હસતા રહો, હળવા રહો .
શ્રી અરવિંદના મતાનુસાર,'મને ખબર નથી પડતી કે ખૂબ વિકાસ પામેલી વ્યક્તિઓમાં વિનોદવૃત્તિની ભાવના કેમ નથી હોતી ? જો વ્યક્તિમાં વિનોદવૃત્તિનો અભાવ હોય તો એ વ્યક્તિને કેવી રીતે પૂર્ણ વ્યક્તિ કહી શકાય ? માણસો જો જીવનને જરા ઓછું ગંભીર લે તો તેઓ જીવનને જલ્દીથી વધારે સંપૂર્ણ બનાવી શકે છે.'
શ્રી અરવિંદના ઉપરના વિધાન પ્રમાણે હાસ્ય એ જ એકમાત્ર એવો ઉપચાર છે. જે માનવીને તેના દુ:ખોમાં પણ થોડી હળવાશ અને આશ્વાસન બક્ષે છે. હાસ્ય એ તો અત્યારના સ્ટ્રેસમય વાતાવરણમાં એક ઔષધનું કામ કરે છે જે માનવીને હાર્ટના એટેકથી દૂર રાખે છે અને જીવન જીવવાનું બળ પૂરૃં પાડે છે.
વિનોદવૃત્તિ તો પ્રભુમાં પણ છે અને એનાથી જ તેઓ આ જગતનું સંચાલન કરી રહ્યા છે. પણ આપણામાં પ્રભુ અંગેનો જે ડર છે તેને લઈને પ્રભુ આપણને લાગણીહીન અને રૂક્ષ ભાસે છે. શ્રી માતાજી એક વિધાનમાં કહે છે,' પ્રભુને તો કોઈ નાસ્તિક વ્યક્તિની પાસે જઇને તેને ભેટી પડવામાં પણ ખૂબ જ મઝા આવે છે. જેણે આગલે દિવસે જ જાહેર કહ્યું હોય કે 'પ્રભુનું અસ્તિત્વ જ નથી, હું પ્રભુમાં માનતો નથી. એ બધું તો મૂર્ખામી છે વગેરે વગેરે....
આ વિધાન દર્શાવે છે કે પ્રભુ લાગણીહીન નથી કે નથી હાસ્યવૃત્તિના દુશ્મન. પ્રભુએ રચેલી આ દુનિયામાં પ્રભુએ ઘડેલા માણસો શા માટે વિષાદગ્રસ્ત થઈને ફરે ? પ્રભુ સાચે જ આનંદપૂર્ણ છે. અને પોતે રચેલ વિશ્વના મનુષ્યો પણ આનંદપૂર્ણ વાતાવરણમાં પોતાની પ્રવૃત્તિઓ સુમેરે નિભાવે તેવી તેમની ભાવના છે. માટે જ પ્રભુએ દરેક વ્યક્તિમાં વિનોદવૃત્તિ મૂકેલી છે. પરંતુ આપણી એ કમનસીબી છે કે દરેક સારા-માઠા પ્રસંગે એ વિનોદવૃત્તિ આપણું મન પારખી શકતું નથી. અને આપણે માની લીધેલા દુ:ખભર્યા પ્રસંગો જે ખરેખર તો દુ:ખદાયક હોતા જ નથી એવા પ્રસંગોએ આપણી વિનોદવૃત્તિને લૂંણો લાગી જાય છે. પણ માનવી બધા બનાવોને હળવાશથી લઈ હાસ્યેન સમાપયેન્' કરે તો તેની ઘણી મુસીબતોનો અંત આવી શકે. અસ્તુ !
- તુષાર દેસાઈ