શરીરરૂપી ગોકુળમાં જે આત્મા છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે
દ શમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવતજીનું હૃદય છે. દશમ સ્કંધના ૯૦ અધ્યાય છે; જેમાં ૧ થી ૪૯ અધ્યાય એ પૂર્વાર્ધ છે, ૫૦ થી ૯૦ અધ્યાય એ ઉત્તરાર્ધ છે. દશમ સ્કંધના પાંચમા અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન શુકદેવજી મહારાજ પરિક્ષિત મહારાજને કરે છે. નંદબાવાને ઘરે લાલાનો જન્મ થયો ત્યારે સૌને આનંદ થયો. ભગવાન કૃષ્ણનું નામ જ આનંદ આપવાવાળું છે માટે, જ્યારે જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે આપણે બધા ભાવથી ગાઈએ છીએ કે, 'નંદ ઘરે આનંદ ભયો.' એમ નથી કહેવાતું કે, 'નંદ ઘેર કૃષ્ણ ભયો.' કૃષ્ણનું નામ જ આનંદદાયક છે. આનંદ એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે જ આનંદ. તો આનંદ સ્વરૂપ ભગવન કૃષ્ણ જ્યારે નંદ બાવાને ઘરે આવ્યા ત્યારે એ આનંદનું દાન નંદ બાવાએ સૌ વ્રજવાસી વૈષ્ણવજનોને કર્યું. જે આનંદનું દાન કરે એનું નામ જ નંદ. માટે એમને પરમાનંદની પ્રાપ્તિ થઈ. જે યશ અન્યને આપે એ જ યશોદા. માટે એમને ભગવાનની માતા થવાનો પરમ યશ પ્રાપ્ત થયો.
નંદ બાવાએ ગોકુળમાં જે નંદ મહોત્સવ ઉજવ્યો એનું વર્ણન કરતાં શુકદેવજી મહારાજ પરિક્ષિત મહારાજને કહે છે કે, નંદબાવાએ યમુનાજીમાં સ્નાન કર્યું, દિવ્ય વસ્ત્ર અલંકારો ધારણ કર્યાં, વૈદગ્ન અને દૈવગ્ન બ્રાહ્મણો બોલાવ્યા, જાત કર્માદિ સંસ્કાર કર્યો, પિતૃઓનું સ્મરણ કર્યું, દેવોનું પૂજન કર્યું અને તે સમયે બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું. આપણે ત્યાં સૌથી મોટામાં મોટી સંપત્તિ એ ગાયો ગણાતી. જેની પાસે ગાય હોય એ ધનવાન. વિદ્વાનોનો પણ એવો મત છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં પધાર્યાં તે સમયે નંદ બાવાએ બે લાખ ગાયોનું દાન બ્રાહ્મણોને કર્યું.
નંદ મહોત્સવ બે પદ્ધત્તિથી ઉજવાયો. એક વૈદિક પદ્ધત્તિથી અને બીજો લૌકિક પદ્ધત્તિથી. લૌકિક પદ્ધત્તિથી જે નંદ મહોત્સવ થયો એમાં વ્રજને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું, વાજિંત્રો વાગ્યાં. જેનું વર્ણન દશમ સ્કંધના પાંચમાં અધ્યાયમાં તેરમાં શ્લોકમાં શુકદેવજી મહારાજ કરે છે કે, 'અવાદ્યંત વિચિત્રાણિ, વાદિત્રાણિ મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે, નંદસ્ય વ્રજમાગતે.' વાજિંત્રો ક્યારે વાગ્યા !? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં પધાર્યાં ત્યારે.. ચૌદમાં શ્લોકમાં કહ્યું કે, 'ગોપા પરસ્પરં રુષ્ટા, દધીક્ષિર ગૃતાંબુભિ આસિનચંતો વિલંપંતો નવનિતૈશ્ચ ચિક્ષિપુ.' ગોપ અને ગોવાળિયાઓ એક-બીજાના શરીર ઉપર દુધ-દહીં-ઘી-માખણનું લેપન કરવા માંડયા કારણ કે એમના હૃદયમાં જ શ્રી કૃષ્ણ હતાં; અને જેના હૃદયમાં જ આનંદ હોય એનું વર્ણન કેવી રીતે કરી શકાય !?
પંદરમાં શ્લોકમાં રોહિણીજીને મહાભાગ્યશાળી બતાવ્યા છે. મહાભાગ્યશાળી એટલા માટે છે કારણ કે રોહિણીજીને ત્યાં બલરામજી પધાર્યાં અને ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા એનું પ્રત્યક્ષ દર્શન જો કોઈએ કર્યું હોય તો તે રોહિણીજીએ કર્યું છે. દેવકીજીને વ્રજલિલાનો આનંદ નથી મળ્યો. રોહિણીજીને વ્રજ લીલાનો આનંદ મળ્યો છે માટે એ મહાભાગ્યશાળી છે.
નંદ મહોત્સવનો ઉપસંહાર કરતાં શુકદેવજી મહારાજ પરિક્ષિત મહારાજને વર્ણવે છે કે, 'તત: આરભ્ય નંદસ્ય વ્રજ: સર્વ સમૃદ્ધિવાન, હરેર નિવાસ આત્મગુણે રમા ક્રિડનભૂ નૃપ:,' જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પધાર્યાં ત્યારથી આ વ્રજ સંમૃદ્ધિવાન બન્યું. આ પ્રસંગનો સાર એક જ છે કે આ શરીર છે એ જ ગોકુળ છે અને શરીરરૂપી ગોકુળમાં જે આત્મા છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણી અંદર જે દેહાભિમાન છે એ કંસ છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિએ આત્મારૂપી ભગવાન શ્રી કૃષ્ણને ઓળખવાની જરૂર છે. એક કવિની પંક્તિ અહીં સ્મરણ થાય છે કે, 'યશોમતિનો ખોળો ખૂંદો એવા નાજુક બાળક છો; મોઢામાં બ્રહ્માંડ બતાવો વિશ્વ સકલના ચાલક છો. વ્રજને ઘેલું કિધું પલમાં એવા બંસીવાદક છો; ભક્તો કાજે અંગુલી પર ગોવર્ધનના ધારક છો. સાંદિપનીની સૌરભકેરાં સાચા દિલથી ચાહક છો; મૈત્રી નિભાવી સુદામાજીથી સુખ-દુ:ખ કેરા વાહક છો.'
આ શરીર મારું નથી એવો ભાવ જે વ્યક્તિની અંદર આવશે એ જ કૃષ્ણ પરમાત્માને ઓળખી શકશે અને એના માટે રોજ નંદ મહોત્સવ છે. અસ્તુ !.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી