જ્ઞાન-કર્મ-સન્યાસ યોગ .
શ્રીમદ્ ભગવત ગીતાજીના ચોથા અધ્યાયનું નામ જ્ઞાન-કર્મ-સન્યાસ યોગ છે. આ અધ્યાયની વિશેષતા એ છે કે, આ અધ્યાયમાં સીધી ભગવાને જ બોલવાની શરૂઆત કરી છે. જેનાં શ્લોકો આ પ્રમાણે છે. શ્રી ભગવાન ઉવાચ - 'ઈમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્, વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેડબ્રવીત્. એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુ: સ કાલેનેહ મહતા યોગે નષ્ટ: પરન્તપ.' ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કહે છે કે, 'સૌથી પ્રથમ જ્ઞાન મેં સૂર્યને આપ્યું. સૂર્યએ પોતાના પુત્ર વિવસ્વાન મનુને આપ્યું. મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને આપ્યું. પછી પરંપરાથી રાજાઓને પ્રાપ્ત થયું. પણ, થોડા સમય પછી આ જ્ઞાન લુપ્ત થયું.' ભગવાનનો કહેવાનો ભાવાર્થ એવો છે કે મારા જ્ઞાનને જો કોઈએ આત્મસાત કર્યું હોય તો તે સૂર્યએ કર્યું છે.
અહીંયા વિશેષતા એ છે કે, ભગવાન ચંન્દ્રવંશી છે પણ મહિમા સૂર્યનો ગાયો છે. કદાચ આપણે ઓફિસમાં બે-પાંચ મિનિટ મોડા પહોંચીએ પણ સૂર્ય ઉગવામાં ક્યારેય વિલંબ કરતો નથી. એનું કામ જ બધાને જાગૃત કરવાનું છે. એવું ક્યારેય આપણે નથી સાંભળ્યું કે સૂર્યએ રજા મૂકી હોય. જો કદાચ સૂર્ય રજા મુકે તો વિજ્ઞાન પણ સ્વિકારે છે કે ૮(આઠ) જ સેકન્ડમાં આ પૃથ્વીનો લય થઈ જાય. એટલે જ તો વેદોમાં કહ્યું કે, 'સૂર્ય એ જગતના આત્મારૂપે છે' અને એ જ વાત ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીના ચોથા અધ્યાયમાં અર્જુનજીને સ્પષ્ટ કરી છે. પણ, અર્જુને પ્રશ્ન કર્યો કે, 'અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વ:, કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ.' હે કૃષ્ણ જ્યારે ભગવાન સૂર્ય હતા ત્યારે તમે હતાં? ત્યારે તેનો ઉત્તર આપતાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કહે છે કે, 'હે અર્જુન ! એ વખતે હું પણ હતો અને તુંય હતો. મારા અને તારા કેટલાંય જન્મો થઈ ગયાં જેને હું જાણું છું પણ તું નથી જાણતો.'
ભગવાને અર્જુનજીને કહ્યું કે, આદિ, મધ્ય અને અંત હું સર્વત્ર વ્યાપેલો છું. પણ, ભક્તજનોના કલ્યાણ માટે હું ભૂતલ ઉપર આવું છું. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, 'યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્, ધર્મસંસ્થાનાર્થાય સમ્ભવામિ યુગે યુગે.' ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનજીને પોતાના અવતારનું પ્રયોજન બતાવ્યું. જે પ્રયોજન આપણે જાણીએ છીએ.
ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ સૌથી ઉત્તમ જ્ઞાન માર્ગને ગણ્યો. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કહે છે કે, 'જ્ઞાન સમાન પવિત્ર કોઈ વસ્તુ નથી.' એ જ વાત આદિજગતગુરુ શંકરાચાર્યજીએ પણ કરી છે. કે મુક્તિ જ્ઞાનથી જ મળે પણ જ્ઞાન ગુરુ આપી શકે. એ ગુરુની પાસે કેવી રીતે જવું એ વાત ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કરે છે. તેઓ કહે છે કે, 'તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિન:' ભગવાને કહ્યું કે, પ્રથમ તો સદ્ગુરુના ચરણોમાં પ્રણામ કરવા, પ્રણામ કર્યા પછી પ્રશ્ન કરવો અને એ પ્રશ્ન પણ જીજ્ઞાસાયુક્ત હોવો જોઈએ. એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ગુરુની સેવા કરવી. પણ, ગુરુ પણ કેવાં હોવા જોઈએ ? જ્ઞાની અને તત્ત્વને જાણનારા.
આમ, ગીતાજીનો જે ચોથો અધ્યાય છે એમાં ભગવાને પોતાની સર્વવ્યાપક્તા પ્રગટ કરી છે. પણ, પોતાનં જે ઐશ્વર્ય છે એ ગીતાજીના અગિયારમાં અધ્યાયમાં પ્રગટ કર્યું છે. ગીતાજીનો ચોથો અને દશમો અધ્યાય એ સમજાવે છે કે, સર્વત્ર હરિ છે અને માટે જ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનજીને કહ્યુ કે, 'જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વત:, ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુન.' 'હે અર્જુન ! જે મારા જન્મ અને કર્મને જાણે છે એને બીજું કશુંય જાણવાનું રહેતું નથી અને મૃત્યુ પછી પણ તે મને જ પામે છે.' ચંદ્ર, સૂર્ય, તારા આ પરમાત્માના જ સ્વરૂપો છે. તો આવો એ ગીતાજીના ઉપદેશોને આત્મસાત કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ...!
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી