ભગવાન શ્રી ગણેશ બુધ્ધિપ્રદાતા છે .
વિઘ્નનાશક, આદિદેવ, પ્રથમ પૂજ્ય, મંગલકારક, ગણનાયક, ગૌરીપુત્ર ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઊજવવામાં આવે છે. આ વર્ષે ૭મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનું પર્વ છે. આ દિવસથી માંડીને અનંત ચતુર્દશીના દિવસ સુધી ગણપતિ ભગવાનનું પૂજન-અર્ચન ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે અને ત્યાર પછી તેમને વિદાય આપવામાં આવે છે તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશચતુર્થી આપણા દેશમાં ખૂબ ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવે છે અને આને એક મોટા પર્વનું રૂપ આપવાનું શ્રેય જાય છે સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક લોકમાન્ય બાલગંગાધર તિલકને તેમણે આ પર્વને આધાર બનાવીને દેશ પર છવાયેલી અંગ્રેજી હકૂમત વિરુધ્ધ યુવા વર્ગને એકત્રિત અને સંગઠિત કરવા માટે 'ગણેશ ઉત્સવ' નું આયોજન કર્યું અને વિઘ્નનાશક, સંકટહરણ ભગવાન ગણપતિને દેશ પર છવાયેલા ગુલામીના સંકટને દૂર કરવાની પ્રાર્થના કરી. મહારાષ્ટ્રમાં આજે પણ આ પર્વ મુખ્ય છે. જો કે આખા દેશમાં આ પર્વ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. તેમ છતાં મહારાષ્ટ્રમાં આ પર્વની શોભા અનોખી છે.
કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવો હોય, લગ્ન જેવાં કોઈ પણ પ્રકારનાં માંગલિક કાર્ય હોય તો કાર્યની સફળતા માટે ભગવાન ગણપતિનું સ્મરણ કરવામાં આવે છે. તેમનું પૂજન-વંદન કરવાામાં આવે છે. ભગવાન ગણપતિ પ્રથમપૂજ્ય કહેવામાં આવે છે.
- જયેન્દ્ર ગોકાણી