''મંદોદરીનું કથન'' .
- મંદોદરી અન્નનાં દાણા પક્ષીને અગાશીમાં નાખતા બોલી 'હે પંખીઓ, આ દાણા જો તમે મોંમા નાખ્યા છે તો તમને લંકાધિપતિ મહારાજા રાવણના સોગંધ છે
ત્રેતા યુગની વાત છે. વસંત ઋતુ પૂરબહારમાં ખીલી હતી. મંદ મંદ શીતળ વાયુ વહેતો હતો. મન પ્રસન્ન થઈ ઉઠે એવી સુગંધ એ વાયુમાંથી પ્રસરી રહી હતી. ઉષાકાળની આ લીલાનું અમૃતપાન કરવા માટે સુવર્ણનિર્મિત ગગનચૂંબી મહેલની ઉંચી અટારીએથી લંકા નરેશ તેના પત્ની સાથે ઉભા હતાં. બંને જણા નિરાંતે વાતચીત કરી રહ્યા હતાં. વાતવાતમાં લંકા નરેશનાં મોંમાંથી નીકળી ગયું; ''મંદ્યપુત્રી ઘણા વર્ષો ના વહાણા વાઈ ગયા છતાં કોઈની સાથે બાહુ-યુદ્ધ કરવાનો અવસર જ નથી આવ્યો. મારી ભુજાઓની શક્તિ ક્યાંક આમ ને આમ ક્ષીણ તો નહી બની જાય..!'' ''પરંતુ યુદ્ધ કરું પણ કોની સાથે? આ સમગ્ર પૃથ્વીપટ પર મારી સામે આવવાની પણ કોઈની હિંમત નથી. પછી યુદ્ધની તો વાત જ ક્યાં રહી?''
મધપુત્રી બોલી ''એવા વચનો મોમાથી ના કાઢો મહારાજ, પૃથ્વીનો પટ તો ઘણો જ વિશાળ છે. એના ઉપર અનેક યોધ્ધાઓ થઈ ગયા છે. આજે પણ છે અને ભવિષ્યમાં જન્મતા રહેશે. પૃથ્વી ક્યારેય બીજને નષ્ટ થવા દેતી નથી'' લંકા નરેશ બોલ્યા; ''પ્રાણવલ્લભા, મારા સવાલના જવાબ રૂપે તમે તો માત્ર એક લોકોક્તિનું ઉદાહરણ આપ્યુ છે. પરંતુ બધી જ લોકોક્તિ કંઈ સાચી જ પડે તેવુ થોડુ બને છે ?'' મહારાણીના કથનથી લંકાનરેશને સંતોષ ન થયો. મહારાણીએ કહ્યું, ''આ લોકોક્તિ નથી. મારું આ કથન સો એ સો ટકા સાચુ જ છે.'' મહારાજ બોલ્યા: ''તો પછી તમારા કથનની સત્યતા પુરવાર કરો; મારો સમોવડિયો કોઈ શક્તિશાળી હોય તો મને એનુ નામ કહો.'' ''મહારાજ, આપના સમોવડિયાની ક્યા વાત કરો છો. આપનાથી હજારોગણી શક્તિ ધરાવતા યોધ્ધાઓ આજેય ધરતી પર પડયા છે.''
