Get The App

સવારે ઉઠીને પહેલા પોતાના હાથના દર્શનનું મહત્વ

Updated: Nov 16th, 2022


Google News
Google News
સવારે ઉઠીને પહેલા પોતાના હાથના દર્શનનું મહત્વ 1 - image


(પ્રભાતે કરદર્શનમ્ ।।)

હાથની હથેળીમાં જ આપણને કુદરતે અચિંત્ય શક્તિ પ્રેરણા- પુરુષાર્થી આપેલા છે. જીવનને કાર્ય પ્રવણ બનાવતું. અને ભૌતિક જીવનને દિવ્ય વળાંક આપતું પ્રતિક નિર્માણ કર્યુ અને તે 'કરદર્શન'.

સવારે ઉઠીને પહેલા બન્નેહાથની હથેળીનું દર્શન કરવું જોઈએ. હાથમાં જ તો સર્વસ્વ છે. ભગવાનની પ્રાપ્તિ માટે સત-ચિત- આનંદની અનુભૂતિ માટે હાથનાં દર્શનની જ જરૂર છે. હાથનું દર્શન એટલે ધ્યેયની ઝંખના પુરુષાર્થનું ચિંતન તેમજ ધ્યેય દિશામાં પ્રયાણ માટે જ કહ્યું છે કે.

कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती ।

करमध्ये तुं गोविद ः प्रभाते करदर्शनम् ।।

'હાથનાં આગળના ભાગમાં લક્ષ્મી વસે છે. હાથના મૂળભાગમાં સરસ્વતી છે. અને મધ્યભાગમાં ગોવિદ છે. માટે સવારે ઉઠીને હાથનું દર્શન કરવું જોઈએ.'

ઉપરનો શ્લોક માનવને જીવનમાં યોગ્ય પુરુષાર્થની પ્રેરણા આપે છે. લક્ષ્મી-વિદ્યા કે ભગવાન પ્રાપ્ત કરવા એ માનવનાં હાથની વાતનો ઉત્સાહ મંત્ર છે. હાથએ પુરુષાર્થનું પ્રતીક છે. સવારમાં ઉઠતાવેત હાથનું દર્શન કરવાથી માણસને પોતાના પુરુષાર્થ ઉપર વિશ્વાસે નિર્માણ થાય છે. કર્મયોગીની ભાવના પેદા થાય છે. કર્મ યોગી-પુરુષાર્થીની પાછળ જ પ્રભુ આવીને ઉભા રહે છે. હાથના આગળના ભાગમાં લક્ષ્મી છે. એમ કહ્યું છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો માણસ ઉદ્યમથી પૈસા મેળવે છે. અને બધાજ ઉદ્યમો- હુન્નરો આંગળીનાં ટેરવે હોય છે. ત્યાં લક્ષ્મીનો વાસ છે.

હાથના મૂળભાગમાં સરસ્વતી એટલે કે વિદ્યા છે. સરસ્વતી મૂળમાં છે. એનો અર્થ કે કોઈ કાર્યના પાયામાં જ્ઞાન હોવું જોઈએ. સાચી સમજણ વિના સંપત્તિ કે સર્જનહાર કંઈ જ મળતું નથી. લક્ષ્મી અને સરસ્વતી એ વિશ્વની બે મહાન શક્તિઓ છે. સરસ્વતી પાસે દૃષ્ટિ છે. લક્ષ્મી પાસે સામર્થ્ય છે. વિત્તવિના વિદ્યાપંગુ છે અને વિદ્યા વગર વિત્ત અંધ છે. તેથી જીવનમાં બન્નેની જરૂર છે.  આપણી બધી આંગળીઓ અસમાન છે. પણ તેમને કરના મધ્યભાગમાં લાવવામાં આવે તો તે સમાન ભાસે છે. તેવી જ રીતે સમાજમાં અસમાનતા નિર્માણ કરવા વાળી લક્ષ્મીને જો પ્રભુ સાથે જોડી દેવામાં આવે તો સમાનતા નિર્માણ કરે છે. પ્રભુના દરબારમાં શ્રીમંત-ગરીબનો ભેદ હોતો નથી. બધા જ એક પ્રભુના દીકરા થઈને બેસે છે.

ટૂંકમાં જીવનના ધ્યેયને સાકારિત કરતું, માનવને પુરુષાર્થ માટે પ્રોત્સાહિત કરતું, જીવનને કાર્ય પ્રવણ બનાતુ, ભૌતિક જીવનને દિવ્યતા તરફ વાળતું, લક્ષ્મી અને વિદ્યાની પ્રાપ્તિ માટે ઉદ્યમી બનાવતું અને પ્રભુસ્પર્શ  સહિતની વિદ્યા અને વિત્તની ઉચ્ચતા સમજાવતું પ્રતીક એટલે કરદર્શન. આવા સદહેતુથી જ દિનચર્યાની શરૂઆત થાય તો દિવસ મંગળકારી બને તે હેતુથી જ પ્રભાતે કરદર્શનમ્ કહેલું છે.(સંસ્કૃતિ પૂજન)

- ડો.ઉમાકાંત.જે.જોષી

Tags :