મહાત્રિપુરસુંદરીએ ધારણ કર્યું શ્રીકૃષ્ણનું રૂપ! .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
મહાત્રિપુરસુંદરીએ ધારણ કર્યું શ્રીકૃષ્ણનું રૂપ!                       . 1 - image


રાધારાણીનાં અવતાર ધારણ કરવા અંગે ગર્ગસંહિતામાં રહસ્યમય કથા વર્ણવવામાં આવી છે, જે ગર્ગાચાર્ય આલેખિત છે. આચાર્ય ગર્ગ એ ભગવાન શ્રીકૃષ્ણનાં કુળગુરુ હતા. બરસાનામાં વસવાટ ધરાવતાં વૃષભાનુ અને એમની પત્ની કીર્તિદાએ મા લલિતા મહાત્રિપુરસુંદરીની સાધના કરી, જેના પરિણામસ્વરૂપે એમને ત્યાં રાધારાણીનો જન્મ થયો. રસપ્રદ વાત એ છે કે શ્રીકૃષ્ણની સંગિની-શક્તિ રાધાનાં જન્મ પાછળ રણછોડરાયની બહેન તરીકે શાસ્ત્રોમાં જેમનું વર્ણન પ્રાપ્ત છે, એવા મા લલિતા ત્રિપુરસુંદરીનાં આશીર્વાદ કારણભૂત બન્યાં.

વૃંદાવનમાં આજની તારીખે પણ રાધારાણીની સાથે મા લલિતા સખી તરીકે રહે છે. સમય-સમયાંતરે રાધા અને કૃષ્ણનું મિલન થતું રહે એ સુનિશ્ચિત કરવા માટે મા લલિતા સદા રાધારાણીની સાથે નિવાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ નિરંતર આનંદમાં રહે એ સુનિશ્ચિત કરવા માટે મા લલિતા આવી લીલા કરે છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને સત્ - ચિત્-આનંદમાં રાખી શકવાની ક્ષમતા એકમાત્ર આદિ પરાશક્તિ મા લલિતા મહાત્રિપુરસુંદરી પાસે જ છે! પ્રત્યેક કલ્પ દરમિયાન જુદી જુદી રીતે ભગવાન વિષ્ણુ અને મા લલિતા આ રીતે નિરંતર ભાઈ-બહેન તરીકે અસંખ્ય લીલા કરતાં રહ્યાં છે. જ્યારે આવશ્યકતા જણાઈ, ત્યારે મા લલિતાએ કાત્યાયનીનું સ્વરૂપ ધારણ કર્યું અને શ્રીકૃષ્ણનાં બહેન તરીકે પ્રસ્થાપિત થયાં.

તંત્રશાસ્ત્રોનો મત તો એવો પણ છે કે ત્રિભુવનને મોહિત કરે દે એટલું સુંદર સ્વરૂપ ધારણ કર્યા બાદ મા લલિતા મહાત્રિપુરસુંદરીને જ્યારે જણાયું કે હવે ત્રિલોકમાં એકપણ પુરુષ એવો નથી, જે એમનાથી મોહિત ન હોય, એ સમયે એમણે કૃષ્ણનું સ્વરૂપ ધારણ કર્યું! પ્રધાનપુરુષ અને પૂર્ણપુરુષોત્તમ સ્વરૂપ ધારણ કર્યા પછી તેઓ એકમાત્ર સંપૂર્ણ પુરુષ તરીકે બ્રહ્માંડમાં સ્થાપિત થયા અને બાકીની સઘળી જીવસૃષ્ટિમાં પ્રકૃતિ અને પુરુષ બંને તત્ત્વો ઉમેરાયાં. આ કારણોસર, સમસ્ત જીવસૃષ્ટિને એ વરદાન આપવામાં આવ્યું કે તે સખીભાવ અથવા ગોપીભાવમાં સ્થિત રહીને પોતાની સાધનાનાં માધ્યમથી શ્રીકૃષ્ણના પરમસ્વરૂપને પ્રાપ્ત કરી શકશે.

મહત્ત્વની વાત એ છે કે દ્વાપરયુગમાં ગોપીઓનાં અંતરમાં જ્યારે શ્રીકૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, ત્યારે સૌને એક જ વાતની મૂંઝવણ હતી કે શ્રીકૃષ્ણ સમક્ષ જઈને આ પ્રસ્તાવ કઈ રીતે મૂકીએ? સંશય, દુવિધા, શરમ જેવી લાગણીઓથી એમનું મન ભરાયેલું હતું. શ્રીકૃષ્ણ સિવાય હવે એમના હૃદયમાં અન્ય એકપણ પુરુષ માટે કોઈ પ્રકારનો પ્રેમ શેષ નહોતો રહ્યો. શારીરીક રીતે નહીં, પરંતુ માનસિક, ભાવનાત્મક અને આત્મિક દ્રષ્ટિકોણથી પણ તેઓ હવે કૃષ્ણ સાથે એકાકાર થઈ જવા માગતી હતી.

અંતે, મૂંઝવણનો કોઈ ઉપાય ન જણાતાં તેમણે મા કાત્યાયની સહાયતા લેવાનું નક્કી કર્યું. મા કાત્યાયની ભગવાન શ્રીકૃષ્ણનાં બહેનનાં પદ પર સ્થાપિત છે. વૃંદાવનમાં એમના મંદિરો પણ જોવા મળે છે. જેવી રીતે આજના સમયમાં પોતાના ેપ્રેમનો એકરાર પુરુષ સામે ન થઈ શકે, ત્યારે પ્રેમિકા તેના પરિવારજનનો સહારો લે છે; એવી જ રીતે ગોપીઓએ પણ મા કાત્યાયનીની સાધના કરી.

દુર્ગા સપ્તશતીના 'દેવી કવચમ્'માં કહેવામાં આવ્યું છે :

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।

तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम्।।

पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।

सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम्।।

नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।

उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।

તંત્રશાસ્ત્ર પ્રમાણે, કાત્યાયની એ નવ-દુર્ગા સ્વરૂપોમાંનું એક છે! ષષ્ઠમ્ એટલે છઠ્ઠા દિવસે મા કાત્યાયનીનું પૂજન કરવામાં આવે છે. દુર્ગા માનું ઉગ્ર સ્વરૂપ એટલે કાત્યાયની! પરંતુ પોતાના સંતાનનાં રક્ષણ અને એમના પરત્વેનાં સ્નેહની વાત આવે, ત્યારે મા અત્યંત સૌમ્ય સ્વરૂપમાં જોવા મળે છે.

ગોપીઓએ મા કાત્યાયની સાધના કરી, જેના પરિણામસ્વરૂપે મા પ્રસન્ન થયાં અને એમને શ્રીકૃષ્ણ સાથે વિવાહ કરવાનું વરદાન આપવામાં આવ્યું.

માર્મિક વાત એ છે કે જ્યાં શ્રીકૃષ્ણ પુરુષસ્વરૂપે સહાયતા ન કરી શક્યા, ત્યાં એમણે પોતાના પ્રકૃતિસ્વરૂપ દેવી કાત્યાયનીનું સ્વરૂપ આગળ ધરીને એમના ભક્તોને સ્વયંમાં સમાવ્યાં.     


Google NewsGoogle News