ભગવાન શ્રીકૃષ્ણ : કર્મક્ષેત્ર અને કુરૂક્ષેત્રમાં કુનેહપૂર્વકની જીત મેળવવાનો રાજમાર્ગ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રીકૃષ્ણ : કર્મક્ષેત્ર અને કુરૂક્ષેત્રમાં કુનેહપૂર્વકની જીત મેળવવાનો રાજમાર્ગ 1 - image


- શ્રીકૃષ્ણના 108 નામ છે : યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ ગાંધારીને આશ્વાસન આપવા કેમ ગયા હતા?

- ભવેન  કચ્છી

- મહાભારતના યુદ્ધનો પ્રારંભ જે પાંચજન્ય શંખ વગાડીને થયો હતો  તે સોમનાથના સમુદ્રના પેટાળમાંથી મળી આવ્યો હતો

આજે ભગવાન શિવના શ્રાવણ મહિનાનો સોમવાર અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનના  જન્માષ્ટમીના તહેવારનો અનોખો સંગમ : બન્નેનો ઉદ્દેશ્ય આખરે તો એક જ

આજે ભગવાન શિવનો શ્રાવણ મહિનાનો સોમવાર અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનની જન્માષ્ટમીના તહેવાર સાથે ઉજવણીનો અનોખો સંગમ. બંને મોક્ષનો માર્ગ અર્પે. એક વૈરાગ્યથી અને બીજા જીવનને ઉત્સવ અને ઉજવણીની યાત્રા સાથે. ભગવાન શિવ ભોળા અને ભગવાન શ્રીકૃષ્ણ અંતરમન અને હૃદયથી તો ભોળા જ પણ વ્યવહાર જગતમાં કોઈ ચાલાકી કરે, અન્યોનું શોષણ કરે, રંજાડ પહોંચાડે તો શામ, દામ, દંડ, ભેદથી અધમ તત્ત્વોને ઠેકાણે પાડી નાંખવામાં વાર ન લગાડે. શિવજી ત્રીજુ નેત્ર ખોલવા સુધીનો ત્રાસ સહન કરે પણ તે પછી પ્રલય, વિનાશ અને તારાજી સર્જે છે.

ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શિવ જેમ અસૂરોને લાંબો સમય ન આપે. શિવજી તેની કઠીન તપસ્યા કરનાર પર દયા ખાઈ ભોળાભાવે દાનવ અમરત્વ બને ત્યાં સુધીના આશીર્વાદ આપી દે. પૃથ્વી પર આ દાનવ હાહાકાર મચાવી શાસન ડોલાવે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અમરત્વના વરદાનમાં કોઈ આબાદ છટકું કે છટકબારી શોધતું ભેજુ દોડાવે અને પૃથ્વી અને દેવલોકને ઉગારી લે.

આમ તો જુદા જુદા ભગવાનો કે દેવ-દેવીઓની તુલના કરવી તે આપણું અજ્ઞાાાન અને અવિવેક જ કહેવાય. તમામ ભગવાન અને અવતારોનો આખરી આશય તો દેવલોક અને પૃથ્વી લોકની રક્ષા કરવાનો છે. જેઓને જ્ઞાાન અને મોક્ષની પ્રાપ્તિ કરવી છે તે માટે આવા ભગવાનના જીવન અને બોધના રહસ્યો પામવાના છે. નામ સ્મરણ કરવાનું છે.

શૈવ પંથ કે કૃષ્ણ પંથ કે અવનવા પંથો અને ફાંટા તે જ ભારોભાર અજ્ઞાાન છે. પ્રત્યેક પરિવાર, જ્ઞાાતિ, કૂળને શ્રદ્ધા પણ તેઓના પૂર્વજો તરફથી મળી હોય છે.  આખરે તો તે બધા એક જ ઉપદેશ આપે છે કે 'સર્વમાં ઇશ્વરના દર્શન કરો. એકબીજાને મદદ કરો, જરૂરિયાતમંદને સહાય કરો. નેકી અને નિષ્ઠાથી કર્મ કરો. સંતોષી જીવન વ્યતીત કરો. કામ, ક્રોધ, મોહ, લોભ પર વિવેક રાખો. શ્રધ્ધા અને હિંમત રાખો. હું તમારા પડખે ઉભો છું.'

જેને જેની શ્રધ્ધા પણ આખરે તો જીવન માર્ગના મુખ્ય ઉપદેશ તો આવા જ હશે.

આમ છતાં સદીઓથી પંડિતો, સાક્ષરો અને વિવેચકોએ ભગવાનની તુલના કરી જ છે પણ તેઓનો આશય કોણ ચઢિયાતુ તે નિષ્કર્ષ પર આવવાનો નહીં પણ તેવા તુલનાત્મક અભ્યાસના આધારે તે ભગવાન અવતાર, માતાજીના સ્વરૂપ, પ્રકૃતિ, તત્ત્વજ્ઞાાન અને લીલાના રહસ્યને જાણવાનો છે.

ભગવાન રામ પછીના યુગ વખતે માણસો વધુ ચાલાક, પ્રમાદી અને અધમ બની ગયા હતા તેથી આવી આકાર પામેલી દુનિયાના શઠ તત્ત્વોને ઠેકાણે પાડવા ભગવાન શ્રીકૃષ્ણના પેકેજ સાથેનો અવતાર જ જોઇએ. હવે ૨૧મી સદીમાં તો માણસોનું સ્તર શરમજનક રીતે તળિયે ગયું છે. તેઓનો સમતુલા સર્જવા જે અવતાર હશો તે શ્રીકૃષ્ણ કરતા પણ જુદા સ્વરૂપનો જ હોવાનો.

હવે પછીનો અવતાર આપણને સદેહે દેખાય જ તેવું નથી પણ સુક્ષ્મદેહથી કે મશીન સ્વરૂપે પણ હોઈ શકે.

યાદ રહે ભગવાન શ્રીકૃષ્ણ કે જે પણ નવો અવતાર ધારણ થશે તેનો એકમાત્ર આશય અનિષ્ટોનો ખાતમો બોલાવીને સમતુલા સર્જવાનો છે અને આ સંહારના ઈષ્ટદેવ ભગવાન શિવ જ છે. જે સમતુલા અને નવરચના અને કર્મની ગતિથી બ્રહ્માંડ પુન: બહેતર જગત માટે લયમાં આવશે તે બ્રહ્મા અને વિષ્ણુ (ભગવાન કૃષ્ણાવતાર)થી શક્ય બનશે અને તેઓને લાગશે કે પાપનો બોજ વધી ગયો છે ત્યારે ભગવાન શિવ શક્તિ તેઓમાં પ્રવેશી નિમિત્ત બનાવશે. હવે વિચારો આમાં શિવ અને કૃષ્ણ વચ્ચેનો ભેદ ક્યાં આવ્યો?

પૃથ્વી પર પ્રત્યેક માથુ અલાયદુ મગજ કે ખોપડી ધરાવે છે. તેઓ જે સમુદાયમાં રહ્યા તેમના પૂર્વજોના દેવ-દેવીઓની પૂજાનો પ્રભાવ રહે તે સ્વાભાવિક છે. પ્રત્યેક પ્રાંત અને તેના પુરાણો છે. શ્રુતિ અને સ્મૃતિ છે. જે પ્રજાનો બાહ્ય દેખાવ જેવો છે તેવા જ ભગવાન તેઓના શિલ્પકારો બનાવે તે પણ સહજ છે. આમ મૂતઓમાં વૈવિધ્ય આવ્યું. જ્યાં દુશ્મનોના આક્રમણનો ભય રહેતો ત્યાં શૌર્ય પ્રગટાવતા ભગવાન અને કથાઓ બની. જ્યાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો પડકાર રહ્યો છે તે પ્રાંતમાં ભગવાનની પ્રાર્થનામાં તેવા પ્રકારનો ભાવ રહ્યો. જ્યાં ગરીબી અને ભૂખમરાનો ઈતિહાસ હતો ત્યાં અન્ન દાનનો મહિમા રહ્યો છે. જે મંદિરો લૂંટાયા હતા તેને સોનાથી મઢીને વર્તમાન પેઢી એવો સંતોષ માને છે કે 'જૂઓ હવે અમે તમને કેવા ફરી સધ્ધર કરી દીધાં.'

જેઓએ સરસ્વતિની ઉપાસનાને મહત્ત્વ આપ્યું તેઓ કદાચ ધનિક ન બની શક્યા પણ ભદ્ર, વિકસીત, સુસંસ્કૃત તરીકે આગવા તરી આવ્યા. ભગવાન શિવ સંગીત, નાટય, કળાના તો જનક હતા જ પણ તેમની ભક્તિ અને મંદિરો માટે નાણા અને ધાતુ અર્પણની જરૂર ન પડે. આથી જ ભગવાન શિવ સર્વવ્યાપક બન્યા. 'જેટલા કંકર એટલા શંકર'ની કહેવત જાણીતી છે. દૂધ, દૂધ નહીં તો પાણી અને ફૂલ નહીં તો બિલિપત્ર પણ ચાલે. પણ આપણી એવી ભગવાન શિવ જેવી રજ માત્ર કક્ષા પણ ક્યાં? સ્મશાનમાં ભભૂતિ ચોળીને ધ્યાન કરવાની કલ્પના જ ન થઈ શકે.

આથી એક તત્વજ્ઞાાન એવું પ્રવર્તતું રહ્યું કે અંદરથી શક્ય એટલી ભગવાન શિવ જેવી અલિપ્ત અને વૈરાગ્યની ભાવના મજબુત કરતી સમજ કેળવીએ પણ બાહ્ય જગતમાં તો જ્ઞાાન સાથે ઉજવણી કરીએ. તમામ શાસ્ત્રો અને ઉપદેશકો આખરે તો જીવનને ઉત્સવ તરીકે જ માણવા પર ભાર મુકે છે. પ્રકૃતિનું રસપાન, કલા, સંગીત, સાહિત્ય, નૃત્ય, વિવેકપૂર્ણ રીતે ઇન્દ્રિયોનું સુખ અને રંજન તે જ જીવનની ગતિ હોવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ કદાચ આથી જ આંતરરાષ્ટ્રીય આવકાર પામ્યા છે.

શ્રીકૃષ્ણ કર્મક્ષેત્ર અને કુરૂક્ષેત્રમાં કૂનેહપૂર્વકની જીત મેળવવાનો રાજમાર્ગ બતાવે છે.

ભગવાન શ્રીકૃષ્ણનું નામ મોહન પણ છે એટલે કે જેના મોહમાં તમે પડી જાવ. તે તમારા પર જાદુ ચલાવી દે તેવી પ્રતિભા છે. આમ તો ભગવાન શ્રીકૃષ્ણના ૧૦૮ જેટલા નામ છે જેમાં ગોપાલ, ગોવિંદ, દેવકીનંદન, મોહન, શ્યામ, ઘનશ્યામ, હરી, ગિરધારી, બાંકેબિહારી મુખ્ય છે. તેમને મુખ્ય આઠ પત્ની હતી તેથી 'અષ્ટભાર્યા' તરીકે પણ ઓળખાતા. જેમાં રૂકમની, સત્યાભામા, જાંબવતી, નગ્નાજીતી, કાલિંદી, મિત્રાવિન્ધા, ભદ્રા અને લક્ષ્મણાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દાનવ નરકાસૂરના કારાવાસમાં બંધ ૧૬૧૦૦ મહિલાઓને તેમણે મુક્ત કરાવી હતી. તેઓ સમાજમાં આત્મસન્માન સાથે જીવી શકે તેથી ભગવાન શ્રીકૃષ્ણએ તેઓને પત્ની તરીકે જાહેર કરી સામાજિક નિડરતા અને ન્યાયનું ઉદાહરણ પુરું પાડયું હતું. આ મહિલાઓ જોડે તેમને કોઈપણ પ્રકારના સંબંધો નહતા.

મહાભારતના યુધ્ધ બાદ ભગવાન શ્રીકૃષ્ણ ૧૦૦ પુત્રોના મૃત્યુનો શોક વ્યક્ત કરવા કૌરવોના માતુશ્રી ગાંધારીને આશ્વાસન આપવા ગયા હતા ત્યારે ગાંધારીએ ક્રોધિત થઈને શાપ આપ્યો હતો કે તારો અને તારા યાદવ કૂળનો ૩૬ વર્ષમાં નાશ થશે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે પણ ઈચ્છતા હતા કે યાદવો તે વખતે જે અમાનવીય અને પૃથ્વી માટે બોજરૂપ હોય તેમ જીવતા હતા તેથી તેઓને યાદવાસ્થળી થાય. ગાંધારીએ શાપ આપ્યો તે સાથે જ શ્રીકૃષ્ણએ તરત જ 'તથાસ્તુ' કહ્યું હતું.

ભગવાન શ્રીકૃષ્ણની ચામડીનો રંગ અશ્વેત હતો પણ તેના જે ઓરા હતા તે બ્લ્યુ હતા તેથી તેના ચિત્રોમાં તે આ રંગનો વાન ધરાવતા હોય તેમ દોરવામાં આવે છે. ઘણાને ખબર નહીં હોય પણ સોમનાથના પ્રભાસના સમુદ્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગુરૂ સાંદિપનીના પુત્રને એક દૈત્યએ મહાશંખનો આવાસ રચીને તેમાં પુરી રાખ્યો હતો. શ્રીકૃષ્ણ અને બલરામે આ સમુદ્રમાં ડૂબકી લગાવી દૈત્યનો તો ખાત્મો બોલાવ્યો પણ આ વિરાટ શંખને તેઓ યમ પાસે લઈ ગયા. અને મંત્રોચ્ચારથી ગુરૂ સાંદિપનીના પુત્રને જીવતદાન આપ્યું. આ જ શંખ કે જેનું નામ પાંચજન્ય હતું તેને ફૂંકીને ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતનું યુધ્ધ ઘોષિત કર્યું હતું. યુધ્ધની સમાપ્તિ વખતે પણ આ જ શંખનાદ કર્યો હતો. મજાની વાત એ છે કે ભગવાન શ્રીરામને ખબર નહોતી કે તેઓ વિષ્ણુ અવતાર છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તે જાણતા હતા. આથી જ તે વિરાટ દર્શન તેમની માતા અને અર્જુનને કરાવે છે. રામ મર્યાદા પુરૂષોત્તમ છે અને ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ અવતાર છે. વિષ્ણુના વૈકુંઠ કરતા પણ ભગવાન શ્રીકૃષ્ણનો ગૌલોક ચઢિયાતો મનાય છે.

મહારાષ્ટ્રમાં પંઢરપુરના વિઠોબા તે કૃષ્ણ છે. સંત એકનાથ, તુકારામ અને ગ્યાનેશ્વરે શ્રીકૃષ્ણને ઘેર ઘેર પહોંચાડયા. ગુજરાત અને રાજસ્થાનમાં દ્વારિકા, શ્રીનાથજી - નાથદ્વારા છે. ઓડિસામાં કૃષ્ણ જગન્નાથ રૂપે છે. આસામમાં નામઘર અને શંકરદેવ તરીકે પૂજાય છે. તમિલનાડુમાં વિષ્ણુ તરીકે જ છે. કેરાલામાં ગુરૂવાયુર છે. ઉત્તર ભારતમાં તો કાનાનું જાણે હેડ ક્વાર્ટર, મથુરા અને વૃંદાવન જન્માષ્ટમીએ ઉજવણી પરાકાષ્ટાએ પહોંચે છે. આ ઉપરાંત સ્વામી પ્રભુપાદે 'ઇસ્કોન'ની સ્થાપના કરીને દેશ વિદેશમાં રાધાકૃષ્ણના મંદિરો બનાવ્યા.

ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જે ઉપદેશો આપ્યા તે ભગવદ્ ગીતા તત્વજ્ઞાાનનું શિરમોર સર્જન છે. તેના અધ્યાયનું શ્રવણ, પઠન અને જીવનમાં ઉતરણ શ્રેષ્ઠ મનાય છે.

જૈન ધર્મમાં મહાભારત કૌરવ અને પાંડવ વચ્ચેનું યુદ્ધ નહી પણ દ્વારિકાના કૃષ્ણ અને મગધના રાજા જરાસંઘ વચ્ચેનું મનાય છે જેમાં પાંડવો કૃષ્ણ સાથે અને કૌરવો જરાસંઘ સાથે છે.

* મહાભારત ગ્રંથસ્થ સ્વરૂપે ૨૦૦૦ વર્ષ પહેલા, હરિવંશ ૧૭૦૦ વર્ષ પહેલા, વિષ્ણુ પુરાણ ૧૫૦૦ વર્ષ પહેલા તેમજ ભગવદ્ પુરાણ ૧૦૦૦ વર્ષ પહેલાનું મળી આવે છે. ગીત ગોવિંદ ૮૦૦ વર્ષ પહેલાની પ્રત છે. (માહિતી સ્ત્રોત : દેવદત્ત પટ્ટનાયક)  


Google NewsGoogle News