રામાયણના અરણ્યકાંડનો પરિચય .

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
રામાયણના અરણ્યકાંડનો પરિચય                          . 1 - image


રા માયણના સાત કાંડ છે. જેમાં અરણ્યકાંડ એ રામાયણનો ત્રીજો કાંડ છે. આ કાંડનું નામ અરણ્યકાંડ એટલા માટે છે કે, અરણ્ય એટલે વન અને વનમાં ભગવાન શ્રીરામજીએ કરેલી લીલાનું વર્ણન એટલે અરણ્યકાંડ. સાત મોક્ષપુરીઓમાં અરણ્યકાંડને માયાપુરી સાથે સરખાવવામાં આવ્યો છે. આ કાંડમાં માયાના સ્વરૂપનું વર્ણન છે.   

ભગવાન શ્રીરામજી ૧૩ વર્ષ ચિત્રકુટમાં રહ્યાં. એ દરમ્યાન, એકવાર એવી ઘટના ઘટી કે, ભગવાન શ્રીરામજી સિતા માતાજીને પુષ્પની માળા પહેરાવતાં હતાં. આમ, નિયમ એવો છે કે, સિતા માતાજી ભગવાન રામજીને માળા પહેરાવે પણ, આજે ભગવાનના મનમાં એવો ભાવ થયો કે હું સિતાને માળા પહેરાવું. એ સમયે દેવરાજ ઈન્દ્રના પુત્ર જ્યંતે કાગડાનું રૂપ લીધું. સિતા માતાજીના ચરણોમાં ચંચુપાત કર્યો. આ કથા અરણ્યકાંડમાં પ્રસિદ્ધ છે. પણ, કથાનો હાર્દ એ છે કે, ઈન્દ્ર પુત્રએ કાગડાનું રૂપ લીધું અર્થાત્ જે બીજાના દાંપત્ય જીવનમાં કષ્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરે એ કોઈ દિવસ હંસ ન બની શકે, એ કાગડો જ બની શકે. આવો સુંદર ભાવ અરણ્યકાંડમાં છે.

લક્ષ્મણજી અને ભગવાન શ્રીરામજીના સંવાદનું વર્ણન છે. જ્યારે પંચવટીમાં ભગવાન શ્રીરામજી નિવાસ કરે છે ત્યારે લક્ષ્મણજી મહારાજે માયાના સ્વરૂપ વિશે પ્રશ્ન કર્યો છે. એનો ઉત્તર આપતાં ભગવાન શ્રીરામજી કહે છે કે, 'મેં ઓર મોર તોર તેહી માયા; તેહી બસ કિન્હી જીવન કાયા.' મારું અને તારું એજ માયા છે અને એજ દુઃખનું કારણ છે. જ્ઞાનોપદેશ કરતાં ભગવાન શ્રીરામજી લક્ષ્મણજી મહારાજને કહે છે કે, 'મારા બે દિકરા છે. એક જ્ઞાાની અને બીજો ભક્ત. એમાં જ્ઞાની એ મારો મોટો દિકરો છે અને ભક્ત એ મારો નાનો દિકરો છે.' અર્થાત્ ભગવાન એમ કહેવા માંગે છે કે, ઈશ્વર સુધી પહોંચવા માટે સરળમાં સરળ જો કોઈ માર્ગ હોય તો એ ભ ક્તમાર્ગ છે.

