ઇશ્વરની પૂજા કેવી રીતે કરું ? .

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ઇશ્વરની પૂજા કેવી રીતે કરું ?                              . 1 - image


ભગવાનની સેવા કેવી રીતે કરું ? ઇશ્વરની આરાધના કેવી રીતે કરું ? ભગવાન મારી પર કયારે અને કેવી રીતે પ્રસન્ન થશે ? આવા પ્રશ્નો દરેક પૂજા-ઉપાસના કરનારાઓનાં મનમાં થાય છે. દરેક જણ જીવનમાં આનંદ, પ્રેમ, કૃપા વગેરે ઇચ્છતો હોય છે. તેથી દરેક જણ વિધિવિધાનપૂર્વક ઇશ્વરની પૂજા ઉપાસના, વ્રત તથા ઉપવાસ કરે છે. જો આ બધું કર્યા પછી પણ ઇચ્છિત ફળ ન મળે તો ? તો પછી આપણે નિરાશ તથા હતાશ થઈ જઈએ છીએ.

સૌથી મહત્વની વાત એ છે કે પૂજા, ઉપાસનાની સાથે સાથે આપણું જીવન કેવું છે? આપણું ચિંતન, વ્યવહાર કેવો છે? આપણો પ્રાણીમાત્ર પ્રત્યે દૃષ્ટિકોણ કેવો છે?

શ્રી રામ શર્મા આચાર્ય કહેતા કે પરમેશ્વરનો પ્રેમ ફક્ત સદાચારી અને કર્તવ્યપરાયણ લોકોને જ મળે છે. જો આપણે સાચા ઇશ્વર ભક્ત હોઈએ તો આપણામાં સત્ય, પ્રેમ, કરુણા, ન્યાય પવિત્રતા વગેરે સદગુણોનો વિકાસ થવો જોઈએ. આપણે ઇશ્વરની પ્રાર્થના, સ્તુતિ, આરતી વગેરે કરીએ છીએ. એનું કારણ ભગવાનની એ વિશેષતાઓ આદર્શો તથા સદગુણોને વારંવાર યાદ કરવાનું છે. આપણે એ વિશેષતાઓને પોતાના જીવનમાં ધારણ કરીને હંમેશા ઇશ્વરે બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ.

રામચરિતમાનસમાં ભગવાન શિવ પણ આપણને આવી જ પ્રેરણા આપે છે. 

સોઈ સેવક પ્રિયત્તમ મમ જોઈ ।

મમ અનુશાસન માનઈ જોઈ ।।

અર્થાત્ મને એવો જ સેવક તથા એવો જ ભક્ત પ્રિય છે. જે મારા અનુશાસનને માને છે. સત્યના માર્ગે ચાલે છે. અધ્યાત્મ માર્ગે જવા ઇચ્છુક સાધકો તથા જિજ્ઞાાસુઓએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે ઇશ્વર સદગુણોનો સમુચ્ચય છે. તેઓ સર્વવ્યાપી, સર્વજ્ઞા તથા સર્વશક્તિમાન છે. તે નિર્ગુણ પણ છે. અને સગુણ પણ છે. સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તેઓ અનંતકોટી બ્રહ્માંડોના નાયક છે. આવા પ્રભુને આપણે ફક્ત તુચ્છ પદાર્થો ચઢાવીને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ ?

ભગવાન કૃષ્ણે બાળ લીલા કરતાં કરતાં માતા યશોદાને પોતાના મુખમાં સમગ્ર સૃષ્ટિ તથા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. તેમણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં. ભગવાન રામે પણ બાલ્યાવસ્થામાં માતા કૌશલ્યાને પોતાના વાસ્તવિક સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતા. એના દ્વારા ભગવાને આપણને એજ સંદેશ આપ્યો છે કે આ સમગ્ર જગત જ એમનું સ્વરૂપ છે. આપણે ઇશ્વર વિશેની આપણી ધારણા તથા માન્યતાને બદલવી પડશે અને તેમના સાચા સ્વરૂપને સમજવું પડશે.

ભગવાનના મંદિરમાં તો આપણે થોડીકવાર સુધી જ રહીએ છીએ. પરંતુ ભગવાનના આ વિશ્વરૂપી દેવાલયમાં તો આપણે કાયમ રહીએ છીએ. દુનિયામાં ગરીબ, પીડિત તથા અસહાય લોકોનાં આંસુ લૂછવાથી ભગવાન શિવનો અભિષેક થઈ જાય છે. આ જ ઇશ્વરની સાચી પૂજાઉપાસના તથા આરાધના છે.

- જયેન્દ્ર ગોકાણી 


Google NewsGoogle News