શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધનો પરિચય
આ પણા અઢાર (૧૮) પુરાણો જેની રચના સ્વયં ભગવાન વેદવ્યાસજીએ કરી છે. જેમાં ભાગવત પણ બે(ર) છે. એક ભગવાનનું ભાગવત અને બીજું ભગવતીનું ભાગવત. જેવી રીતે શ્રીમદ્ ભાગવતજીનો દશમ સ્કંધ એ ભગવાનનું હૃદય છે તેવી જ રીતે શ્રીમદ્ દેવી ભાગવતજીનો તૃતિય સ્કંધ અને પાંચમો સ્કંધ એ જગદંબાનું હૃદય છે. જેમાં માતાજીના ગુણાનુવાદ ગાવામાં આવ્યાં છે.
શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં ભગવાન વેદવ્યાસજીએ મણિદ્વિપ ધામનું વર્ણન કર્યું છે. મણિદ્વિપ ધામમાં ચિંતામણિ ભૂવન છે. માતા જગદંબા એમાં બિરાજમાન છે. આજ માતાજીએ લાલ રંગના વસ્ત્રો ધારણ કર્યાં છે. માતાજીનું તેજ કરોડો વિજળીઓ સમાન છે. એ માતા જગંદબાએ બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજીને પોતાના જમણા પગના અંગુઠાના નખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યાં. માતા જગદંબા ચૌદ ભુવનના ઈશ્વરી છે. માટે જ માતાજીનું નામ ભુવનેશ્વરી છે.
તૃતિય સ્કંધમાં બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજીએ માતા જગદંબાની સ્તુતિ કરી છે. માતાજી ત્રણેય દેવોના ગુરુ બન્યા. માતા જગદંબાએ પોતાના મુખારવિંદમાંથી નવારણ મંત્ર પ્રગટ કર્યો. એ નવારણ મંત્રના ત્રણ બીજ છે. 'ઐમ, હ્રીમ અને ક્લીમ.' એક-એક બીજનો મહિમા છે. જે તૃતિય સ્કંધમાં વર્ણવ્યો છે.
'ઐમ' નો મહિમા - એના માટે સત્યવ્રતનું આખ્યાન છે. 'ક્લીમ' અને 'હ્રીમ' ના મહિમા માટે સુદર્શન અને શશિકલાનું આખ્યાન છે. તૃતિય સ્કંધમાં ભગવાન વેદવ્યાસજી જન્મેજયને યજ્ઞાનું નિરુપણ કરે છે. ત્રણ વસ્તુ જ્યારે શુદ્ધ હોય ત્યારે જ યજ્ઞા સફળ થાય છે. મંત્ર શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. બ્રહ્માંડમાં સૌ પ્રથમ યજ્ઞા ભગવાન નારાયણે કર્યો. માતા જગદંબાએ તેમને વરદાન આપ્યું કે, 'ધર્મની સ્થાપના માટે તમારે અવતાર લેવા પડશે. દરેક અવતારમાં મારી શ ક્ત સાથે રહેશે.' આ પ્રસંગને શિવાનંદ સ્વામીએ પણ પોતાની આરતિમાં વર્ણવ્યો છે કે, 'એકાદશી અગિયારસ કાત્યા યનિકા મા; કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા.' ભગવાન રામ થયાં તો માતાજી સિતાજી થયાં. ભગવાન શ્યામ બન્યા તો મા રાધાજી બનીને આવ્યાં. ભક્ત કવિ વલ્લભ તો આનંદના ગરબામાં વર્ણવે છે કે, 'મત્સ, કત્સ્ય, વરાહ, નરસિંહ વામન થઈ મા; અવતારો તારાય તુજ વિણ મહાત્મઈ મા.' તો દરેક સ્વરૂપે માતા જ બિરાજમાન છે.
તૃતિય સ્કંધમાં નવરાત્રિ વ્રતનું વર્ણન છે. જેમાં કુમારિકા પૂજનનો વિશેષ મહિમા છે. બે વર્ષથી લઈ દસ વર્ષની દિકરીઓ એ કુમારિકાઓનું સ્વરૂપ છે. બે વર્ષની દિકરી એ કુમારી છે. ત્રણ વર્ષની દિકરી એ ત્રિમૂર્તિ છે. ચાર વર્ષની દિકરી એ કલ્યાણી છે. પાંચ વર્ષની દિકરી એ રોહિણી છે. છ વર્ષની દિકરી એ ચંડિકા છે. સાત વર્ષની દિકરી એ કાલિકા છે. આઠ વર્ષની દિકરી એ શાંભવી છે. નવ વર્ષની દિકરી એ ગૌરી છે અને દસ વર્ષની દિકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે. આ કુમારિકાઓનું પૂજન નવરાત્રિના પાવન પ્રસંગે વિશેષ કરવું જોઈએ.
આપણાં જેટલાં અવતારો થયાં તે દરેક અવતારોએ શ ક્તની ઉપાસના કરી છે. તૃતિય સ્કંધમાં ભગવાન શ્રીરામજીની કથા છે. ભગવાન શ્રીરામજીએ પણ નવરાત્રિ વ્રત કર્યું. માતાજીના આશિર્વાદ લઈ દૈવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજ્ય મેળવ્યો.
આમ, શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં માતાજીના ગુણાનુવાદ છે. એટલે તૃતિય સ્કંધ એ જગદંબાનું હૃદય ગણી શકાય એવો મારો ભાવ છે. 'મા' આ એક અક્ષરમાં સમગ્ર વિશ્વ સમાઈ જાય છે. ભગવાનના બે નેત્રો છે. સૂર્ય અને ચંદ્ર. જેમાં સૂર્ય રૂપી નેત્ર એ પિતાનું નેત્ર છે અને ચંદ્ર રૂપી નેત્ર એ માતા નું નેત્ર છે.
અંબા એ સંસ્કૃત શબ્દ છે. આપણે આપણા માતૃશ્રીને પણ અંબા કહી શકીએ. આ તો આખા જગતની માતા છે. 'જગતસ્ય અંબા જગદંબા.' એ મા જગદંબાની લીલાનું સંપૂર્ણ દર્શન તૃતિય સ્કંધમાં છે. કદાચ સંપૂર્ણ દેવી ભાગવત ન વાંચી શકાય તો તૃતિય સ્કંધ અને પંચમ સ્કંધ જે દેવી ભાગવતમાં માતાજીનું હૃદય છે એનું પારાયણ કરવું. માતા જગદંબાની કૃપા આપ સૌ ઉપર રહે એ જ અભ્યર્થના...અસ્તુ !.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી