શ્રીકૃષ્ણ પરમાત્માના મોટાભાઈ: દિવ્યાવતાર શ્રી બલરામજી
પુ રાણપ્રસિદ્ધ ગ્રંથો, શ્રીમદ્ ભાગવત્ અને મહાભારતમાં શ્રીબલરામજીના દિવ્યચરિત્રનો ઉલ્લેખ થયેલો છે.
શ્રીકૃષ્ણ અને શ્રી બલરામ વસુદેવજીના પુત્રો હતા. શ્રી બલરામ મોટાપુત્ર અને શ્રીકૃષ્ણ નાનાપુત્ર હતા. શ્રીકૃષ્ણની માતાનું નામ 'દેવકીજી' હતું. શ્રી બલરામજીની માતાનું નામ 'રોહિણી' હતું.
કંસના ડરથી વાસુદેવના કહેવાથી નંદ-જશોદાએ બલરામને ગોકુળમાં મોટા કરેલા તેજ રીતે શ્રીકૃષ્ણ પણ નંદ-જશોદાજી પાસે મોટા થયેલા.
કંસના ડરને લીધે શ્રીબલરામ-શ્રીકૃષ્ણની નામકરણ વિધિ ગૌશાળામાં છૂપી રીતે 'ગર્ગાચાર્યે' કરેલી. શ્રી બલરામ વિશે ભવિષ્ય ભાખતાં કહેલું કે, 'તે કુટુંબ- સગાવહાલામાં આનંદદાતા નીવડશે. ને, ભવિષ્યમાં 'રામ' તરીકે પણ ઓળખાશે. અસામાન્ય શક્તિ ધરાવશે. ગુણોવર્ડ સંબંધીઓને રાજી કરશે. તેથી લોકો તેને સંકર્ષણ પણ કહેવાશે. તે પરાક્રમી- શક્તિશાળી.. શ્રેષ્ઠ યુદ્ધવીર...સર્વ રાજ્યનીતિમાં નિપૂણ બની સૌના આદરણીય બનશે. તેમનું પ્રભાવક ચરિત્ર, જોતાં ચોક્કસ લાગે છે આ ભવિષ્યવાણી સાચી પડેલી.
બલરામજી પરમપરમાત્માના અંશાવતાર હતા. સકલ બ્રહ્માંડને ધારણ કરનાર 'અનંત શેષનાગ' જે સમગ્ર વિશ્વનું સંચાલન કરતા તેમના 'અંશાવતાર' બલદેવજી હતા. આવુ દિવ્ય દર્શન અક્રૂરજીને થયેલું. યમરાજાને પણ દર્શન થયેલું કે શ્રીકૃષ્ણ અને શ્રી બલરામ દરેક જીવાત્માના હૃદયમાં રહેલા છે.
ગોકુળમાં શ્રીકૃષ્ણ સાથે રહીને વિવિધ લીલાઓ કરી હતી. તાલવનમાં ગર્દભ સ્વરૂપે આવેલા રાક્ષસને, પગથી પકડી, હવામાં ગોળગોળ ફેરવી, વૃક્ષોની ટોચ ઉપર ફેંકી દીધેલો. પ્રલંબાસુરને મુષ્ટિપ્રહારથી મારી નાખેલો. મથુરામાં બળવાન 'મુષ્ટિકમલ્લને માર્યો. બીજા મલ્લાને ભોંયભેગા કરી દીધા. દસહજાર હાથીઓ જેટલા બળવાને દ્વિવિધ વાનરને પણ મારી નાખેલો. અવિનયીવર્તન બદલ અભિમાની રોમહર્ષણને કુશઘાસના તણખલાથી હણ્યો હતો.
બલરામજીની પાસે બે સાધન હતા. એક ગદા અને બીજું હળ.
યમુના નદીના અવિનયી વર્તન બદલ, શિક્ષારૂપે હળની મદદથી જમીન ચીરીને, યમુનાનદીને બાળપૂર્વક ખેંચી લાવેલા. આ ચીરાને લીધે આજે પણ યમુના નદીની ઘણી પ્રશાખાઓ છે. આવી યશગાથાઓ તેમના સદ્ચરિત્ર સાથે જોડાયેલી છે.
કાશ્યપગોત્રી સાંદિપની ઋષિ પાસે રહીને, તેમણે ઉપનિષદ, વેદો, ધનુર્વેદ, ધર્મશાસ્ત્રો, મીમાંસા, ન્યાય, તર્કવિદ્યા, છ પ્રકારની રાજનીતી અને સર્વપ્રકારની કળાનો અભ્યાસ કર્યો હતો. આર્યકુળ સત્તાધીશોમાં બલરામજી શ્રેષ્ઠ હતા. સૌ તેમનાથી પ્રભાવિત હતા. તેઓ શ્રેષ્ઠ વિષ્ટિકાર હતા.
જન્મ આપનાર વાસુદેવ-દેવકીજી પ્રત્યે તથા ઉછેરનાર નંદજશોદાજી પ્રત્યેનો તેમનો આદરભાવ ઉદાહરણીય છે.
શ્રીકૃષ્ણને પણ બલરામજી પ્રત્યે અત્યંત આદરભાવ-પ્રેમભાવ હતો. નાનાભાઈ તરીકે શ્રીકૃષ્ણે પણ વિનય, વિવેક, આજ્ઞાાપાલન, સેવા બાબતે ઉત્તમ ઉદાહરણ પાડયું હતું. વૃંદાવનમાં ગાય-વાછરડાં ચારતાં બલરામજી થાકે ત્યારે, શ્રીકૃષ્ણ તેમની પગચંપી કરતા અને તાડપત્રથી પંખો નાખતા. રુકમણિ હરણ વખતે શ્રીકૃષ્ણે મોટાભાઈ બલરામજીની આજ્ઞાાને ધ્યાનમાં લઈ, સાળારુકિમને બંધનમાથી છોડયો.
પોતે અવતાર શ્રેષ્ઠ હોવા છતાં ધર્મશાસ્ત્રોની આજ્ઞાા અનુસાર પ્રાયશ્ચિત રૂપે બારમાસ સર્વ યાત્રાધામોનો, નિયમાનુસાર વર્તન રાખીને પ્રવાસ કરેલો.
બલરામજીનું સત્ચરિત્ર પુરાણપ્રસિદ્ધ છે. સમગ્ર રીતે જોતાં.. વિલક્ષણ, પ્રભાવશાળી, રક્ષાધર્મી, સ્નેહાળ, ચિત્તાકર્ષક, પરાક્રમી, બલિષ્ઠ, શૌર્ય-શીલ-સૌદર્યથી શોભિત, સનાતન ધર્મ ભૂષણ, ધ્યેયનિષ્ઠ, સર્વહિતચિંતક, શ્રેષ્ઠ વિષ્ટિકાર, અલૌકિક પ્રતિભાવેત એવા દિવ્યાવતાર શ્રી બલરામજીને (બલભદ્રજીને) કોટિ કોટિ વંદન..
તવ પદમાં, શિર ઢાળીએ,
તવ પદકમલ, પ્રેમાશ્રુથી પખાળીએ.
- લાભુભાઈ ર.પંડયા