ક્રોધાગ્નિ શાંત કેવી રીતે થાય ? .
એ સિડ ચામડીને બાળી નાખે છે. લીંબુ દૂધને ફાડી નાખે છે. કીચડ પગને બગાડી નાંખે છે. ધૂળ શરીરને ગંદુ કરી નાંખે ચે. પરંતુ ક્રોધ તો સ્વાસ્થયને, સ્વસ્થતાને અને વિશેષ કરીને સંબંધોને પણ બગાડી નાંખે છે.
ક્રોધનું આ પરિણામ આપણે જાણીએ છીએ, છતાં આપણે આપણામાં રહેલા ક્રોધને ટાળવા માટે પ્રયત્ન કરતા નથી.
કેમ ? આપણે આપણા દોષોને ટાળવા છે એવો હજુ જીવનમાં ધ્યેય બનાવ્યો જ નથી. આપણામાં રહેલા દોષોને આપણે હજુ શત્રુ માન્યાં જ નથી. જ્યારે દોષોને વિષે શત્રુભાવ મનાશે. તો તેને ટાળવાનો ઉપાય થશે, અને ઉપાય કરવામાં આવશે તો એક દિવસ વિજય પણ થશે. તેથી આપણામાં રહેલા દોષોને ટાળવાનો આપણે જીવન ધ્યેય બનાવવાની જરૂર છે.
ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે, ક્રોધ અજ્ઞાાનથી ઉદ્ભવે છે અને અહંકારથી વૃધ્ધિ પામે છે. પોતાનું ધાર્યુ ન થાય ત્યારે માણસ ક્રોધ કરતો હોય છે.
ક્રોધએ નિર્બળ મનની જ નિશાની છે. ધીર માણસ ગમે તેવા સંજોગોમાં પણ પોતાના મનસ્થિતિ ગુમાવતો નથી. ક્રોધાગ્નિના સમયે માણસ કેટલી ધીરજ રાખી શકે છે તેના ઉપરથી માણસની કિંમત અંકાય છે.
જેમણે ક્રોધ પર કાબૂ મેળવી લીધો છે. એવા સંત શ્રી તિરવલ્લુવરનું જીવન આપણે વિચારીએ.
દક્ષિણ ભારતના સંત તિરવલ્લુવર પોતે વણકરનું કાર્ય કરતાં હતા અને સ્વભાવે બિલકુલ અક્રોધી હતા. એક શ્રીમંત નબીરાએ ફક્ત શરત જીતવા માટે સંત તિરવલ્લુવરને ગુસ્સો દેવડાવવાના પ્રયાસો કર્યા.
તેમના ત્યાં કપડાં ખરીદવાના બહાને એક સુંદર કપડાને હાથમાં લઇ કિંમત પૂછી. સંતે કહ્યું, ''બે રૂપિયા''. યુવાને કપડાંના બે કટકા કરી. ફરી કિંમત પૂછી, સંતે કહ્યું, ''એક રૂપિયો''. યુવાને ફરી કટકા કર્યા અને કિંમત પૂછી...સંતે કહ્યું, ''આઠ આના''. એમ કરતા કરતા ''ચાર આના'' સુધી આવ્યો...પણ યુવાનના પ્રયાસ સફળ ન થાય એટલે તેણે ૨ રૂપિયા આપ્યા સંતને ગુસ્સો ન આવ્યો...છેલ્લે સંતે કહ્યું, ''ભાઈ આ કપડું તારે કોઇ કામ નહિ આવે...હું એને ફરીથી સિવીને તૈયાર કરી લઇશ...એમ કહી યુવાન જોડે પૈસા ન લીધા.''
યુવાનને પોતાની ભૂલ સમજાઈ અને તેણે માફી માંગી...આવા વિરલ સંત હતા સંત તિરુવલ્લવર.
આપણે ક્રોધને જીતવો હોય તો ક્રોધમાં રહેલા દોષોનો વિચાર કરવો જોઇએ.
- ક્રોધ મૂર્ખતાથી શરૂ થાય છે અને પશ્ચાતાપમાં પરિણમે છે.
- ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે. - ક્રોધ કરવો એ અન્યની ભૂલની સજા આપણી જાતને આપવા બરાબર છે. તેથી જ્યારે ક્રોધ આવે ત્યારે ધીરજ રાખવી જોઇએ. કોઇ કારણોસર કોઇએ આપણું અપમાન કર્યું હોય તો તેને સમજણથી ભૂલવાનો પ્રયત્ન કરવો જોઇએ.
- સાધુ પ્રેમવત્સલદાસ કુમકુમ