ઇશ્વર ઇચ્છા: 1) ઇચ્છાશક્તિ 2) સંકલ્પ શક્તિ 3) પરિશ્રમ શક્તિ 4) ઇશ્વર ઇચ્છા
- કુબેર જેવો મિત્ર અને હિમાલય જેના સસરા છે, છતાં શિવજી ભિક્ષા માટે ભ્રમણ કરે છે કારણકે 'બલીયસી કેવલં ઇશ્વરેચ્છા.' ઇશ્વરની ઇચ્છા બળવાન છે. આથી કાર્યની સફળતા માટે અને ઇશ્વરની કૃપા મેળવવા ઇશ્વર ઉપાસના, સાધના અને આરાધના પણ જરૂરી બની રહે છે.
પ્ર ત્યેક વ્યક્તિ પોતાનું કાર્ય સુંદર અને શ્રેષ્ઠ રીતે સફળ થાય એમ ઇચ્છતી હોય છે, પરંતુ પ્રત્યેક કાર્ય સંતોષકારક અને શ્રેષ્ઠ રીતે કરવામાં સફળતા મળતી નથી. કાર્યની શ્રેષ્ઠ સફળતાનો આધાર ચાર બાબતો પર નિર્ભર હોય છે. કહો કે શ્રેષ્ઠ સફળતાની સીડીના ચાર સોપાન છે.
૧) ઇચ્છાશક્તિ ૨) સંકલ્પ શક્તિ ૩) પરિશ્રમ શક્તિ ૪) ઇશ્વર ઇચ્છા.
૧) ઇચ્છાશક્તિ: કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય' ઇચ્છા જ ન હોય તો કાર્યની પસંદગી થઈ શક્તી નથી. અને પસંદગી વગરનું કાર્ય પ્રગતિ કરાવે નહિ. ઇચ્છા શક્તિ વગરના કાર્યો માટે મનની સ્થિતિ એવી હોય,' આનંદ મળે તો ઠીક ન મળે તો અફસોસ નહિ.' જેવી રીતે 'પ્લાન અને પાયા' વગર ઇમારત બને નહિ એ રીતે ઇચ્છાશક્તિ વગર કાર્યની પસંદગી થઈ શક્તી નથી. કાર્યની સફળતા માટે પ્રાથમિક શરત છે ઇચ્છાશક્તિની.
૨) સંકલ્પશક્તિ: જેનો કોઈ વિકલ્પ ન હોય તે સંકલ્પ સંકલ્પને 'ટેક' પ્રતિજ્ઞાા કે દૃઢનિશ્ચયાત્મક ઘોષણા પણ કહી શકાય. ઇચ્છા શક્તિથી પસંદ કરેલ કાર્યમાં દીલ લગાવ્યા વગર કાર્યો પ્રગતિ કરાવતા નથી. એ માટે સંકલ્પનો સહારો લેવો જ રહ્યો. કારણકે સંકલ્પ કર્યા વગર ડગુમગુ થતા પગ સ્થિર થતા નથી, સાચી દિશામાં કદમ લઈ જતા નથી, કાર્ય પૂર્ણ કર્યાનો સંતોષ અને આનંદ પ્રાપ્ત થતાં નથી. પ્રશંસનિય કામગીરીનો યશ મળતો નથી, સંકલ્પ વગર લક્ષ્ય સિધ્ધ થઈ શક્તું નથી.
અમૂક ધ્યેય સાથે તત્પરતાથી સાવધાન સજાગ બની પૂરામનોયોગ સાથે એક જ દિશામાં કરવામાં આવતું કાર્ય એટલે સંકલ્પ. સંકલ્પ ,શ્રદ્ધા, વિશ્વાસ, ઉત્સાહ, ખંત અને આત્મબળ સાથે લેવામાં આવે છે. સંકલ્પબધ્ધ વ્યક્તિ ક્યારેય ગાફેલ રહેતી નથી. આવી વ્યક્તિ આળસનો ત્યાગ કરી પૂરા મન સાથે અકાગ્રતાથી જવાબદારીની સભાનતા સાથે પોતાના કાર્યને હાથમાં લેતી હોય છે.' દેહં પાતયામિ વા કાર્ય સિધ્ધયામિ' અને 'મેરૂ તો ડગે પણ મનડા ડગે નહિ' આવું નિશ્ચયાત્મક મન આવી વ્યક્તિએ ધારણ કરેલું હોય છે.
લંકા છોડવાના સંકલ્પ માત્રથી વિભિષણને ભગવાન રામનું શરણું મળે, 'સંકલ્પ' વિશે ચિંતન કરતી વખતે રાજા હરિશ્ચન્દ્રનું સ્મરણ આપોઆપ થઈ જાય. રાજા હરિશ્ચચન્દ્ર 'સંકલ્પ'ના સહારે 'સત્યવાદી'નું સ્થાન પ્રાપ્ત કરી શક્યા. પ્રતિજ્ઞાા અને ભિષ્મ તો એક જ સિક્કાની બે બાજુ બની ગઈ ! ગંગાપુત્ર ગાંગેય સંકલ્પના બળથી 'ભિષ્મપ્રતિજ્ઞાા' તરીકે સુપ્રસિધ્ધ પામ્યા.' પ્રતિજ્ઞાા' શબ્દ બોલતા કે સાંભળતા મહાતેજસ્વી ભિષ્મના પાત્રનું અનાયાસે જ સ્મરણ થઈ જાય. આ અને આવા અનેક પ્રેરક કથા પ્રસંગો પ્રતિજ્ઞાાનું- સંકલ્પનું મહત્વ ઉજાગર કરે છે.
૩) પરિશ્રમ શક્તિ: ઇચ્છા શક્તિના સહારે કાર્યની પસંદગી કર્યા બાદ સંકલ્પ કર્યા પછી સફળતા માટેનું અનિવાર્ય સોપાન આવે છે શ્રમ-પુરુષાર્થ કહેવાયું છે.' સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.' માત્ર સંકલ્પ કરી લેવાથી પુરુષાર્થના અભાવે સફળતા મળે નહિ એને માટે સહારો લેવો પડે' પરિશ્રમ એજ પારસમણી'નો. સંસ્કૃતના એક શુભાષિતમાં આ માટે યોગ્ય જ કહેવાયુ છે. નહિ સુપ્તસ્ય સિંહસ્ય મૂખે પ્રવિશન્તી મૃગઃ ।' સુતેલા સિંહના મૂખમાં સસલા આવીને પ્રવેશતા નથી, ભૂખ ભાંગવા સિંહે પણ શિકારવાનો શ્રમ કરવો પડે છે. શ્રમ વિશે એટલું જ કહી શકાય ' કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.'
૪) ઇશ્વર ઇચ્છા: માત્ર ઇચ્છાશક્તિ ધારણ કરવાથી માત્ર 'સંકલ્પ' કરી લેવાથી કે માત્ર પુરુષાર્થ કે પરિશ્રમ કરવાથી કાર્ય સિધ્ધિની સફળતા મળે નહિ. સફળતા માટે પુરુષાર્થની સાથે સાથે એમાં ઇશ્વરની ઇચ્છા ભળેલી હોય તે ચોથું અને મહત્વનું પરિબળ છે. શ્રમ તો ઘોડા, ગધેડા પણ કરે છે. પરંતુ તેની નોંધ લેવાતી નથી ! સંકલ્પના સહારે કરેલા પ્રામાણિકતાથી પરિશ્રમમાં ઇશ્વરેચ્છા મળેલી ન હોય તો પણ કાર્યસિદ્ધિની સફળતાનો આનંદ મળતો નથી. કહેવાય છે 'મનુષ્ય યત્ન ઇશ્વર કૃપા' આથી જ ભક્તકવિ નરસિંહ મહેતા યોગ્ય કહી ગયા. ઇશ્વરની ઇચ્છા વગર પાંદડું પણ હલી શકે નહિ.' ઇશ્વરની ઇચ્છામાં પણ 'કર્મફળ'ની ગહન ગતિ પણ કાર્યરત હોય છે.
ઇશ્વરેચ્છા બળવાન વિશે સંસ્કૃતના સુભાષિતમાં યોગ્ય કહેવાયુ છે,' શિવ સ્વયં મહેશ છે, વિધ્નનો નાશ કરનાર ગણપતિ જેનો પુત્ર છે, કુબેર જેવો મિત્ર અને હિમાલય જેના સસરા છે, છતાં શિવજી ભિક્ષા માટે ભ્રમણ કરે છે કારણકે 'બલીયસી કેવલં ઇશ્વરેચ્છા.' ઇશ્વરની ઇચ્છા બળવાન છે. આથી કાર્યની સફળતા માટે અને ઇશ્વરની કૃપા મેળવવા ઇશ્વર ઉપાસના, સાધના અને આરાધના પણ જરૂરી બની રહે છે.
આમ ચાર પરિબળો ઇચ્છાશક્તિ, સંકલ્પશક્તિ, પરિશ્રમશક્તિ અને ઇશ્વર ઇચ્છાના સંયોજનથી ઉચ્ચ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. માત્ર ઇચ્છા કરવાથી, માત્ર સંકલ્પ કરવાથી કે માત્ર પરિશ્રમ કે માત્ર પ્રભુ પ્રાર્થના કરવાથી કાર્યોની સફળતા મળતી નથી !
આવો, આપણે પણ વ્યક્તિ, પરિવાર, સમાજ રાષ્ટ્ર કે વિશ્વના કલ્યાણ અર્થે શુભ ઇચ્છાશક્તિ ધારણ કરી, સંકલ્પ બદ્ધ બની પ્રામાણિકતાથી પુરુષાર્થનો પ્રારંભ કરીશું તો ઇશ્વર ઇચ્છાથી આપણો શુભ સંકલ્પ પ્રભુ સાકાર કરશે. ઓમ શાંતિ : શાંતિ : શાંતિ ।।
- હરસુખલાલ સી.વ્યાસ