આ અરણ્યકાંડમાં શૂર્પણખાનું તેમજ ખર-દુષણના વધનું વર્ણન તો છે જ પણ શૂર્પણખાએ રાવણને લંકાના દરબારમાં જે સૂત્રો આપ્યાં છે એ ખુબ સમજવા જેવાં છે. તેમણે કહ્યું કે, 'હે રાવણ ! તું જગતમાં બધાયને નાના માને છે એ તારી ભૂલ છે. રોગને ક્યારેય નાનો ન ગણાય, ક્રોધને ક્યારેય નાનો ન ગણાય, સર્પને ક્યારેય નાનો ન ગણાય, ઈશ્વરને ક્યારેય નાના ન ગણાય અને કાળને ક્યારેય નાનો ન ગણાય.' આ સૂત્રને સમજી રાવણ વિચારે છે અને તેના વિચારનું દર્શન રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે વર્ણવ્યું છે. 'ખર-દુષણ મોહી સમ બલવંતા, ઈન્હીકો મારહીં બિનુ ભગવંતા; હોઈ ભજન નહી તામસ દેહા, મન-ક્રમ-બચન મંત્રદ્રઢ એહા.' રાવણ એમ વિચારે છે કે, 'ખર-દુષણ મારા જેવા શૂરવીર છે. એને ભગવાન સિવાય કોઈ મારી ન શકે તો શું ઈશ્વરનો અવતાર થઈ ચૂક્યો !?' જો સામાન્ય વ્ય ક્ત હોય તો એની પ ત્નનું અપહરણ કરવું એ મારા માટે સરળ છે, પણ જો ખરેખર બ્રહ્મ હોય તો હું ભગવાનની સાથે વેર બાંધુ. મારો દેહ તામસી છે હું ભજન નહીં કરી શકું.' અરણ્યકાંડમાં રાવણનો ભાવ સ્પષ્ટ વર્ણવે છે કે અણે વેરભાવથી ભગવાનનું ભજન કર્યું.

મારા દાદા રમણલાલ જોષી એ રામાયણના ખુબજ મર્મજ્ઞા હતાં અને રાવણની જે ભાષા હતી એ શબ્દના રૂપમાં મારા દાદા ખુબ સુંદર રીતે વ્યક્ત કરતાં. જે આજે મને યાદ આવે છે. જ્યારે મંદોદરીએ રાવણને કહ્યું કે, 'તમે સિતાજીને પાછા સોંપી દો.' ત્યારે રાવણ કહે છે કે, 'હે ઘેલી રાણી ! જાનકી હરણ મેં જાણીજોઈને કિધું, મેં મરણ માંગીને લીધું. એ જ છે આનંદ પૂરણકારી મને મારવાને મનુષ્ય દેહ ધારી.' તો આજ ભાવ અરણ્યકાંડની ચોપાઈમાં રાવણ વ્યક્ત કરે છે.

એ પછીના પ્રસંગોમાં મારિચને રાવણ કહે છે કે, 'તું કાંચનમૃગ બની મારી સાથે ચાલ.' ત્યારે મારિચ ભગવાન શ્રીરામજીનો મહિમા વર્ણવે છે. રાવણ જ્યારે મારિચને મારવા તૈયાર થાય છે ત્યારે મારિચ વિચારે છે કે, 'નહિં જાઉં તો આ પાપી મને મારશે, જઈશ તો રામ મને મારશે.' આ પાપીના હાથે મરવું એના કરતાં રામના હાથે મરી આ ભવસાગરને તરવું શું ખોટું !?' મૃત્યુ બંન્ને બાજુ છે. હસતાં-હસતાં મરવું કે રડતાં-રડતાં મરવું આપણે વિચારવાનું છે કે આપણે કેવી રીતે મરવું. 

મારિચનો આ પ્રસંગ આપણને સૌને જીવનનો સાર સમજાવે છે. માટે જ કોઈ કવિએ લખ્યું છે કે, 

સમજો  જરા  તો  સાનમાં   સૌએ  મરી  જવું  છે; 

કોઈને   થવું   છે   માટી  તો કોઈને  બળી જવું છે. 

શેષ જીવનનો સાર છે એટલો સત્ય કથા હરિનામ;

બાકી તો આયા-ગયા પણ લીધું નહિં પ્રભુનું નામ. 

પિધા   વિનાના   જામને   અમથા  ઢળી  જવું  છે;

સમજો  જરા  તો  સાનમાં   સૌએ  મરી  જવું  છે. 

મારિચ, જટાયુ અને શબરી આ ત્રણેય પાત્રો અરણ્યકાંડના છે. એ આપણને સૌને સમજાવે છે કે જીવન એ સાકર જેવું હોવું જોઈએ. આપણે તો મંદિરમાં જઈએ છીએ પણ આપણે જીવન એવું જીવીએ કે રામ આપણે ઘેર આવે..અસ્તુ !.              

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News