શ્રાદ્ધનો ઈતિહાસ અને મહત્વ .
- ભાદરવા માસ - આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
- પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે.
આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, "श्रद्धया क्रियते तदैव श्राद्धम ।" પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ શ્રૃૃષ્ટિના આરંભમાં 'બ્રહ્માજી'એ શરૂ કરી હતી. મહાભારત શાંતિ પર્વના દાન-ધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહને પ્રશ્ન પૂછયો કે, "હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?" ત્યારે એનો જવાબ આપતાં ભિષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે, પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે શ્રૃૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી.
શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ શ્રૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ શ્રૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે, "પિતૃઓને પિંડ દાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે." એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ 'નિમિ રાજા' એ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ મૃત્યુ લોકમાં પણ થાય છે.
વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે. જેમકે ભાદરવા માસ - આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં "કાગવાસ" નાંખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસ્સો વર્ષનું છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયાં છે એમ માનવામાં આવે છે, તેથી વાસ નાંખવાનો મહિમા છે, અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે. આ કાગડીને પુરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય એના માટેની આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે - માન્યતા છે કે, કાગડાના ચરકમાંથી 'વટ વૃક્ષ' અને 'પીપળા'ના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય.
શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂઘપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે.
પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન-ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં ક્યા કયા કર્મો કરવા ? તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્લેશ-કંકાસ કરવો નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધા યુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશિર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ. "ધર્મ સિંધુ"માં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. આમ શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ તેમજ શ્રદ્ધા યુક્ત કાર્ય કરીએ એ જ અભ્યર્થના... અસ્તુ...
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી