ઉદ્યમી પુરૂષની સેવામાં લક્ષ્મી હંમેશા હાજર હોય છે
ઋગ્વેદ ૬/૧૯/૫ માં કહેવામાં આવ્યું છે કે -
ધૃતવ્રતો ધનદા: સોમવૃધ્ધ: સ
હિ વામસ્ય વસુ ન: પુરુક્ષુ: ।
સજગ્મિરે પથ્યા રાયો
અશ્મિન્સ્તમુદ્રે ન સિન્ધવો યાદમાના: ।।
સમુદ્રને કોઈ કામના હોતી નથી, છતાં અનેક નદીઓ તેમાં સમાઈ જાય છે. આ રીતે ઉદ્યમી પુરૂષની સેવામાં લક્ષ્મી હંમેશા હાજર હોય છે. એટલે કે જે ઉદ્યમ કરે છે પુરૂષાર્થ કરે છે તેને ક્યારેય ધનનો અભાવ સતાવતો નથી.
"સેવા પરમો ધર્મ" બીજાની સેવા કરવી એ સંસારમાં સૌથી પુનિત અને પવિત્ર કાર્ય છે. સામૂહિક્તાની ભાવના ધર્મનું એક મુખ્ય અંગ છે. સાથે મળીને કામ કરવાથી અને એકબીજાને મદદ કરવાના સ્વભાવને લીધે જ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વ્યાપાર, શિલ્પ વગેરે અનેક ક્ષેત્રોમાં માનવી પ્રગતિના ઉચ્ચતમ સાધનો સુધી, સોપાનો સુધી પહોંચ્યો છે. સમાજના ઉત્થાનનાં કામો માટે આપણી ક્ષમતા અને પ્રતિભાને વાપરવી, દીન, દુ:ખી, રોગી તથા લાચાર લોકોને મદદ કરવી, સત્કાર્યો અને સત્પ્રયાસોમાં જોડાયેલી સમાજ સેવા સંસ્થાઓને દાન આપવું એ આપણો ધર્મ છે.
લોકોમાં એવો ભ્રમ છે કે દાન આપવામાં તેમને આર્થિક નુકશાન થાય છે પણ સાચું તો એ છે કે બીજાની ભલાઈમાં ધન વાપરવાથી તે અનેકગણું થઈને આપણને પાછું મળી જાય છે. "સો હાથેથી કમાઓ અને હજાર હાથે વહેંચો" આ શાસ્ત્રોનું સૂચન છે. બીજાને સહાયતા કરનારા દીનદુ:ખી રહેતા નથી. એ તો ભગવાનનાં ખેતરમાં બી વાવવા સમાન છે. એક દાણામાંથી હજાર દાણા થાય છે. માનવીએ ઉદ્યમ અને પુરૂષાર્થમાં ક્યારેય પ્રમાદ કરવો જોઈએ નહિ. મહેનત અને ઈમાનદારીથી વધુમાં વધુ કમાઓ અને પોતાની બ્રહ્મણોચિત જરૂરિયાતો પુરી કર્યા પછી વધે તેને પરોપકારમાં વાપરો.
સમુદ્ર પાસે અગાધ જળરાશિ છે, પણ તે પોતાના ઉપયોગમાં લેતો નથી. સૂર્યના સહકારથી વરાળ બનાવીને વાદળોને આપી દે છે અને તે વાદળો બધે જઈને સંસારની તરસ છિપાવે છે. સમુદ્રને કોઈ ઈચ્છા હોતી નથી. તેને ક્યારેય જળની કમી પડે છે ? ના અનેક નદીઓ સતત તેને જળથી ભરતી રહે છે. આ રીતે જ પુરૂષાર્થ અને પરોપકારમાં જોડાયેલ માણસને ક્યારેય ધનની ખોટ રહેતી નથી. જ્યારે પરોપકારની મહત્વાકાંક્ષા મનમાં જાગૃત થાય છે ત્યારે પોતાનું જીવન ઉન્નત બને છે, હીનતા નાશ પામે છે, દુ:ખ દૂર ભાગે છે, શરીરમાં નવા સામર્થ્યનો સંચાર થાય છે, બુદ્ધિમાં નવું તેજ આવે છે, મનની ચંચળતા દૂર થાય છે, શારીરિક કષ્ટ સહન કરવાની ક્ષમતા વધે છે અને દરેક રીતે ઉત્કર્ષનો માર્ગ મોકળો થાય છે. પોતાની પ્રતિમા અને ક્ષમતાનો ઉપયોગ જ્યારે પરમાર્થના કાર્યો માટે કરવામાં આવે છે ત્યારે પરમાત્માની સહાય અને અનેક વરદાન આપોઆપ મળવા લાગે છે. એટલું જ નહિ, બીજા માણસોનો સહકાર પણ સરળતાથી મળવા લાગે છે. આત્મોન્નતિના માર્ગની મુશ્કેલીઓ આપોઆપ દૂર થતી જાય છે અને જીવનલક્ષ્ય સુધી પહોંચવામાં સરળતા થાય છે. વિદ્વાનો અને બ્રાહ્મણોએ સફળતાના આ રાજમાર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.
- હસમુખલાલ ચુનીલાલ વ્યાસ