Get The App

'તારે ઘરે મને કાઠિયાવાડી આતિથ્યનો અનુભવ થયો'

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
'તારે ઘરે મને કાઠિયાવાડી આતિથ્યનો અનુભવ થયો' 1 - image


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

વીરાજ સદ્વાચન ભજન શ્રવણ કરી રહ્યો છે, ત્યાં ઘરની બેલ વાગી. વીરાજને થયું કે, રાતના સાડા અગિયાર થયા છે, અત્યારે કોણ આવ્યું હશે ?

ત્યારે કવિ કાગના ગીતના સ્વરો ગુંજતા હતા...' તારે આંગણિયે પૂછીને કોઈ જો આવે, તો આવકારો મીઠો આપજે' દરવાજો ખોલીને બહાર ગયો. ત્યાં જોયું કે, એક વડીલ રીક્ષાની બહાર ઉભા છે. મુખ પર ચિંતાની રેખાઓ સાથે થાકેલા હોય તેવું જણાતું હતું. તેમણે પૂછયું,' આ જ વીરાજભાઈનું ઘર છે ?' તે કહે 'હા'. 'કાકા અંદર આવો. વીરાજે પાણી આપ્યું.

કાકા કહે, ' આ શહેરમાં મારે એક અગત્યનું કામ આવી પડયું. મારા માટે આ શહેર સાવ અજાણ્યું. મને અહીં કાંઈ મળે નહીં ને આ કામમાં સમજણ પણ પડે નહીં. હું મુંઝાતો હતો. તેવામાં તમારા પિતાશ્રીને મળવાનું થયું. તેમણે મને કહ્યું કે, તમારે મુંઝાવાની જરૂર નથી. મારો પુત્ર વીરાજ એ જ શહેરમાં રહે છે અને એ તમારા કામમાં જરૂર મદદ કરશે' એમ કહીને વીરાજના પિતાએ લખેલો પત્ર તેમણે તેના (વીરાજના) હાથમાં આપ્યો. વીરાજ કહે,' કાકા, રાતના બાર વાગ્યા છે. તમે શું લેશો ?' કાકા કહે, 'ના, તારાં કાકીએ થેપલાં અને ગોળ-કેરીનું ભાતું આપ્યું' તું તેનું વાળું કરી લીધું. વીરાજ દૂધ લઈને આવ્યો ને કહે,' થોડું દૂધ પી લો. પછી સુઈ જાવ. બધું થઈ રહેશે. તમે નિરાંતે સુઈ જાવ.'

વીરાજ કહે કે,'નાસ્તો બરાબર કરજો. આપણે પહેલા કામ પતાવીશું જેથી જમવાનું વહેલા-મોડું થાય તો વાંધો નહીં.'

કાકાને તો આ યુવાનની આત્મીયતા જોઈ શાંતિની અનુભૂતિ થઈ. વીરાજે ઘરેથી નીકળતાં પહેલાં ઓફિસમાં સી.એલ. (કેજ્યુઅલ લીવ) માટેનો મેસેજ મોકલી દીધો બપોર સુધીમાં તો કાકાને જે દસ્તાવેજની જરૂર હતી તે બધા મળી ગયા. કાકાને બહાર જમાડયા પછી સાંજની કાકાની ટિકિટનું રીઝર્વેશન પણ કરાવી દીધું. વીરાજે જોયું કે, કાકાના મુખ પર હળવાશ છે જેથી તેને સંતોષ થયો.

જતાં જતાં કાકા આશીર્વાદ આપતાં કહે છે કે,' તારા પિતાશ્રી ધન્ય છે જેને આવો આદર્શ વિવેકી અને સંસ્કારી પુત્ર છે. તારા ઘરે મને કાઠિયાવાડી આતિથ્યનો અનુભવ થયો.' બેટા, તારા પિતાને કાંઈ સંદેશો આપવો હોય તો કહે.'

યુવક કહે ,' કાકા, હું વીરાજ નથી' કાકા કહે,' ભાઈ, તું શું વાત કરે છે ? ઘરની બહાર બોર્ડમાં તો વીરાજ લખેલું છે.' યુવક કહે, 'કાકા, મારું નામ વીરાજ છે પણ સાચું કહુંતો હું એ વીરાજ નથી. તમે જેનો પત્ર  લઈને આવ્યા હતા ને મારા પિતા પણ હયાત નથી.

તમારા ચહેરા પર ચિંતા અને થાક મેં વાંચ્યો. આશા લઈને તમે આવ્યા હતા જેથી આવી મોડી રાત્રે હું તમને આ અજાણ્યા શહેરમાં હેરાન થવા દેવા માગતો ન હતો. મેં તમને બેસાડીને પત્ર વાંચ્યો. તેમાં નામ નીચે વીરાજનો ફોન નંબર લખેલ હતો. તે નંબર પર મેં ફોન લગાડયો- વીરાજ બહારગામ હતો અને તેના કામકાજને કારણે હજુ ૮ થી ૧૦ દિવસ તે બહારગામ જ રોકાવાનો હતો, તે અસમંજસમાં હતો. વીરાજના પિતાએ તેના પરના પત્રમાં લખેલું કે, પત્ર લઈને આવનાર ભાઈ રમેશ સજ્જન મિત્ર છે, તેનો એકનો એક પુત્ર મુંબઈમાં કંપનીના કામે જતાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તેની પત્નીને પ્રસૂતિ માટે અહીં ગામમાં લઈ આવેલા પુત્રના મૃત્યુ બાદ ચાર દિવસ પછી પુત્રવધૂએ પુત્રને જન્મ આપ્યો.

પુત્રવધૂનું પ્રસૂતિ-ગૃહમાં ઓપરેશન કરવું પડયું. રમેશભાઈનાં પત્ની પણ અસ્થમાથી પીડાય છે. આવા સંજોગો તેને પૈસાની જરૂર છે. કંપનીમાંથી કમ્પેનસેશન મેળવવા અને ઇન્સ્યુરન્સના કલેઇમ માટે મુંબઈમાં તેને કામ છે. આ કામમાં શક્ય એટલી મદદ કરજે. પત્ર વાંચીને વિચાર કરતો હતો. ત્યાં નરસિંહ મહેતાના ભજનના સ્વર સંભળણા-

વૈષ્ણવ જન તો તેને જ કહીએ, જે પીડ પરાઈ જાણે રે...

પરદુ:ખે ઉપકાર કરે તો ય, મન અભિમાન ન આણે રે...

વીરાજની ભીતર અનુકંપના પ્રાગટયે તેણે નિર્ણય કરી લીધો હતો. કાકાને વિદાય આપતાં કહે,' રમેશકાકા, ભલે મારા પિતા આ દુનિયામાં નથી, પણ હું એમ જ માનું છું કે, મારા પિતાએ જ મને આ પત્ર લખ્યો છે, કારણકે એ હયાત હોય અને આવો પત્ર લખે તે આજ્ઞાનું મારે પાલન કરવાનું જ હોય.' રમેશભાઈ કહે, 'વિરાજ, તારા પિતા અંતરીક્ષમાંથી તારા પર આશીર્વાદ વરસાવે તેવી પરમતત્ત્વને પ્રાંજલ પ્રાર્થના. એમ કહી વિદાય થયા.

Tags :