કૃષ્ણ એટલે કે... .
- શિશિર રામાવત
- 'આપણે જેને કૃષ્ણ કહીએ છીએ એ તો કૃષ્ણના અનંત રૂપોમાંનું એક રૂપ માત્ર છે, જે અર્જુને જોયું છે. તો કૃષ્ણ કોણ છે? જે બોધ આપી શકે, એ. બોધ આપતાં પહેલાં બોધ હોવું પડે, અને કૃષ્ણ સ્વયં બોધ સ્વરૂપ છે.'
આજના સુખી મધ્યમવર્ગીય યંગસ્ટર્સની એક વાત બહુ આકર્ષક છે. આ જુવાનિયાઓ મોડર્ન છે, અનેકવિધ માધ્યમોના પ્રતાપે પશ્ચિમની પોતાની હમઉમ્ર પેઢીની ગતિવિધિઓથી સતત પરિચિત છે, પણ એમણે વારસામાં મળેલાં ભારતીય મૂલ્યોને સરસ રીતે પકડી રાખ્યાં છે. તેમના માટે એવું કહી શકાતું નથી કે વેસ્ટર્ન કલ્ચરની તીવ્ર અસરમાં તેઓ નથી ઘરના રહ્યા કે નથી ઘાટના. પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખીને તેમને જોઈએ તો કહી શકાય છે કે તેમની પાસે બેસ્ટ-ઓફ-બોથ-ધ-વર્લ્ડ્ઝ છે. જ્યાં લાંબી કતાર લગાવીને ઊભા રહેવું પડે તેવાં ધામક સ્થળોએ તરવરિયા મુગ્ધ ચહેરાની સંખ્યા ક્યારેય ઓછી હોતી નથી. અલબત્ત, ધામક સ્થળની મુલાકાત લેવા માત્રથી સાચા અર્થમાં ધાર્મિક બની શકાતું નથી. આમ છતાંય ધામક વિધિઓ કરી રહેલા યંગસ્ટર્સને જોઈને હંમેશાં સરસ ફીલ થાય છે. તેઓ બાહ્ય આડંબરમાં અટવાયા વગર, પ્રતીકોથી આગળ વધીને વહેલા-મોડા મર્મ સુધી પહોંચશે તેવી આશા રહે છે.
યંગસ્ટર્સને કૃષ્ણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. કૃષ્ણ અલ્ટિમેટ યુથ આઇકોન (યુવા આદર્શ) છે જ. જુવાનિયાઓ - પુરુષ અને ી બન્ને - કૃષ્ણ સાથે સંભવત: સૌથી વધારે આઇડેન્ટિફાય કરી શકે છે. કૃષ્ણ એ તમામ અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયા હતા જેમાંથી આજના યુવાને પસાર થવું પડે છે - મસ્તી, તોફાન, દોસ્તી, પ્રેમ, પીડા, મહત્ત્વાકાંક્ષા, લક્ષ્યપ્રાપ્તિ, લગ્ન, કાવાદાવા, વાર્ધક્ય અને છેલ્લે મૃત્યુ.
સગુણ કૃષ્ણ એટલે કે કૃષ્ણના માનવીય અવતારમાંથી યુવાને શું શીખવાનું છે? જીવનરસથી છલછલતા રહેવું, પ્રચંડ હિંમત અને સામર્થ્ય કેળવવાં (બાળકૃષ્ણે કંસને હણ્યા હતા, ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડયો ને પછી આજીવન અશુભ તત્ત્વોનો નાશ કરતા રહ્યા), દૂરંદેશી બનવું, વજ્ર જેવું મનોબળ વિકસાવવું, પોતાના વિચારોને અત્યંત અસરકારક રીતે વ્યક્ત કરવા (અર્જુનને કન્વિન્સ કરવા માટે કરેલું ગીતાનું ગાન કૃષ્ણના જીવનની શ્રેતમ અભિવ્યક્તિ છે), ઉત્તમ મિત્ર બની રહેવું (વાત સુદામાની હોય કે દ્વૌપદીની, કૃષ્ણ કરતાં ચડિયાતો સખા બીજો કયો હોવાનો?), ઉત્તમ પ્રેમી બનવું, ઇન ફેક્ટ, તમામ સંબંધોને શ્રેતાની કક્ષા સુધી લઈ જવાની કોશિશ કરવી, વિવિધ કળા અને શાોમાં વિદ્વત્તા કેળવવી, ઉત્તમ એડમિનિસ્ટ્રેટર બનવું (એ વખતના દ્વારકાને સર્વકાલીન શ્રેતમ નગર કહેવામાં આવ્યું છે), સૌ પ્રત્યે સમાન આદરભાવ અને પ્રેમભાવ રાખવો, સમય આવ્યે મુત્સદ્દી બનવું અને બદલે જરૂર પડયે સામ-દામ-દંડ-ભેદ અજમાવવાની તૈયારી સુધ્ધાં રાખવી.
કૃષ્ણ અલ્ટિમેટ લવર છે. સર્વાંગસંપૂર્ણ પ્રેમી. શૃંગાર શબ્દનો સંબંધ શણગાર અને પ્રેમની અભિવ્યક્તિ બન્ને સાથે છે. કૃષ્ણ અને ગોપીઓએ શૃંગાર રસના કુદરતી વહાવનો સ્વીકાર કર્યો ને રાસલીલા સર્જાઈ. રાસલીલાનાં અનેક અર્થઘટનો થયાં છે. ઓશો રાસને સમગ્ર બ્રહ્માંડની ગતિવિધિઓના સંદર્ભમાં જુએ છે. તેઓ કહે છે કે, રાસલીલા એ કૃષ્ણ અને ગોપીઓનું સામાન્ય નર્તન નથી. આ તો સમષ્ટિમાં ચાલી રહેલા વિરાટ રાસની એક નાની અમથી ઝલક માત્ર છે. કૃષ્ણ-ગોપીની રાસલીલામાં સેક્સ્યુઅલ અર્થચ્છાયાઓ શોધવાની નથી. ઓશો કહે છે, 'એવું નથી કે રાસલીલાનો સેક્સ્યુઅલ અર્થ શોધવા પર નિષેધ છે, પણ આ સ્થિતિ બહુ પાછળ છૂટી ગઈ છે. કૃષ્ણ અહીં કૃષ્ણની જેમ નહીં, પણ પુરુષ તત્ત્વ બનીને નર્તન કરે છે. ગોપીઓ ીની જેમ નહીં, પણ પ્રકૃતિ બનીને નર્તન કરે છે. રાસલીલામાં ઇન્ડિવિઝયુઅલ્સનો બહુ મતલબ નથી.'
પ્રેમીઓમાં કૃષ્ણ અને રાધાની જોડી આદર્શ છે. તેઓ પતિ-પત્ની નથી, પ્રેમીઓ છે. માણસનું હૃદય એક ખાસ વ્યક્તિને ઝંખ્યા કરતું હોય છે. જે વ્યક્તિ પર આ શોધ આવીને અટકે એ એનો 'પરફેક્ટ પાર્ટનર'. યંગસ્ટર્સ મુદ્દાનો સવાલ કરે છે: શું કૃષ્ણ અને રાધાની જેમ અમને પણ પરફેક્ટ પાર્ટનર ન મળી શકે? ઓશોનો જવાબ જોકે ઉત્સાહજનક નથી. તેઓ કહે છે કે આ લગભગ અશક્ય વાત છે, તમારી પાસે સંપૂર્ણ આઝાદી અને તમામ સુવિધા હોય તોપણ! આવડી મોટી દુનિયા છે, કરોડો-અબજો ી-પુરુષો છે. તેમાંથી આવડીક અમથી જિંદગીમાં તમે કેવી રીતે પરફેક્ટ પાર્ટનર શોધી શકશો? તકલીફની વાત એ છે કે આપણી પાસે સંપૂર્ણ આઝાદી કે સુવિધાઓ પણ નથી. જાતજાતનાં બંધનો લદાયેલાં છે. માણસને સાચો સાથીદાર ભાગ્યે જ મળે છે.
તો પછી શું કરવાનું? કદાચ આનો જવાબ કૃષ્ણે જ આપી દીધો છે. ગીતામાં કહેવાયંુ છે કે જે આત્મા 'સ્વ'ની સાધના કરે છે અને 'સ્વ'થી સંતુષ્ટ રહે છે એને કશાયને શોધવાની, સિદ્ધ કે હાંસલ કરવાની જરૂર પડતી નથી!
===
આ એક વાત થઈ. બીજી વધારે મહત્ત્વપૂર્ણ વાત એટલે આ: કૃષ્ણ એટલે ખરેખર કોણ? આપણા મનમાં સગુણ કૃષ્ણના ઘણાં ચિત્રો જડાયેલાં છે, પણ નિર્ગુણ કૃષ્ણને આપણે ખરેખર કઈ રીતે 'જોવાના' છે? અદ્વૈત વેદાંતના પ્રખર પ્રચારક આચાર્ય પ્રશાંત આ વાતને બહુ સુંદર રીત સમજાવે છે, 'કૃષ્ણ એ દેહ નથી. જે હોઠેથી વાંસળી વગાડી રહ્યા છે ને જેમણે મોરપિંછનો મુગટ ધારણ કર્યો છે તે દેહને કૃષ્ણ ન કહીએ. કૃષ્ણ એ બોધ છે. એ બોધ, જે કાલાતીત છે, જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે પણ અસ્તિત્ત્વ ધરાવતો હતો. મહાભારતના યુદ્ધમેદાનમાં કૃષ્ણ અર્જુનને કહે છે: જે કોઈ વ્યક્તિ દેહભાવમાં નહીં, પણ બોધભાવમાં જીવતો હોય, એ હું છું. હું બોધમાત્ર છું. હું સત્યમાત્ર છું. હું પહેલાં પણ હતો, આજે પણ છું અને આવનારા સમયમાં પણ હોઈશ. હા, તે વખતે મારો દેહ આ નહીં હોય જે તું અત્યારે જોઈ રહ્યો છે.'
બોધને અહીં નૈતિકતાના અર્થમાં લેવાનો નથી. આચાર્ય પ્રશાંત કહે છે, 'દેહ બદલાતો રહેશે, પણ બોધ નહીં બદલાય. બોધ એટલે પરમ સત્ય. તે તો અચળ અને એક જ હોયને! આપણે જેને કૃષ્ણ કહીએ છીએ એ તો કૃષ્ણના અનંત રૂપોમાંનું એક રૂપ માત્ર છે, જે અર્જુને જોયું છે. તો કૃષ્ણ કોણ છે? જે બોધ આપી શકે, એ. બોધ આપતાં પહેલાં બોધ હોવું પડે, અને કૃષ્ણ સ્વયં બોધ સ્વરૂપ છે. ભગવદ્ગીતામાં કૃષ્ણએ ખુદ પોતાનો પરિચય સ્પષ્ટ કરી આપ્યો છે. તેથી સંશયની કોઈ સંભાવના રહેતી નથી. કૃષ્ણના રંગ-રૂપ પર જવાનું નથી. વાત બાહ્ય વ્યક્તિત્વની, ચહેરા કે શરીરની છે જ નહીં. વાત બોધની, પરમ સત્યની છે. આ જ કૃષ્ણની ઓળખ છે - ન દેહ, ન રૂપ, ન નામ, ન કાળ, ન ગુણ (નિર્ગુણ). માત્ર બોધ, કેવળ બોધ.'
આચાર્ય પ્રશાંતે આ વાત ગીતાના ચોથા અધ્યાયના પહેલા ચાર શ્લોકના સંદર્ભમાં સમજાવી છે. પ્રકૃતિની ધારામાં ચહેરાઓ ઉઠે છે, વિલીન પામે છે. આચાર્ય પ્રશાંત કહે છે, 'આપણો જન્મ થાય છે, માનવદેહ મળે છે એટલે ચહેરો પણ મળવાનો જ. આપણે પ્રત્યેક ચહેરાને ચેતના પણ કહી શકીએ. ચેતનાનું જ એક બીજું નામ છે - ચુનાવ, પસંદગી. ચેતના એ, જે ચુનાવ કરે. આપણી સામે વાસ્તવમાં બે જ પસંદગી હોય છે. એક વિકલ્પ છે, પ્રકૃતિની જે ધારા વહી રહી છે એની સાથે સાથે વહ્યા કરો. એમાં છબછબિયાં કરો, ડૂબકી મારો, મજા કરો... અને બીજો વિકલ્પ છે, પ્રકૃતિની પ્રવાહને છોડીને કિનારા પર આવી જાઓ, કે જ્યાં કૃષ્ણ ઊભા છે. જે પ્રકૃતિના પ્રવાહમાં ફસાયેલો છે એ અર્જુન છે, જે કિનારે પહોંચી ગયો છે તે કૃષ્ણ છે.'
અધ્યાત્મમાં સતત 'સત્ય'ની વાત થતી રહે છે. આ સત્ય શું છે? આચાર્ય પ્રશાંત કહે છે, 'જે કાર્ય-કારણ (કૉઝ એન્ડ ઇફેક્ટ) પર પૂર્ણવિરામ મૂકી દે એને સત્ય કહે છે. જ્યાં ઘટનાઓ ઘટવી થંભી જાય અથવા જ્યાંથી ઘટનાઓ ઘટવાની શરૂઆત થાય તેને સત્ય કહે છે. એટલે જ કહેવામાં આવ્યું છેને કે આપણને પરમ શાંતિ કેવળ સત્ય જ આપી શકે છે. નહીં તો પછી શૃંખલા ચાલ્યા કરશે. મુક્તિ ત્યાં જ મળશે જ્યાં કાર્ય-કારણ થંભી ગયાં હોય. શું આપણો જન્મ એટલા માટે થયો છે કે આપણે આખું જીવન બેચેન રહીએ, તરફડતા રહીએ? ના. એમ સમજો કે કૃષ્ણ કિનારા પર જ નહીં, બ્લકે નદીના મૂળ પાસે અને નદીની-પ્રકૃતિના પ્રવાહની વચ્ચોવચ્ચ પણ મોજૂદ છે. આપણે હવે શું કરવાનું છે? પસંદગી, ચુનાવ. આપણે ચેતના છીએને? ચેતનાને પસંદગી કરવાનો અધિકાર મળ્યો છે. એમ સમજો કે કિનારો પ્રકૃતિના પ્રવાહની વચ્ચોવચ્ચ છે. જો તમે મુક્તિની પસંદગી કરો તો તમે જ્યાં બેઠા છો ત્યાં જ મુક્તિની તક છે. તમારે પસંદગી કરવાની છે કે તમારે કૃષ્ણ જોઈએ છે કે નહીં. અર્જુને કૃષ્ણની પસંદગી કરી લીધી, ઘણાએ ન કરી. કૃષ્ણ આપણને સમજાવે છે કે તમને હું મળું છું કે નહીં તે તમારી પસંદગી પર નિર્ભર છે.'
યુવાનોએ, ના, યુવાનોએ જ શા માટે, સૌ કોઈએ કૃષ્ણ-કથાઓમાં વણાયેલાં ગૂઢ પ્રતીકોનો ઓળખીને આ કહાણીઓની પાર જવાનું છે. જો કૃષ્ણનાં કિસ્સા-કહાણીઓમાં જ છબછબિયાં કરતા રહીશું તો મર્મ ચૂકાઈ જશે. આપણને કૃષ્ણત્વની ઝંખના છે, સ્થૂળ કૃષ્ણકથાઓની નહીં, ખરૂં?