વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિને ઝંખતા, મહાત્મા ગાંધીજીની પરમાર્થી સ્વાતંત્ર્ય ભાવના

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિને ઝંખતા, મહાત્મા ગાંધીજીની પરમાર્થી સ્વાતંત્ર્ય ભાવના 1 - image


- સત્ય અને અહિંસા એ ગાંધીજીનાં શસ્ત્રો હતાં અને એમણે એ જગતને પ્રદાન કર્યા

સ્વ તંત્ર ભારતનું નિર્માણ કરવામાં અને ભારતને પૂર્ણ સ્વરાજ મળે તે માટે રાષ્ટ્રપિતા ગાંધીજીએ ભગીરથ પ્રયત્ન કર્યો હતો. ગાંધીજીની સ્વાતંત્ર્યભાવના અને તેમાં સાધનરૂપ ક્રાન્તિ કે ચળવળ, સત્ય-અહિંસાનાં વિશુદ્ધ જીવનમૂલ્યોથી સુરક્ષિત જોવા મળે છે. પૂ. ગાંધી બાપૂએ અહિંસક સત્યાગ્રહ દ્વારા સ્વાતંત્ર્ય પ્રાપ્તિની નવીન વિભાવના પ્રગટાવી. ૧૯૨૦માં સ્વાતંત્ર્ય ચળવળનું સુકાન તેમના હાથમાં આવ્યું. દાંડીયાત્રા, 'હિંદ છોડો' ક્રાન્તિ જેવા સત્યાગ્રહો કર્યા ને...સ્વરાજ પ્રાપ્ત કર્યું. અહિંસાના માર્ગે આવેલી આઝાદી, પ્રેમનું વાતાવરણ સર્જી શકે એવી તેમની દૃઢ માન્યતા હતી. તેમને ભારત પ્રત્યે અસીમ ગૌરવ હતું. ગાંધીજીની સ્વાતંત્ર્યભાવનામાં સમાનતા અને બંધુતા છે. એમની સ્વાતંત્ર્યભાવના ચતુર્વિધ હતી. (૧) આર્થિક (૨) રાજનૈતિક (૩) સામાજિક (૪) ધાર્મિક

એમની પરમાર્થી સ્વાતંત્ર્યભાવના એવી હતી કે, જેમાં સમાનતા અને બંધુતા હોય. કોમી ઐક્ય હોય. અસ્પૃશ્યતા નિવારણ હોય, સ્ત્રી-પુરુષોના સમાન હક્ક હોય, નશાબંધી હોય. ગાંધીજીનું પૂર્ણ સ્વરાજ્ય એટલા માટે પૂર્ણ હતું કે, - જાતિ-ધર્મ- કે દરજ્જાના કોઇપણ પ્રકારના ભેદભાવ વગર, જેટલું રાજા માટે હોયે તેટલું જ ખેડૂત માટે હોય, જેટલું ધનિકો માટે તેટલું ભૂમિહીન ખેડૂતો માટે હોય.

સત્ય અને અહિંસા એ ગાંધીજીનાં શસ્ત્રો હતાં અને એમણે એ જગતને પ્રદાન કર્યા. રાષ્ટ્રપિતા ગાંધીજી પ્રેરિત હિંદની આઝાદીની અહિંસક સત્યાગ્રહની ચળવળે વિશ્વને એક નવો રાહ બતાવ્યો. એ માર્ગે ચાલીને આફ્રિકા જેવાં કેટલાંક રાષ્ટ્રોએ પણ આઝાદી મેળવી.

ગાંધીજીની જન્મજ્યંતિ પ્રસંગે એમના જીવનમાંથી પ્રેરણા લઇ કર્મભાવના નિષ્ઠ સાચા નાગરિક, બની, દેશ પ્રત્યેની ફરજો બજાવતા રહીશું તો ખરા અર્થમાં એમની જન્મજ્યંતિ ઉજવી ગણાશે.

રાષ્ટ્રપિતા ગાંધીજીનાં અમૃતવચન :-

 જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે 'અસ્પૃશ્યતા નિવારણ'

 વગર જરૂરે જરૂરિયાતો વધારવી, તે પાપ જેવું લાગે છે.

 મનુષ્યની શાંતિની પરીક્ષા સમાજમાં થાય.

 રહેણી સાદી અને વિચાર ઉચ્ચ રાખવા.

 સાચું સુખ બહાર નહિ, અંતરમાં-મનમાં છે.

 ગો-રક્ષા એ માનવવિકાસમાં અદ્ભૂત ચમત્કાર છે.

 પોતાનો દોષ ઢાંકે છે તે અંધાપો છે. ભૂલો સુધારવી.

 અટલ શ્રદ્ધા હશે તો, તમારી વહાર, ઇશ્વર પોતાની શરતે કરશે. આ મારો અનુભવ છે.

 ભૂલો કરતા રહેવું અને ખોટા બચાવ કરવા એ શોભાસ્પદ નથી.

 ચિત્તની અશાંતિમાં જે રામ નામનો આશ્રય લે છે તે જીતી જાય છે. 'રામનામ' હૃદયમાંથી નીકળવું જોઇએ.

 તમે પોતાની જાતને સંયમથી, સદ્વિચારથી, સત-સંગતિથી અને સદ્વાચનથી જ શુદ્ધ-દૃઢ રાખી શકો.

- લાભુભાઈ ર. પંડયા


Google NewsGoogle News