બાહ્ય નહીં આભ્યંતર દર્શન .
- સ્વામીજીએ માત્ર મુખ હલાવીને દૂર એક દિશામાં આંગળી બતાવી કહ્યું : 'મારા ગુરુદેવ સામે લોબીમાં બેઠા હશે. ત્યાં તમે જાઓ, તમને ત્યાં ગુરુદેવનાં દર્શન થઈ જશે !
સ્વા મી વિવેકાનંદના અમેરિકાના પ્રવચનોથી અંગ્રેજો ખૂબ જ પ્રભાવિત થયા હતા. પ્રવચનશ્રેણી સમાપ્ત કરીને વિવેકાનંદ પાછા ભારત આવ્યા. કેટલાક સમય પછી અમેરિકાના ચાર-પાંચ યુવાનો તેઓ પાસે જ્ઞાાન મેળવવા માટે ભારત આવ્યા. સારા એવા સમય સુધી સંગોષ્ઠી થઈ. સંગોષ્ઠી સમાપ્ત થયા પછી સહજ તેમણે વિવેકાનંદને કહ્યું : ' આપ જો આટલા મહાન છો, તો આપના ગુરુદેવ કેટલા મહાન હશે ! અમારે આપના ગુરુદેવનાં દર્શન કરવા છે, થશે ? સ્વામીજીએ માત્ર મુખ હલાવીને દૂર એક દિશામાં આંગળી બતાવી કહ્યું : 'મારા ગુરુદેવ સામે લોબીમાં બેઠા હશે. ત્યાં તમે જાઓ, તમને ત્યાં ગુરુદેવનાં દર્શન થઈ જશે !
અંગ્રેજો ત્યાં ગયા. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ તે લોબીમાં જ બેઠા હતા. પણ તેમના વાળ અને દાઢી ખૂબ વધી ગયા હતા. વસ્ત્રો મેલા અને અસ્ત-વ્યસ્ત હતા. આવું વિચિત્ર વ્યક્તિત્વ જોઈ તેઓને લાગ્યું કે આ તો મંદિરનો કોઈ નોકર હશે. વિવેકાનંદના ગુરુ અહીંથી બીજે ક્યાંક ચાલ્યા ગયા હશે. ત્યાંથી તેઓ વિવેકાનંદ પાસે આવવા માટે પાછા ફર્યા. જો કે એ જ વખતે પાછળથી વિવેકાનંદ આવ્યા, અને તેમણે અંગ્રેજોની સામે જે નોકર લાગતા હતા, તેવા પોતાના ગુરુને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા. આ જોઈ અંગ્રેજો તો આભા બની ગયા ! શરમાઈને તેમણે આશ્ચર્યસભર શબ્દો દ્વારા પૂછયું : 'શું આ જ આપના ગુરુદેવ છે ?'
ત્યારે વિવેકાનંદે માસ્ટર સ્ટ્રોક લગાવતા કહ્યું : 'તમારા દર્શનમાં અને અમારા ભારતીય દર્શનમાં આટલો જ ફરક છે કે તમે માત્ર બાહ્ય વેષને જોઈને વ્યક્તિત્વનો નિર્ણય કરો છો, અને અમે ભીતર રહેલા ગુણોને જોઈને વ્યક્તિત્વનો નિર્ણય કરીએ છીએ. 'વિવેકાનંદના સ્પષ્ટ જવાબથી અંગ્રેજો ઔર શરમાઈ ગયા.
ક્યારેક બાહ્ય વેષ કે વિચિત્ર કેશ દ્વારા વ્યક્તિત્વનો નિર્ણય ના કરવો. આવું કરવામાં ઘણીવાર બહુ મોટા લાભથી વંચિત રહી જવાય છે. અને આ વાત પણ વિચારવા જેવી છે કે જે બહારથી સારા હોય છે, તે ભીતરથી સારા જ હોય, એ ગેરંટી નથી. અને જે બહારથી ખરાબ દેખાતા હોય, તે ભીતરથી પણ ખરાબ જ હોય, એ જરૂરી નથી.
- રાજ સંઘવી