શ્રી મહાશિવત્રીનું મહાપર્વ મહાવદ તેરસ
વન્દે દેવ ઉમાપતિસુરગુરં, વન્દે જગત્કારણમ્
વન્દે પન્નગભૂષણં મૃગઘરં વન્દે પશુનાંપતિમ્
વન્દે સૂર્યશશાંકવહિનનયનં વન્દે મુકન્દપ્રિયમ્
વન્દે ભક્તજનાશ્રયંચવરદં વન્દે શિવ શંકરમ્
દર વર્ષે ત્રણ રાત્રિ મહત્વની ઉજવાય છે. જેમાં એક છે કાળી ચૌદશ, બીજી રાત્રી તે મહાશિવરાત્રી અને ત્રીજી રાત્રી તે જન્માષ્ટમી ત્રણેમાં રાત્રીની ઉજવણી જુદી જુદી રીતે રાત્રે જ થાય છે. મહાશિવરાત્રી તે પરાત્પર શિવનો પ્રાગટય મહોત્સવ છે.
એકવાર પ્રજાપિતા બ્રહ્માજી અને ભગવાન મહા વિષ્ણુને થયું કે આપણા બંનેમાં શ્રેષ્ઠ અને મહાન કોણ ? બંને કૈલાસ પર્વત વિષે ગયા. ત્યાં અચાનક બંનેની વચ્ચે એક મહાકાય ઝગમગતી જ્યોતિ પ્રગટ થઇ. જેનો આકાર લિંગ રૂપે હતો. આ જોઇને મહાન આશ્ચર્ય થયું. જેનો આદિ કે અંત નથી તેવા અનાદિ શિવલિંગનો ઉપરનો છેડો શોધવા બ્રહ્મા ગયા. નીચેનું મૂળ શોધવા માટે શ્રી વિષ્ણુ ગયા. વિષ્ણુજીને તેનું મૂળ ના મળ્યું. બ્રહ્માજીને શિવના મસ્તક ઉપરથી નીચે તરફ આવતું કેતકીનું પુષ્પ મળ્યું. બ્રહ્માજીએ તેને લોભ લાલચ આપીને કહ્યું કે તારે એવી સાક્ષી પુરવાની કે બ્રહ્માએ ઉપરનો છેડો જોયો છે. જેથી હું મહાન બની જઇશ જ્યાં કેતકી પુષ્પ અસત્ય સાક્ષી પૂરી ત્યારે શિવજી પ્રગટ થયા અને બ્રહ્માજીનું પંચમ મુખ કાળભૈરવ દ્વારા છેદાવ્યું. કેતકી પુષ્પને કહ્યું કે, મારી પૂજામાં તારો કદી ઉપયોગ નહીં થાય. બ્રહ્માજીની પૂજા આજથી ઠેર ઠેર નહીં થાય. પરંતુ વિષ્ણુ પૂજન ઘેર ઘેર થશે. બંને મહાદેવોની આરતી પણ સંયુક્તરીતે ગવાય છે. શિવજીના આ પ્રાગટય દિને વ્રત-પૂજા-અભિષેક, બિલ્વપત્ર ચઢાવી ઉપવાસ કરવામાં આવે છે. ચાર પ્રહરની રાત્રી મહાપૂજા થાય છે. ઓમ નમઃશિવાય મહામંત્રના જાપનું અને શિવ દર્શનનું અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એક પારધિને અજાણતા પણ ફળ મળ્યું હતું. કલ્યાણકારી શિવજીના ચરણોમાં કોટિ કોટિ વંદના સૌનને જય મહાદેવ.
- મુકેશભાઈ ભટ્ટ