ભગવાન શિવ- શંકર .
- સંગીત નૃત્યનાં સર્જક સંહારનાં અધિષ્ઠાતા
- 9મીથી શ્રાવણ માસ
ભ ગવાન શિવજીનાં કેટકેટલા સ્વરુપો પૂજાય છે. પરંતુ તેમનું આદિ-પ્રચલિતરુપ એટલે શિવલિંગ. દેશ-વિદેશમાં બધા જ શિવાલયોમાં જળાભિષેક સાથે શિવલિંગનું પૂજન, અર્ચન થતું હોય છે. આમ જુઓ તો આ એમનો વિશિષ્ટ ભૌમિતિક આકાર છે. જે ઊર્જાનાં સંગ્રહ માટે ખાસ મહત્વનું છે. અણુરિએક્ટરનો આકાર પણ તેવો જ છે. આની પાછળ ગૂઢ અર્થ છૂપાયેલો છે. શ્વેતાશ્વેરતર' ઉપનિષદનાં શ્લોક-૩૨૦માં શિવજીનાં સુક્ષ્મથી અતિસુક્ષ્મ સ્વરુપનાં ઉચ્ચત્ત્વ વિષે વર્ણન કરતાં જણાવે છે. કે તે અણુથી પણ સુક્ષ્મ અને બ્રહ્માંડ જેવા મહાન છે. તે દરેક જીવની હૃદય ગુહામાં છૂપાયેલ છે. ભગવાન શિવ-શંકરનાં નિર્ગુણ અને નિરાકાર સ્વરુપનાં દર્શનનું અદ્ભૂત વર્ણન 'શ્વેતાશ્વેત્તર ઉપનિષદ વાંચવા મળે છે.
આ પ્રમાણે વેદ-ઉપવેદમાં પણ શિવજીની રુદ્ર તરીકે અનેક જગ્યાએ સ્તુતિ કરવામાં આવી છે. યજૂર્વેદમાં તો અષ્ટાધ્યાયી રુદ્રી છે. તેના સુંદર સસ્વર શ્લોકોનું ઉચ્ચારણ કરતા માનવ- મન પ્રસન્ન થઈ જાય છે. તે મંત્રોનો ભાવાર્થ પણ એટલો જ સચોટ છે. શિવજી માટીનાં કણથી માંડીને તેમનું અસ્તિત્વ વ્યાપ્ત છે. છેક વિશાળકાય મેઘરાજાનાં વાદળો સુધી તેમની વિભૂતિની અનુભૂતિથી સમગ્ર વિશ્વ એક દિવ્ય તાંતણે બંધાયેલું છે.
'સર્વમ શિવમયમ જગત'. સર્વ જગત શિવમય છે. પર્વત રાજ હિમાલયનાં પુત્રી પાર્વતીનાં શિવજીને ભરથાર તરીકે પામવા કરેલી ઉગ્ર તપશ્ચર્યા અને શિવજીનાં થયેલા તપોભંગ પર સાદ્શ કથા મહાકવિ, કાલિદાસે આલેખાયેલ' કુમાર સંભવમ્' તો સંસ્કૃતનાં પ્રશિષ્ટ સાહિત્યની ઉત્તમકૃતિ ગણાયી છે.
શિવજી ભગવાન તો નિવ્યાર્જ અને નિસ્વાર્થ માનવ કલ્યાણનાં પ્રતિક સમાન છે. એમના શિવલિંગને જળાભિષેક, ધતૂરાનાં ફૂલ, બીલીપત્ર ચઢાવવા જેવી સરળ એમની ઉપાસના થાય છે. પરંતુ શિવજી રિઝે છે, પવિત્ર-પાવનકારી ભાવનાઓથી અને શુધ્ધ અંત:કરણમાંથી પ્રગટેલા શિવ-સંકલ્પનાં પુષ્પ-અર્ધ્યથી. આવી નિયમિત શિવભક્તિથી માનવજીવનને પ્રેરણા તથા ઊર્જા મળે છે.
'કપુર ગૌરં કરુણાવતાંર, સંસાર સારં ભુજગેન્દ્રહારમ ।
સદા વસન્ત હૃદયારવિન્દે ભવંભવાની સહિંતં નમામિ ।।
- પરેશ અંતાણી