''રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો'' .
જીવનમાં સુખ-દુ:ખ, તડકો-છાંયો, ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા, દશકો, વિગેરે આવે છે અને જાય છે. આ બધી આપણાં સદ્કર્મો અને પાપ. પુણ્યના હિસાબે આવે છે. આ દરેક પરિવર્તન શીલ પરિસ્થિતિને જીરવીજાણો અને આવેલા સારા અથવા ખરાબ સમય ને માન આપી દો તો પરિસ્થિતિ ક્યારે આવીને વહી જશે તે ખબર પણ નહીં પડે.
યાદ રાખો....! એક સરખા દિવસ સુખના કે દુ:ખના કોઈના જાતા નથી, આવેલો સમય જવાનો જ છે. આજે સર્વ પ્રકારનું સો ટકા સુખ કોઈને પણ પ્રાપ્ત થતું નથી. સો ટકા સોનું પણ શુધ્ધ નથી હોતુ તો આપણી ક્યાં વાત રહી? આ તો જીવન છે. ભગવાને જેટલું આયુષ્ય આપ્યું છે તેટલું ભોગવવાનું છે. એમાં હિંમત હારી જઈને આપઘાત કરવાના વિચારો પણ માણસને આવે છે. પરંતુ આપઘાત કરવો તે પણ પાપ છે. તેમ જ્યાં સુધી તમારા કર્મો ભોગવી ન લો ત્યાં સુધી આ દેહનો નાશ કરવાનો આપણને અધિકાર નથી. આપણાં કર્મો આપણે ભોગવી લેશું ત્યારે ભગવાન જ આપણી દોરી ખેંચી લે છે.
આજે કોઈને શારીરિક દુ:ખ હોય છે તો કોઈને આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. કોઈને પોતાના સંતાનોનું દુ:ખ હોય છે તો કોઈને પાડોશીનું. કોઈને આપ્તજનોનું દુ:ખ હોય છે. તો કોઈને હેતુ દુશ્મનનું. આજે કોઈ-કોઈનું સારું જોઈ શકતું નથી. કોઈ-કોઈનું દુ:ખ દૂર કરી શકતું નથી. કોઈ-કોઈની રોગની પીડા લઈ શકતું નથી, કે કોઈ કોઈના જીવનનું છત્ર બની શકતું નથી. જ્યાં છીએ જેમ છીએ તે સ્થિતિમાં પોતે જ સહન કરવું પડે છે. આવેલા સમયને માન દેવુ જ પડે છે. આંખોમાંથી અવાર નવાર અશ્રુધારા વહી જાય છે. રડી પડવાનું મન જ થાય છે. અને ન છૂટકે રડવાની ઈચ્છાને રોકવી નહીં. એકાંતમાં ભગવાન પાસે રડી લેવું તે તમારા તનની અને મનની બધી જ બાબત જાણે છે. તમારું દુ:ખ તેની પાસે કહો. કારણ કે તેજ કર્તા હર્તા છે. તેના હાથમાંથી પુષ્પ નીચે પડે જ છે અને તે કહે છે હું શાક્ષી છું. તારી વાત હું જાણું છું.
જરૂર છે આજે ભૂખ્યાને ભોજન દેવાની, તરસ્યાને પાણી દેવાની, હારેલાને હિંમત દેવાની અને જીવન ના તાપથી થાકેલાને આરામ દેવાની. તમારા ખભા પર માથું નાખીને કોઈ રડે તો તેને આશ્વાસન આપજો તેના માથે હાથ ફેરવજો. તે તમને ભગવાન માનશે. અને તેના જીવનનું અડધું દુ:ખ ઓછું થઈ જશે. જીવનમાં કોઈના સારા કામમાં નિમિત્ત બનજો. કોઈના સુખે સુખી થજો. કોઈના દુ:ખ જોઈને પોતાની આંખમાં પાણી આવે તો માનજો તમારા અશ્રુબિંદુથી ભગવાન તેનું દુ:ખ જરૂર દૂર કરશે. ભગવાન દરેકનું સાંભળે છે. માટે જે કાંઈ મુશ્કેલી દૂ:ખ કે વિકટ પરિસ્થિતિમાં એક ભગવાન પાસે જ એકાંતમાં રડી લેજો. હિંમત હારવી નહીં. આવેલો સમય જવાનો જ છે. આવેલા સમયને માન દઈ દેવાથી સુખનો સૂરજ ઉગી જશે તે ખબર જ નહીં પડે. પરમ પિતા પરમાત્મા આજના કપરા સમયમાંથી સૌને મુક્ત કરી સૌનું કલ્યાણ કરે એજ અભ્યર્થના...
- નૈષધ દેરાશ્રી