''પણ એ યોધ્ધાઓનું કંઈક નામ હશે ખરું ને?'' ઘમંડભર્યા હુંકારથી લંકા નરેશ બોલ્યા, ''હું હમણા આવું છું મહારાજ!'' એટલું કહીને મંદોદરી મહેલની અંદર ગઈ ને થોડીક વારમાં એક પાત્રમાં અન્નનાં થોડા દાણા લઈ પાછી ફરી. અહીં જ પ્રાતઃકાળે પક્ષીને અગાશીમાં નાખતા એ બોલી 'હે પંખીઓ, આ દાણા જો તમે મોમા નાખ્યા છે તો તમને લંકાધિપતિ મહારાજા રાવણના સોગંધ છે.'' પરંતુ પક્ષીઓ તો રોજની જેમ અન્નનાં દાણા ઉપર તૂટી પડયાં ને થોડીવારમાં તમામ દાણા સફાચટ કરી નાંખ્યાં. લંકાધિપતિ પોતાની સગી આંખોથી આ કૌતુક નિહાળી રહ્યા હતાં. એમણે આશ્ચર્યચકિત બનીને પૂછયું: 'આ મારા સવાલ જવાબ છે દેવી ?''. ''કાલે આજ સમયે એરોજ આપના પ્રશ્નનો ઉત્તર આપને મળી જશે મહારાજ!'' આટલું બોલી મંદોદરી ખાલી પાત્ર લઈને મહેલમાં ચાલી ગઈ. લંકાપતિ પણ પોતાના દૈનિક-કાર્ય કરવા રવાના થયા. બીજે દિવસે ઉત્સુકતાવશ લંકાપતિની આંખ વહેલી ખુલી ગઈ. મંદોદરી તો રાબેતા મુજબ ઉઠીને તૈયાર થઈ ગઈ હતી. બંને પ્રાતઃકર્મથી પરવારી મહેલની અગાશી પર આવ્યા. પ્રાતઃકાળ થવાને હજી થોડી વાર હતી. લંકાપતિની જિજ્ઞાસા વધતી જતી હતી. અંતે એમની ઉત્સુકતા ઝાલી રહી નહીં એટલે પૂછયું: ''મધપુત્રી હવે તો યોધ્ધાનુ નામ મને જણાવો. જેથી મારી જિજ્ઞાસા સંતોષાય.'' 'કાલવાળી જ પ્રક્રિયા આજે પણ થશે, મહારાજ! કેવળ નામોચ્ચાર પર આપને વિશ્વાસ નહીં બેસે.''
થોડીવારમાં સૂર્યોદય થયો. પક્ષીઓ માળા છોડી ચણવા નીકળી પડયાં. મંદોદરી મહેલમાં જઈને અન્ન-પાત્ર લઈને પાછી આવી. પછી પક્ષીઓ તરફ અન્નનાં દાણા ફેંકતા બોલી, ''હેં પંખીઓ! જો અન્નનો એક પણ દાણો તમે મોમા લીધો છે તો તમને અયોધ્યાપતિ મહારાજા અજની અણ છે!'' લંકેશ તો વ્યગ્રતાપૂર્વક નિર્ણયની પ્રતિક્ષા કરી રહ્યા હતાં. પરંતુ એકેય પક્ષીએ એક પણ દાણા ચણવાની વાત તો બાજુ એ રહી દાણાને સ્પર્શ કે નજર પણ ના નાખી! એટલામાં એક ''હોલો'' જે સફેદ હતો પક્ષીઓનાં ટોળામાંથી આગળ આવ્યો. એ 'હોલો' બહેરો હતો. એટલે મંદોદરીનો આદેશ સાંભળ્યો નહી તો એ હોલાએ અન્નના દાણા ચણવા જેવી ગરદન નીચી નમાવી ત્યા અદ્રશ્યચક્રથી એની ગરદન એક તરફ કપાઈ લટકી પડી. લંકાપતિ તો આ દ્રશ્ય જોઈને દિગ્મૂઢ બની ગયા. એ પોતાની ભોંઠપ છૂપાવવા બોલ્યા; ''પ્રિયે તમારુ કથન ખરેખર સાચુ છે. પૃથ્વી ક્યારેય બીજને નષ્ટ થવા દેતી નથી.'' ''મહારાજ! આપના સવાલનો ઉત્તર આપની સમક્ષ છે.'' આથી વધારે હું આપને હું શું કહું ? આટલું બોલી મંદોદરી ખાલી પાત્ર સાથે મહેલની અંદર ચાલી ગઈ. ચક્રવર્તીના ચક્રથી હોલાની ગરદન તો સમય જતા સારી થઈ ગઈ. પરંતુ એની ગરદન ઉપર કપાયાની નિશાની કાયમ રહી ગઈ. આજે તો જો કે 'હોલો' ક્યાંય નજરે ચડતો નથી. પણ ઉપરની વાત તો ત્રેતાયુગની છે. સાચુ ખોટું રામ જાણે.
- ચેતન એસ. ત્રિવેદી