મા અંબા નવદુર્ગા - નવ સ્વરૂપો નવરાત્રિ આરાધના પર્વ
૧. પ્રથમ નોરતે શૈલ પુત્રીનું સ્વરૂપ : શૈલપુત્રી હિમાલય પુત્રી છે. આ દેવી સર્વત્ર વિદ્યમાન છે. આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવ ાદક્ષની પૂર્વ જન્મની પુત્રી નોરતાના પ્રથમ દિવસે આ શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિન છે. શ્રીમદ્ ભાગવતમાં, બ્રહ્માંજીના પ્રશ્નના ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે ''હું ન નર છું ન નારી છું અને ન તો કોઇ એવું પ્રાણ, જે નર યા માદા હોય કે કોઇપણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન ન હોઉ. નારી શક્તિની ભક્તિનું ભાવભર્યુ સ્વરૂપ એટલે પ્રથમ નોરતાના શૈલપુત્રી.
૨. બીજે નોરતે બ્રહ્મચારીણીનું સ્વરૂપ : બ્રહ્મચારીણી માની ઉપાસના થકી તપ, જ્ઞાાન, ભક્તિ ભાવ અને વૈરાગ્યના ઉદય થઇ તેનો વ્યાપ વધે છે. બ્રહ્મચારીનું સ્વરૂપ બહુ રમ્ય, ભવ્ય છે. આ તપની ચારીણી એટલે કે તપના આચરણ કરવાવાળી, તપ વિના તૃપ્ત ન થવાય, કસોટી વિના સોના - સુવર્ણ જેવા ન થવાય એવું દર્શાવતાં મા અણિશુધ્ધ બનવાની પ્રેરણા આપે છે. શાસ્ત્રોમાં બ્રહ્મને તપ પણ કહેવામાં આવેલ છે. સર્જનના દેવતા બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાવાયેલી સર્જનહારી, અજ્ઞાાનના અંધકારને દૂર કરી આત્માને ઉજાળી અજવાળી કરનારી સચ્ચિદાનંદમયી બ્રહ્મને પ્રાપ્ત કરનારી મા એટલે જ બ્રહ્મચારીણી મા.
૩. ત્રીજે નોરતે ચંદ્રઘટાનું સ્વરૂપ : મા અંબાનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘટાનું છે. તેની આરાધના ત્રીજે નોરતે કરવામાં આવે છે. ચંદ્રઘટામાની સાચા હૃદયથી એક ચિત્તે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભયી બનાવે છે.
૪. ચોથે નોરતે કુષ્માન્ડાનું સ્વરૂપ : ચોથે નોરતે મા કુષ્માન્ડાનું સ્વરૂપની આરાધના કરવાની હોય છે. રોગ મુક્તિ, દુ:ખ મુક્તિ, શોક મુક્તિ, ભય મુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરે છે. માનું આ સ્વરૂપ આહલાદક મનોહર છે. મા તો હંમેશ મલકતા મુખડે જોવા મળે છે.
૫. પાંચમે નોરતે સ્કંદમાતાનું સ્વરૂપ : નવદુર્ગા અંબામાનું આ પાંચમું સ્વરૂપ છે. જેની આરાધના પાંચમે નોરતે છે જે આપણી માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉર્ધ્વગતિ કરનારી છે. એ જીવનદાતા, ભાગ્યદાતા, વિધાતારૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે. માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે. આથી આ મૈયા સ્કંદમાતા તરીકે પ્રસિધ્ધ છે. સ્કંદકુમાર એટલે કે સનતકુમાર દેવ આસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા. પુરાણોમાં એમને શક્તિધર કહી તેમની મહત્તા અને મહિમા ગાવામાં આવી છે. એમનું વાહન મોર છે. આવા સપુતની માતા સ્કંદમાતા પણ મહાશક્તિશાળી જ હોય એવી આ માતા પિતાના પુત્રને પોતાના ખોળામાં વહાલથી બેસાડી રહી છે. આ સ્કંદમાતાનું રૂપ સૌમ્ય, નવલું, નમણું છે. એ પુત્રદાયી છે.
૬. છઠ્ઠું નોરતે કાત્યાયની માનું સ્વરૂપ : મા દુર્ગા અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે. જેની આરાધના - સાધના છઠ્ઠે નોરતે કરવાથી રિધ્ધિ - સિધ્ધિ પ્રાપ્ત થાય. દેવો, ઋષિઓ, મહર્ષિઓના કાર્યો સિધ્ધ કરવા વિશે આ માએ અવતરણ કર્યું છે. આ સર્વ મંગલમય કરનારું સ્વરૂપ કાત્યાયનીનું છે. મહિષાસુરના મહાઆતંક - અત્યાચારથી ત્રાહિમામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ અસુરોનો ધ્વેશ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરીને એક મહાશક્તિનું અવતરણ કરાવ્યું અને એ સાથે અન્ય અસુરોને હણવા દરેક દેવોના અંશમાંથી અવતરીત એવી મહાશક્તિની પૂજા - આરાધના સર્વ પ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયએ કરી હતી અને આ મા મહર્ષિ કાત્યાયની પુત્રીરૂપે હોવાથી તેને કાત્યાયની કહેવામાં આવે છે.
૭. માનું સાતમા નોરતે કાલરાત્રીનું સ્વરૂપ : સાતમા નોરતે મા દુર્ગાનું કાલરાત્રી સ્વરૂપ રૂદ્ર ભયાનક સ્વરૂપ છે. છતાં એ આસુરોના સંહાર અર્થે છે. એ રાત્રીની દેવી છે. માર્કેન્ડેય પુરાણખંડ ૮૧-૯૩ મા દુર્ગા સપ્તસતીમાં કાલરાત્રીની કથા છે. તે ઉપરાંત સ્કંદપુરાણમાં શિવ પાર્વતી (કાલરાત્રી) તરીકે કથા છે.
૮. આઠમે નોરતે મહાગૌરીનું સ્વરૂપ : આઠમે નોરતે માના મહાગૌરી સ્વરૂપની આરાધના - પૂજા - સાધના કરવી જોઇએ. આ શુભદિને મા જગદંબા શ્રી રામને પ્રસન્ન થયાં હતાં અને રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશિષ તેમણે આપ્યા હતા. આસો સુદ આઠમ હવનાષ્ટમી તરીકે ઉજવાય છે કારણ કે આજે દરેક માનાં નવરાત્રિ સ્થાને માતાના મંદિરે શતચંડી હવન થાય છે. આજે દક્ષના યજ્ઞાનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રૂદ્ર સ્વરૂપે કરોડો યોગીનીઓ સાથે પ્રગટ થયેલાં.
૯. નવમે નોરતે માનું સિધ્ધદાત્રી સ્વરૂપ : નવમે નોરતે માના સિધ્ધદાત્રી સ્વરૂપની આરાધના પૂજા સાધના કરવી જોઇએ. મા અષ્ટસિધ્ધિ પ્રદાન કરતી દેવી. માર્કેન્ડેય પુરાણ મુજબ સિધ્ધદાત્રીમાં જે અષ્ટસિધ્ધિદાત્રી છે. એ મહિમા (મોટી ઉંચાઈ) ઇશિત્વ (પરમેશ્વરમ્) વાકસિધ્ધિ (મહાવાણી) કલ્પવૃક્ષ (અજર), સુષ્ટિ, સામર્થ્ય, અમરતત્વ, સર્વન્યાકત્વ અને ભાવના પ્રદાન કરતી છે. દેવી પુરાણ અનુસાર શિવે માતા સિધ્ધિદાત્રીની કૃપાથી જ સર્વે સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી આથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે.