Get The App

ગુજરાતી કવિતામાં કૃષ્ણ : ગોવિંદો પ્રાણ અમારો રે...

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતી કવિતામાં કૃષ્ણ : ગોવિંદો પ્રાણ અમારો રે... 1 - image


- ભગીરથ બ્રહ્મભટ્ટ

- ગુજરાતમાં 'કૃષ્ણ' દસમા સૈકાથી સાહિત્યમાં અવતર્યા છે. સાહિત્યમાં પરમાત્મા ઉપરાંત 'રસનિધિ' પણ કહેવાયા છે. 

સાહિત્યના સનાતન વિષયોમાં પ્રકૃતિ, પ્રણય અને પ્રભુ જ સદા આલેખન પામ્યા છે. પ્રકૃતિ અને પ્રણય બંનેના કેન્દ્રમાં માનવી રહ્યો છે. પ્રકૃતિને નિહાળે છે અને પ્રણયની અનુભૂતિ કરે છે. પ્રભુની આ સઘળી લીલા છે. પોતે કઠપૂતળી છે. તે પ્રભુ જ સર્વસત્તાધીશ છે એવી એની દ્રઢપણે સ્વીકૃતિ છે એટલે અસ્તિત્વનો આધાર અને અસ્તિત્વનું કારણ તે પ્રભુમાં જ જુએ છે. 'છોડમાં રણ છોડ' જોવા એ પ્રકૃતિમાં પ્રભુનો સ્વીકાર છે. રાધા-કૃષ્ણના રૂપકથી કે ઉપમાનથી પ્રણયને નિહાળવો એમાં પણ પ્રભુનો સ્વીકાર છે, એટલે કે માનવી કોઇ અકળ સત્તા નીચે પોતાના જીવનને જુદા જુદા રંગોથી જીવે છે. એ સત્તાનો મહિમા ભક્તિથી કરે છે. ભક્તિની પણ વિવિધ તરકીબો છે. પ્રકૃતિના ઉદ્દીપન અને આલંબનથી અને પ્રણયના ભાવસેતુથી એ પ્રભુપ્રેમની અભિવ્યક્તિ કરે છે. રામ અને કૃષ્ણ બંનેનો પ્રભાવ લોકજીવન ઉપર છે.

ગુજરાતમાં 'કૃષ્ણ' દસમા સૈકાથી સાહિત્યમાં અવતર્યા છે. સાહિત્યમાં પરમાત્મા ઉપરાંત 'રસનિધિ' પણ કહેવાયા છે. માનવીનો વ્યક્તિત્વ વિકાસ રુંધાઈ રહ્યો હતો ત્યારે એમાં નવજીવન લાવવા, પ્રાણ પુરવા ભક્તિ પરંપરા પ્રેરક બની છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં નરસિંહ મહેતાએ 'કૃષ્ણ' ગાન ગાયું છે -

'મેહુલો ગાજે ને માધવ નાચે

રૂમ ઝૂમ વાજે પાય ઘૂઘરડી રે

તાલ પખાજ વજાડે ગોપી

વહાલો વજાડે - વેણુ વાસલડી (મેહુલો ગાજે.)'

*

* પાંચ સાત ગોપીઓ ટોળે વળી રે, ઊભી ચાંપલિયા હેઠ

છેલ કાનુડો આવે રે, પેલી પાતલડીને ઘેર (મારે ઘેર...)

*

* પ્રેમરસ પાને તુ મોરના પિચ્છધર

તત્ત્વનું ટૂપણું તુચ્છ લાગે (પ્રેમરસ)

* વ્હાલે વગાડી રંગ વાંસળી રે, મ્હારે વ્હાલે રમાડેલ રાસ

* નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ?

તેજ 'હું' તેજ 'હું' શબ્દ બોલે

શ્યામના ચરણમાં ઇચ્છુ છું મરણ રે

અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે.. (નિરખને..)

નરસિંહ મહેતાએ 'કૃષ્ણક્રીડા કાવ્ય' ભ્રમરગીતા (બ્રેહેદેવ)માં કૃષ્ણ પ્રેમ પ્રગટ થયો છે.

નરસિંહ મીરાની કવિતામાં કૃષ્ણ મિલનનો આનંદ અને વિરહની વેદના નિરૂપાઈ છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓ, રાધાની વ્રજલીલા ઊલટથી ગાય છે. ગોપીહૃદય પ્રગટ થાય છે. નરસિંહથી વિશ્વનાથ જાની (પ્રેમપચીશી) રત્નો (મહિના), રાજે દયારામ (ગરબી) સુધી કૃષ્ણ લીલા ગવાઈ છે. ભાલણે દશમસ્કંધમાં બાળલીલા, સ્વામીનારાયણના કવિઓ વિવિધ લીલાઓ ઉત્કટ રીતે રજૂ કરી છે. એમાં શૃંગારિક આલેખનો પણ જોવા મળે છે. મીરાબાઈની કૃષ્ણ પ્રીતિ જુઓ -

કાનુડે ન જાણી મોરી પીર

બાઈ હું તો બાળકુંવારી રે

જળરે જમાનાનાં અમે ભરવા ગ્યાંતો વ્હાલા

કાનુડે ઉડાડયાં આછાં નીર,

ઊડયાં ફરરરરર રે.. (કાનુડે ન...)

*

મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ

*

ગોવિંદો પ્રાણ અમારો રે... જગ લાગ્યો ખારો

*

દવ લાગ્યો ડુંગરિયે કહોને ઓધાજી હવે કેમ કરીએ ?

*

બોલે ઝીણા મોર, રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર

*

મીરાંબાઈ કૃષ્ણમાં તદાકાર થઈ ગયાં હતાં. તેમનાં પદોમાંથી તેની પ્રતીતિ થાય છે તેવી રીતે 'રાજે'નાં પદોમાં કૃષ્ણ આમ આવે છે.

* આજની ઘડી તો રળિયામણી રે -

* મોહનજી તમો મોરલા, હું વારી રે, અમે ઢળકતી ઢેલ આશ તમારી રે

દયારામની કૃષ્ણપ્રીતિ પુષ્ટિમાર્ગને આ રીતે ગાય છે જે ખરેખર તો અસરકારક પ્રણયરાગનું આલેખન છે.

* શ્યામ રંગ સમીપે ના જાવું

* કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ છેલછબીલે

* હું શું જાણું વ્હાલે મુજમાં શું દીઠું ?

વારે વારે સ્હામુ ભાળે, મુખ લાગે મીઠું

* મુજને અડશો મા, આઘા રહો અલબેલા

* કહાન કુંવર કાળા છો, અડતાં હું થાઉ કાળી

પ્રેમાનંદ કૃત 'સુદામાચરિત્ર' કૃષ્ણ પ્રેમ નિમિત્તે લખાયેલું આખ્યાન છે.

પછે શામળિયોજી બોલિયા, તુને સાંભરે રે

હાજી નાનપણાનો નેહ મુંને કેમ વીસરે રે...

*

જશોદાજી એમ બોલિયાં તમે સાંભળો હરિના વીર

પુત્ર વિના હું માવડી જેમ પ્રાણ વિહોણાં શરીર

*

મારું માણેકડું રિસાવ્યુ રે શામળિયા.

નરભેરામ- નાણુ આપે નરભો રે, વાવરજો છોગાળા - કૃષ્ણને કહે છે ધનો કવિ - 'રામબાણ વાગ્યાં હોય તે જાણે'માં પણ 'વિષના પ્યાલા ગિરધર લાલે આરોગ્યા' કહીને કૃષ્ણગાન ગાય છે

કવિ ગેમલ કૃત 'હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે

પ્રેમાનંદ સ્વામી કૃત * નહિ મેલું રે સુંદર શ્યામ, કુંજવિહારી રે

હું તો દામ વિનાની નાથ, દાસી તમારી રે

* હું તો વારી રે ગિરિધરલાલ, મોતીડે તારે રે

બ્રહ્માનંદ સ્વામી કૃત - લટકાળા તારે લટકે રે લ્હેરખડા હું લોભાણી

- શિર સાટે નટવરને વરીએ રે

અર્વાચીન કવિતામાં સુંદરમે 'કોણ ?' 'મારી બંસીમાં' જેવા કાવ્યોમાં પરોક્ષ રીતે કૃષ્ણને સંભાર્યો છે કવિ સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેનાં ગીતોમાં કૃષ્ણ વધારે ડોકાય છે. 'માધવ ક્યાંય નથી મધુવનમાં' અને

* કાનુડાને બાંધ્યો છે હીરના દોરે..

* મેં તો રાત આખી વાંસળી વગાડયા કરી

મને સૂતીને સપને જગાડયા કરી

* માધવ ક્યાંય નથી મધુવનમાં.

લાભશંકર ઠાકર જેવા આધુનિક કવિ - તુષારના ટીપામાં મોટો કમરો રે, કમરામાં બેઠા મારા કાન, મુરલિયા બાજે રે...

રમેશ પારેખ : 'કે કાગળ હરિ લખે તો બને' કાવ્યમાં કૃષ્ણને યાદ કરે છે

પ્રિયકાન્ત મણિયાર-

- આ નભ ઝૂક્યું તે કાનજી

ને ચાંદની તે રાધા રે

આ સરવરજલ તે કાનજી

ને પોયણી તે રાધા રે

આ દીપ જલે તે કાનજી

તે આરતી રે રાધા રે

આ લોચન મારા કાનજી

ને નજરું જુએ તે રાધા રે

* અલબેલો અડકે મને આંખથી રે

પ્રદ્યુમ્ન તન્ના - કોણ કહે વ્રજ વીસરાયું, વ્રજ વિલસે રે કણકણ માં

પિનાકિન ત્રિવેદી - 'મારી અંતરની વેદના જોવા, શ્યામ રાધે બનો'

નિરંજન ભગત

*

મને તો ધરતીની પ્રીત રે

વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે

નથી ભૂલ્યો હું ભીંત રે

*  'હરિવર મુજને હરી ગયો'

કવિ રાજેન્દ્ર શાહનાં ગીતોમાં પ્રકૃતિનાં કાવ્યોમાં કૃષ્ણ રાધાના પ્રણયની ગૂંથણી કલાત્મક રીતે થઈ છે.

* પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો

સોહ્યો છે ઝાઝો સવારથી ય સાંજરો

* મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ

મને જરા ઝૂંક વાગી ગઈ

*

* સીમ ભરીને ટહુકો ન રેલ, એલિ મોરલી

કાળજાને વ્હેતુ ન મેલ, એલિ મોરલી

કવિ હેમંત દેસાઈ - * હાં કહાન મને મથુરાથી મોકલે છે તેડું

આજ મન મોરલીમાં માઢ નહિ છેડું

કવિ દિનેશ કોઠારી - અઢળક ઢળિયો રે શામળિયો

ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે બળિયો

કવિ ઉશનસ્ - બાઇ રે ! તારાં ભાગ્ય મહાબળવાન- ગોરસ માગે કહાન

કવિ હરીશ મીનાશ્રુ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે

મને ગોકુળ કહે તો મને મારા સોગંદ

મને મોરલી કહે કે મોર પીંછું કહે

મને માધવ કહે તો તને મારા સોગંદ

કવિ કૃષ્ણ દવે - ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર ઉપરથી ગોપીઓને રાધા

અહીં મારે તો જીવવાના વાંધા

આ તો માત્ર દ્રષ્ટાંતો છે આવી તો અઢળક પંક્તિઓથી ગુજરાતી કાવ્ય જગત કૃષ્ણના રંગે રંગાયેલું છે. કૃષ્ણના ભાવ અને પ્રભાવથી ગુજરાતી કવિતા રળિયાત થઈ છે.    


Google NewsGoogle News