મત્સ્ય પુરાણમાં 14000 શ્લોકો છે. માર્કંડેય પુરાણમાં 9000 શ્લોકો વર્ણવ્યાં છે ભવિષ્ય પુરાણના શ્લોક 14500 છે, ત્યાર પછી ભાગવત પુરાણમાં18000 શ્લોકો છે
- પુરાણો એ ભારતિય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. પુરાણોની કથા એ સામાજીક જીવનમાં ખુબજ ઉપયોગી છે
વે દો એ ધર્મનું મૂળ મૂર્તિમંત સ્વરૂપ છે. વેદોની ભાષા એ કઠીન છે. સર્વ સામાન્ય વ્યક્તિઓ એ ભાષાને સમજી ન શકે એટલે ભગવાન વેદવ્યાસજીએ પુરાણોની રચના કરી. પુરાણો છે તો પ્રાચિન પણ અર્વાચિન સમસ્યાઓનું સમાધાન કરે છે. ૧૮ પુરાણો છે. જેની નામાવલી દેવી ભાગવત પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયમાં છે.
પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયના બીજા શ્લોકમાં પુરાણોની નામાવલી છે. જેનું વર્ણન સૂતજીને નૈમિષારણ્યમાં ઋષિ મૂનિઓને કર્યું છે. જેનો શ્લોક આ પ્રમાણે છે - 'મદ્વયમ્ ભદ્વયમ્ ચૈવ બ્રત્ર્યમ વા ચતુષ્ટય, અનાપ લીંગ કુષ્કાની પુરાણાની પૃથક પૃથક.' શ્લોકનો ભાવાર્થ જોઈએ તો આ શ્લોકમાં એમ કહેવા માંગે છે કે, બે પુરાણો એવાં છે કે જે 'મ' અક્ષરથી શરૂ થતાં હોય જેનું નામ છે 'મત્સ્ય પુરાણ' અને 'માર્કંડેય પુરાણ', બે પુરાણો એવાં છે કે જે 'ભ' અક્ષરથી શરૂ થતાં હોય જેનું નામ છે 'ભવિષ્ય પુરાણ' અને 'ભાગવત પુરાણ.' ભાગવતમાં પણ 'બે' છે એક 'ભગવાનનું ભાગવત' અને એક 'ભગવતીનું ભાગવત.' ત્રણ પુરાણો એવાં છે કે જે 'બ્ર્ર' અક્ષરથી શરૂ થતાં હોય જેનું નામ છે 'બ્રહ્મ પુરાણ', 'બ્રહ્મ વૈવર્ત પુરાણ' અને 'બ્રહ્માંડ પુરાણ.' ચાર પુરાણો એવાં છે કે જે 'વ' અક્ષરથી શરૂ થતાં હોય તેનું નામ છે 'વરાહ પુરાણ', 'વામન પુરાણ', 'વાયુ પુરાણ' અને 'વિષ્ણુ પુરાણ.' 'અ' ઉપરથી 'અગ્નિ પુરાણ', 'ન' ઉપરથી 'નારદ પુરાણ', 'પ' ઉપરથી 'પદ્મ પુરાણ', 'લ' ઉપર થી 'લીંગ પુરાણ', 'ગ' ઉપરથી 'ગરુડ પુરાણ', 'ક' ઉપરથી 'કુર્મ પુરાણ' અને 'સ્કંદ પુરાણ'.
આ તો થઈ પુરાણોની નામાવલી. હવે ક્યા પુરાણોમાં કેટલાં શ્લોકો છે તે જોઈએ તો - મત્સ્ય પુરાણમાં ૧૪૦૦૦ શ્લોકો છે. માર્કંડેય પુરાણમાં ૯૦૦૦ શ્લોકો વર્ણવ્યાં છે. ભવિષ્ય પુરાણના શ્લોક ૧૪૫૦૦ છે. ત્યાર પછી ભાગવત પુરાણમાં૧૮૦૦૦ શ્લોકો છે. બ્રહ્મ પુરાણમાં ૧૦૦૦૦ શ્લોકો છે. બ્રહ્માંડ પુરાણમાં ૧૨૧૦૦ શ્લોકો છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ૧૮૦૦૦ શ્લોકો વર્ણવ્યાં છે. વામન પુરાણમાં ૧૦૦૦૦, વરાહ વાયુ પુરાણ ૨૪૬૦૦ શ્લોકો વર્ણવ્યા છે. વિષ્ણુ પુરાણ માં ૨૩૦૦૦ શ્લોકો છે અને વરાહ પુરાણ ૨૪૦૦૦ હજાર શ્લોકો વર્ણવ્યા છે. અગ્નિ પુરાણમામં ૧૬૦૦૦ શ્લોકો છે. નારદ પુરાણમાં ૨૫૦૦૦ શ્લોકો છે. પદ્મ પુરાણમાં પપ૦૦૦ શ્લોકો વર્ણવ્યા છે. લીંગ પુરાણમાં ૧૧૦૦૦ શ્લોકો છે. ગરુડ પુરાણમાં ૧૯૦૦૦ શ્લોકો છે. કુર્મ પુરાણના ૧૭૦૦૦ શ્લોકો છે અને સ્કંદ પુરાણના ૮૧૦૦૦ શ્લોકો છે.
પુરાણોના પાછાં ઉપ પુરાણો પણ છે. જેના નામ આ મુજબ છે. સનત કુમાર પુરાણ, નરસિંહ પુરાણ, નારદ પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુ પુરાણ, ઉશનસ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, શાંભ પુરાણ, નંદી પુરાણ, સૌર પુરાણ, પરાશર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, ભાગવત પુરાણ અને વશિષ્ઠ પુરાણ.
આ પુરાણો અને ઉપ પુરાણો પછી ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી. જેમાં સવાલાખ શ્લોકો વર્ણવ્યા છે. પુરાણોની દ્રષ્ટિએ સૌથી નાનામાંનાનું જો કોઈ પુરાણ હોય તો તે માર્કંડેય પુરાણ છે અને સૌથી મોટામાં મોટું જો કોઈ પુરાણ હોય તો તે સ્કંદ પુરાણ છે. બ્રહ્મ વૈવર્તક પુરાણ એ એવું પુરાણ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પણ મહિમા છે, ભગવાન ગણેશજીનો પણ મહિમા છે, રાધાજીનો પણ મહિમા છે અને પ્રકૃતિનું મહત્ત્વ છે. બ્રહ્મ વૈવર્તક પુરાણ એ ખંડોથી વિભાજીત છે. જેમાં પહેલો બ્રહ્મ ખંડ છે, બીજો પ્રકૃતિ ખંડ છે, ત્રીજો ગણેશ ખંડ છે અને ચોથો કૃષ્ણ જન્મ ખંડ છે. વિષ્ણુ પુરાણના છ અંશો છે. જેમાં ભગવાન વિષ્ણુના ૨૪ અવતારોનું વર્ણન છે. વિષ્ણુ પુરાણના શ્રોતા-વક્તા પરાશર ઋષિ અને મૈત્રેય ઋષિ છે.
આમ, પુરાણો એ ભારતિય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. પુરાણોની કથા એ સામાજીક જીવનમાં ખુબજ ઉપયોગી છે. પુરાણોની દ્રષ્ટિ પ્રાપ્ત કરી આપણે ઉત્તમ જીવન જીવીએ અને પ્રભુ પરાયણ બનીએ એ જ અભ્યર્થના...અસ્તુ !.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી