવો લવારો સાંભળી ગુસ્સે થઈ ગયા. તેમણે વિદુરજીને કહ્યું "આવા નગુણાની સેવા કરી શરીર ધસી નાખવાનો કોઈ અર્થ નથી. ઉપકાર ભૂલી જનાર કૃતઘ્ની પર આમ દયા ના કરાય. કાઢો એને બહાર ! અહીંથી વધારે સારી ચાકરી કરનાર મળે ત્યાં જવા દો. "વિદુરજીએ તેમને શાંત પાડયા. "ભાઈ, એ દુઃખી છે. બિમાર છે. રોગથી પીડાઈ રહ્યો છે. એટલે આવું બબડી રહ્યો છે. રોગી તો અકળાય પણ આપણે સેવા કરનારે થોડું ગુસ્સે થવાય ! એની સેવા કરવી મારો ધર્મ છે. એની પીડાથી ખરેખર મને દુઃખ થાય છે. સારૃં થશે એટલે જતો રહેશે !" સંબંધી વિદુરજીની નિઃસ્વાર્થ દયા ભાવના જોઈને પ્રભાવિત થઈ ગયા.

ઈશ્વરે વિદુરજી જેવી જ દયા, કરૂણા અને અનુકંપા દરેકને આપી છે. તેમણે સંવેદનાના સિક્કા સાચવવા નહિ, વહેંચવા આપ્યા છે, જીવનભર નફા-નુકસાનના હિસાબ પર પહેરો ભરતી બુદ્ધિ દરેક વાતે એક જ સવાલ કર્યા કરે છે. દયા, કરૂણા કે અનુકંપા બતાવવાથી શું મળશે ?... કશું નહિં મળે. કશો લાભ નહિ થાય. છતાં... બુદ્ધિની આ વાત ગણકાર્યા વગર જે ભીતરી કરૂણાને સક્રિય રાખી કોઈ પીડિત સાથે લાગણીનો તાર જોડી રાખે તો તે મનથી માલદાર થઈ જાય છે. તેની ગરિમાનું કદ આકાશને આંબી જાય છે.

મધર ટેરેસા કલકત્તા આવ્યાં ત્યારની વાત છે. તેમને ખબર પડી કે નજીકના ઝૂંપડામાં રહેતું એક કુટુંબ અઠવાડિયાથી ભૂખ્યું છે. તેના બાળકો કચરાપેટીમાંથી ખાવાનું વીણીને કે ઝાડના પાંદડાં ખાઈને જીવી રહ્યાં છે ત્યારે તેમનું હૃદય દ્રવી ગયું. તે એક સેવાભાવીને સાથે લઈ તે ઝૂંપડીએ ગયાં. એક ચીંથરેહાલ મહિલા બિમાર પતિની બાજુમાં ઉદાસ ચહેરે બેઠી હતી. મધરે તેને થેલી ભરીને ચોખા આપ્યા. તે રડી પડી. પગે લાગીને આભાર માન્યો. પછી તરત તેણે એ ચોખાના બે ભાગ પાડયા. એક ભાગ લઈને તે બહાર જવા લાગી. મધરે પૂછયું "ક્યાં જાય છે ?" તેણે કહ્યું "અમ્મા બાજુમાં રહેતો પરિવાર પણ કેટલાય દિવસથી ભૂખ્યો છે. એ બાઈ તો ગર્ભવતી છે. મારા કરતાં તેને ચોખાની વધારે જરૂર છે."

આ છે ભીતરની કરૂણા. અભાવમાં કે અછતમાંય તે પાડોશીના ભૂખની મૌન વ્યથા ભૂલી નથી. દયા અને કરૂણામાં ફેર છે. કોઈને દુઃખી જોઈ થોડીક મદદ કરી છૂટી જવાનું મન થાય એ દયા છે. પણ બીજાના દુઃખનો અનુભવ જાતે થાય, બીજાને વાગેલા કાંટાની પીડા કાળજાને કોરી ખાય, ટપકતાં આંસુ જોઈ હૈયું વલોવાઈ જાય તો એ કરૂણા છે. બુદ્ધ, મહાવીર જેવા કરૂણાવંત જીવો પશુ કે નરનો બલી ચઢતો જોઈને જાતે તલવારનો ઘા ઝીલવા ગરદન ઝૂકાવી ઊભા રહેતા !!

કરૂણાનો કોર્સ નથી હોતો. દયાળુ બનવાની કોઈ ડિગ્રી નથી હોતી. કરૂણા એક અનુભૂતિ છે, સંવેદના છે, લાગણી છે. આપણી નજર સામે બાળકી, યુવતિ કે સ્ત્રીને કોઈ વાસનાભર્યો હાથ નખોરિયા ભરતો હોય, પીડિતા આક્રંદ કરતી હોય અને શક્તિ હોવા છતાં આપણા ફેફસામાં શ્વાસ ના ઘૂંટાય તો એવા એકલપટા જીવતરનું મૂલ્ય શું ? થોડીક સહાનુભૂતિ પીડિત કે પીડિતાના આશાના બુઝાતા દીવામાં તેલ પૂરવાનું કામ કરે છે.

શબ્દોથી શણગારેલી અનુકંપા કરતાં ઉષ્માભરી લાગણીનું મૂલ્ય અદકેરૃં હોય છે. મુરલીધરન રક્તપીતિયાની સેવા કરતાં બાબા આમટે બની જાય છે. તેમનો પુત્ર પ્રકાશ ડોકટર બનીને આદિવાસી વિસ્તારમાં લોકોની સેવા કરે છે. મહાન શિલ્પી માઈકલ એન્જેલો બધું કામ પડતું મુકીને પોતાના નોકરની સેવા કરે છે. ક્રીમિયાના યુદ્ધક્ષેત્રમાં હાથમાં ફાનસ લઈ ફ્લોરન્સ નાઈટીંગેલ ઘાયલ સૈનિકોના ઘા લુછીને દવાદારૂ કરે છે. આવા માણસોને પોતાના સુખમાં નહિ બીજાના સુખમાં સુખ જોઈને આનંદ આવે છે. આજના યુગમાં દયા દેખાતી નથી. કરૂણા કામ કરતી નથી. કારણ કે આપણે સૌ સ્વાર્થ પ્રેરિત અને સુખોપયોગી સાધનોથી એકલપેટા રહેવામાં એવા ટેવાઈ ગયા છીએ કે આપણું હૃદય જરઠ અને લાગણી શૂન્ય બની ગયું છે. ખરેખર, કરૂણાના શ્રીફળમાં પાણી કદી સૂકાતું નથી. આપણું અંતર જો લાગણીથી ભીનું થયેલું હશે તો દયા, કરૂણા કે અનુકંપાના ફણગા ફૂટયા વગર રહેશે નહિ.

- સુરેન્દ્ર શાહ


Google NewsGoogle News