અંતકરણને શુદ્ધ ને સ્થિત કરે તે ધ્યાન

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
અંતકરણને શુદ્ધ ને સ્થિત કરે તે ધ્યાન 1 - image


ધ્યાન એ અંતકરણને સત્વ સંશુધ્ધ સત્ય સંશુધ્ધ કરીને તેમાં જ સ્થિત કરવાનો શુધ્ધ સત્ય અને સાત્વિક માર્ગ છે. અંતરનું સત્વ અને અંતરનું સત્ય પ્રાપ્ત કરવા માટે સંકલ્પ વિકલ્પનો ચરખો બરાબર શુધ્ધ મનથી ચાલવો જ જોઈએ એટલે કે અંતકરણનું સત્ય અને જીવનનું સત્વ પ્રાપ્ત કરવા આંતર ધ્યાનનો ક્રિયા યોગ બરાબર ચાલવો જોઈએ એટલે કે સત સંકલ્પનું અને સત્વ સંકલ્પનું હૃદયથી ગ્રહણ અને અસત અને અસત્વ સંકલ્પનો સ્વસ્થ ચિત્તે ત્યાગ આમ આપણા શુધ્ધ ચિત્તમાં ગ્રહણ અને ત્યાગનું તંત્ર બરાબર યોગ્ય રીતે ચાલે ત્યારે જ અંતકરણની સત્વ અને સત્ય સંશુધ્ધિ અનાયાસે પ્રાપ્ત થાય. આ અંતકરણની સત્યતા અને સત્વતા જ  જીવનમાં ભય ભ્રમ અને ભ્રમજાળનો નાશ કરવાનું અમોલ સાધન બને છે અને પરમ જ્ઞાાન પ્રાપ્ત થાય ને જીવનમાં અચલપદ, અભયપદ સત્યપદમાં અને સત્વ પદમાં સ્થિતતા ઉપલબ્ધ થાય જેથી આ જીવનનમાં જ પરમ આનંદ જીવનમાંથી જ ઉપલબ્ધ થાય.

આમ આંતર ધ્યાન એ આપણાં જ મનની કેળવણીની અંતર સાધના છે. આ એક પ્રકારનો જીવન યોગ છે. યોગનો અર્થ છે પરમતત્વ સાથે જોડાવું એકત્વ પ્રાપ્ત કરવું. આ આંતર ધ્યાન દ્વારા જ શક્ય બને છે. કારણ કે આપણું નિરંતર મન વિષયનું ચિંતન કરે છે, વિચાર કરે છે, વિચારોના મૂળમાં ત્રિગુણી પ્રકૃતિ છે, સંસ્કાર છે, વૃતિ છે, કલ્પનાઓ છે અને બહારની ઓખર વૃત્તિ છે, આ બધી ગંદકી આ રીતે મન ભેગી કરે છે અને મનની ગંદકી એ જ દુ:ખ ચિંતા અને ઉદ્વેગ તનાવ છે. આવા ચંચળ મનને કેળવવું, સંસ્કારવું આ સંસ્કારવું એટલે અંતરના સત્યમાં સ્થિત કરવું. એટલે મનને સત્ય સ્વરૂપ ધર્મયુક્ત બનાવવું અને પ્રસન્નચિત્તમાં સ્થિત કરવું અને સત્ય સ્વરૂપ, નિર્મળ બનાવવું અને અહંમથી મુક્ત કરવું આમ  ધ્યાન દ્વારા ચિંતનના મનનના વિચારીને કલ્પનાઓને કેળવવા અને આ બધાને વ્યવસ્થિત કરવા સ્થિત કરવા, એ જ ધ્યાન છે. જીવનમાં બાહ્ય ભક્તિ એ માત્રને માત્ર ભ્રમ છે, ભય છે, કર્મ કાંડ છે,  કારણ કે પરમ તત્વ પરમાત્મા એ કોઈ વ્યક્ત સ્વરૂપ નથી. તે એક અંતરની શુદ્ધ સત્ય સ્વરૂપ ભાવના જ છે. તે આંતર પ્રજ્ઞાામાં શીલ સાથે, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાાન, સમ્યક ચરિત્ર, સમ્યક શીલ, સમ્યક પુરુષાર્થ અને સમ્યક ધ્યાન દ્વારા અંતરના સત્યમાં જ સ્થિત થતાં જ તે અંતરમાંથી જ પ્રાપ્ત થાય છે. તેનો અનુભવ આંતર સાધક થાય છે. આ પરમ આનંદની અવસ્થા, તે આંતર ધ્યાનનું અને આંતર સત્યનું પરિણામ હોય છે.

ધ્યાનના અનેક પ્રકારો હોય શકે પરંતુ મુખ્યત્વે બે પ્રકાર છે એક છે, ધ્યાન દ્વારા મનને કેંદ્રસ્થ કરવું, એટલે કે મનને નિર્મળ અહં શૂન્ય કરી અકાગ્રતામાં સ્થિત કરવું બીજું છે મનને નિર્વિચારમાં સ્થિર કરવું અમન કરવું એટલે કે શૂન્ય ભાવમાં સ્થિર કરવું અને સાક્ષી ભાવનો સ્વીકાર કરવો જેથી જીવનનો જીવનમાંથી જ તૃપ્તિનો સંતૃપ્તિનો અનુભવ થાય અને જીવનની પૂર્ણતાનો સાત્વિક અનુભવ થાય. આ ભયનો સંશયનો અને શકાનો નાશ કરવાનું અમોધ સાધન છે અને અભયપદની પ્રાપ્તિ શક્ય બને છે અને અભય એટલે જ આનંદ અવસ્થા, ધ્યાન દ્વારા એકાગ્રતા, શુદ્ધતા અને સ્થિતતા કેળવવાની વાત છે. (ક્રમશ:)

- તત્વચિંતક વિ. પટેલ


Google NewsGoogle News