કૃષ્ણમ્ વંદે જગત ગુરુમ્
- પ્રભુ કૃપાએ સંપત્તિ મળે તો તેનું અભિમાન ક્યારેય કરવું નહીં. દ્વારિકા ભલે સોનાની બનાવો પણ સુદામા માટે દ્વાર હંમેશા ખુલ્લા રાખજો.
ભ ગવાન શ્રી કૃષ્ણની એક-એક લીલાઓ આપણને સૌને જીવન કેવી રીતે જીવવું તેમજ કર્તવ્યો કેવી રીતે નિભાવવા એ પ્રેરણા પુરી પાડે છે. સૌથી પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણએ તૃણાવર્ત નામના દૈત્યનો વધ કર્યો. માટી ખાધી અને કાલી નિગ્રહ કર્યો. તૃણાવર્ત વધ કરી આકાશ તત્ત્વને પવિત્ર કર્યું. ભગવાને માટી ખાધી એટલે ભૂમિ તત્ત્વને પવિત્ર કર્યું. કાલી નિગ્રહથી જળ તત્ત્વને પવિત્ર કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ની આ લીલાઓ એ સંદેશ આપવા માંગે છે કે, આકાશ, ભૂમિ અને જળ આ ત્રણેય વસ્તુ જો શુદ્ધ હોય તો વ્યક્તિ નિરોગી રહે.
ભગવાન શ્રી કૃષ્ણએ સ્વચ્છતાની વાત પહેલેથી જ કરેલી છે. એક પ્રસંગ શ્રીમદ્ ભાગવતજીના દસમ સ્કંધનો મને સ્મરણ થાય છે કે, રુકમણિજીના ભાઈ રુકમિનો બલરામજી મહારાજે વધ કર્યો. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ મૌન રહ્યાં. ભગવાને વિચાર્યું કે હું એમ કહીશ કે સારું થયું તો રુકમણિજીને ખોટું લાગશે અને અને જો હું એમ કહું કે ખોટું થયું તો ભાઈ બલરામજી નારાજ થશે. આ કથા પ્રસંગ આપણને સમજાવે છે કે પરિવારમાં પણ જ્યારે કેટલીક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે આપણે પણ નિર્ણયો નથી લઈ શકતા ત્યારે એવા સમયે સમસ્યાનું સમાધાન એ મૌન જ છે. એટલે આપણે ત્યાં કહેવામાં આવ્યું કે "ન બોલ્યામાં નવ ગુણ." આ વાત શ્રી કૃષ્ણની લીલા સમજાવે છે.
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મધુરાષ્ટકમાં એમ કહે છે કે, ભગવાન શ્રી કૃષ્ણનું તો બોલવું પણ મધુર છે. ભગવાન શ્રી કૃષ્ણની વાણી એટલે શ્રીમદ્ ભગવત ગીતા. જેમાં અર્જુનને કેન્દ્રમાં રાખી માનવ જીવન ઉપયોગી ઘણી બધી વાતો શ્રી કૃષ્ણ ભગવાને કરી. આ પ્રસંગે એક વાત યાદ આવે કે, આખી ગીતાનો ઉપદેશ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, "યથેચ્છસી તથા કુરુ." મેં તને આ જ્ઞાાન આપ્યું હવે તારી જે ઈચ્છા થાય તે તું કર.
સામાન્ય રીતે અમુક વ્યક્તિઓનો સ્વભાવ હોય છે કે, હું કહું એ જ સાચી વાત. પણ તેવું ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં નથી. ભગવાન શ્રી કૃષ્ણએ સોનાની દ્વારિકાનું નિર્માણ કર્યું, પણ જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં યાદવાસ્થળી થઈ ત્યારે દારુક સારથી તુલસી માળાની સુગંધે-સુગંધે આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ દારુકને કહ્યું કે, તેં આખી જીંદગી મારો રથ ચલાવ્યો પણ હવે તું જા. મને લેવા માટે બીજો રથ આવે છે. દ્વારિકાના પ્રજાજનોને જઈને કહેજે કે સાત જ દિવસમાં પ્રલય થશે. દ્વારિકા સોનાની બનાવી તે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યાં. ઘણી વાર આપણને ઘર ઉપર, સંપત્તિ ઉપર આસક્તિ થઈ જાય છે. પણ એવું ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં નહોતું.
ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અવતારમાં ત્રણ વખત વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું. એક વખત જ્યારે માટી ખાધી ત્યારે, બીજી વખત જ્યારે હસ્તિનાપુરમાં શાંતિદૂત બનીને ગયાં ત્યારે અને ત્રીજી વખત કુરુક્ષેત્રના રણમેદાનમાં. માટી ખાધી ત્યારે વિરાટ સ્વરૂપના દર્શન યશોદા માતાજીને થયાં. આ સ્વરૂપ જોઈ માતાજી વિસ્મિત થઈ ગયાં. વિરાટ સ્વરૂપ જોઈ દૂર્યોધન ભયભિત થઈ ગયો. કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપ જોઈ અર્જુન આભો બની ગયો. અર્જુને કહ્યું કે હું તમને મિત્ર માનું છું, સખા માનું છું પણ આજે મને ખબર પડી કે તમે પરાત્પર બ્રહ્મ સ્વરૂપ છો. આમ, ભગવાન શ્રી કૃષ્ણ ભલે બ્રહ્મ સ્વરૂપ હોય પણ એ આપણા સખા છે અને આપણી વચ્ચે રહેવાવાળા છે. માટે જ ભગવાન શ્રી કૃષ્ણ માટે કાનો, લાલો જેવા સંબોધન વપરાય છે.
સુદામા જ્યારે દ્વારિકામાં ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને આદર આપ્યો. સુદામા ચરિત્ર આપણે સૌ જાણીએ છીએ પણ આ ચરિત્ર મને ને તમને કહેવા માંગે છે કે, પ્રભુ કૃપાએ સંપત્તિ મળે તો તેનું અભિમાન ક્યારેય કરવું નહીં. દ્વારિકા ભલે સોનાની બનાવો પણ સુદામા માટે દ્વાર હંમેશા ખુલ્લા રાખજો. આમ, શ્રી કૃષ્ણ ભગવાનની એક-એક લીલાઓ જો આપણા જીવનમાં આત્મસાત કરીએ તો આપણું જીવન ધન્ય બને. માટે જ કહેવામાં આવ્યું છે કે, કૃષ્ણમ્ વંદે જગત ગુરુમ્. અસ્તુ.!
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી