Get The App

કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ'

Updated: Jul 8th, 2021


Google NewsGoogle News
કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' 1 - image


દે શનાં એક તરફ અષાઢી બીજનાં પાવનકારી દિને, ખાસ કરીને ઓરિસ્સાનાં જગન્નાથપુરીમાં પ્રતિવર્ષ લાખો લોકો અભૂત-પૂર્વ મોઘેરી રથયાત્રાનાં દર્શનનો લ્હાવો લેતા હોય છે, ત્યારે કચ્છ જેવા છેવાડાના પ્રદેશમાં આ અષાઢી બીજથી નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. જેની ઉજવણીમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરાનો અદ્ભૂત સંગમ જોવા મળે છે. આ અષાઢીબીજે કચ્છી હાલારી સંવત ૨૦૭૮નો પ્રારંભ થઈ રહ્યો છે.

એક ઐતિહાસિક ઘટના અનુસાર કચ્છના મહારાવ પહેલા ખેંગારજી એ સંવત ૧૬૦૫નાં માગસુર સુદ-૫નાં રોજ કચ્છનાં અલગ રાજ્યની વિધિવત સ્થાપના કરી. પરંતુ અષાઢી બીજ પરજ કચ્છી નવું વર્ષ કેમ મનાવવામાં આવે છે ? આની પાછળ રસપ્રદ ઐતિહાસિક તથ્યો છે.

કચ્છીમાંનાં કરાકોટ ગામમાં પાટનગર બદલનાર જામલાખો ફલાણી એક દિર્ઘદૃષ્ટ્રા, વિચારવંત રાજવી હતા. તેમના મનમાં હંમેશા પોતાના રાજ્યનાં વિકાસ અને પ્રસાર માટે અનેક વિચારો ઘૂમતા રહેતા હતા.  એટલે જ પોતાના રાજયની સીમા નક્કી કરવા રાજ્યનાં કેટલાક યુવાનો સાથે નીકળી પડયા, પણ તેઓએ કાર્ય પૂરેપુરું કરી ન શક્યા. એટલે જામ લાખાને પરત થવું પડયું. પરંતુ એ દરમ્યાન અષાઢ માસનો પ્રારંભ થઈ ગયેલો. એ વર્ષે કચ્છમાં વરસાદ પણ સારો થઈ ગયેલો. ચારે તરફ ખૂબ હરિયાળી થઈ ગયેલી. જેને જોઈને રાજવી જામ લાખો ફૂલાણી ખુશ થઈ ગયા. એજ વખતે એમણે પોતાનાં સમગ્ર રાજ્યમાં ફરમાન છોડયું કે કચ્છનું નવુ વર્ષ અષાઢી બીજથી શરૂ કરવામાં આવે. આ રીતે રાજવી લાખા ફૂલાણીએ કચ્છનાં ઇતિહાસમાં પોતાનું નામ રોશન કરી દીધું.

આ પ્રમાણે લગભગ છેલ્લા આઠસો વર્ષથી આ અષાઢીબીજનું પર્વ સમગ્ર કચ્છ રાજયમાં ધામધૂમથી ઉત્સાહપૂર્વક 'નૂતન વર્ષારંભ તરીકે ઉજવવામાં આવે છે. તો કચ્છ બહાર સ્થાયી થયેલા દેશ-પરદેશનાં કચ્છીઓ, અષાઢી બીજના પર્વ પર બહુ ઉત્સાહપૂર્વક પોતાનાં મંદિરે- વતનનો આ મોટો અને મુખ્ય તહેવાર ઉજવીને, પોતાની માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.

- પરેશ અંતાણી


Google NewsGoogle News