Get The App

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ .

Updated: Mar 29th, 2023


Google NewsGoogle News
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ                         . 1 - image


 દર વર્ષે ચૈત્ર નવરાત્રી હિન્દુ નવા વર્ષની શરૂઆત કરે છે. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે રામનવમીના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. આ દિવસ ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે માતા કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે. જ્યારે શ્રીકૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

 આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ-રામાયણનું વાંચન, રામ પંચાયતન ( રામ,લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુધ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે.

રામનામ અદભુત સંજીવની છે, અમોદ્ય શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે.રામને બદલે મરા..મરા.. બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયા ! ઇશ્વરમાં શ્રધ્ધા રાખવીએ કોઈ આડંબર નથી, ઇશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે, એક દુઃખ પછી પણ લોકો સુખના સૂરજના રૃપે ઇશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રદ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુઃખોને જીરવાની શક્તિ આપે છે. શ્રીરામનુ જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણને કોઈને કોઈ સંદેશો આપી જાય છે.

 ભારતીય ઉપખંડના મહત્ત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રીરામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.

 આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે. જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યું.

- પ્રાર્થના રાવલ

Dharmlok

Google NewsGoogle News