'હે સંજય! પુત્રો સાથેનો ધૃતરાષ્ટ્ર વન છે અને પાંડવો વનમાં વસતા વાઘ છે
- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।।-ગૌતમ પટેલ
- સુયોધન એટલે દુર્યોધન ક્રોધમય મહાન વૃક્ષ છે. એનું થડ કર્ણ અને શકુનિ એની ડાળીઓ છે. દુ:શાસન એ વૃક્ષના સમૃદ્ધ પુષ્પ અને ફળ છે
શ્રી કૃષ્ણ પોતાની વાત આગળ ચલાવે છે આ પાંડવો પણ ઈન્દ્ર, યમ, કુબેર વગેરે અનેક કર્મરત દેવોની જેમ સદાય ધર્મમય કર્મમાં રત રહ્યા છે. એમનો રાજસૂય તમે જોયો જ હશેને ! તેઓએ જીવનભર ધર્મનું રક્ષણ થાય એવું પુણ્યમય કાર્ય જ કર્યું છે. હવે યથાશક્તિ પોતાના કર્મનું પાલન કરનારા આ પાંડવોનું ભાગ્યને કારણે નિધન એટલે મરણ થાય તો પણ ઈષ્ટ છે.
ચારે વર્ણોના કર્મો નિશ્ચિત છે ક્ષત્રિય માટે યુદ્ધ અનિવાર્ય છે જો તે ધર્મના માટે કરવાનું હોય ક્ષત્રિય હોય તેણે દાન આપવાનું હોય તેણે કોઈની પાસે યાચના કરવાની ન હોય. તેણે પ્રજાનું રક્ષણ કરવાનું. યજ્ઞાથી દેવોને સંતુષ્ટ કરવાના. લગ્ન કરી પુણ્યમય ગૃહસ્થાશ્રમનું પાલન કરવાનું હોય.
ભાગ્યના બળે કોઈ બળ મેળવી લે અને અયોગ્ય કર્મ આચરે તો ક્ષત્રિયને માટે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. ઈન્દ્રે પણ દસ્યુઓનો વધ કર્યો હતો પણ એનાથી એને પુણ્યપ્રાપ્ત થયું હતું પાપ નહીં.
કોઈ ચોર કોઈ ન જુએ તેમ તમારું ધન હરી લે અથવા બળપૂર્વક માનવી જોતો હોય અને હરી લે આ બન્ને ખોટા છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો આમાં ક્યાં જુદા પડે છે ?
જે ભાગ રાજ્યમાં પાંડવોને છે એ શા માટે તેઓ આપતા નથી ? આ સમયે યુદ્ધ કરતાં કદાચ અમારો વધ થાય તો પણ પ્રશંસનીય ગણાય. આ વાત સભામધ્યે તમે કૌરવોને કેમ કહેતા નથી. ? એમણે સભા મધ્યે જે પાપમય કર્મ કર્યું છે પાંડવોની પ્રિય પત્નીની જે દશા કરી છે તે સમયે જો તેઓને ધૃતરાષ્ટ્રે વાર્યા હોત તો હું તેને મારું પ્રિય કર્યું એમ હું માનત તું સંજય આ અધર્મને જાણે કે નહીં જાણીને પાંડવોને ધર્મનું આચરણ કરવાનો ઉપદેશ આપે છે.
એ સમયે સભામાં કર્ણે કહ્યું હતું કે હે યાજ્ઞાસેની (દ્રોપદી) ! તું તારે માટે બીજો કોઈ ચારો નથી તું કૌરવોના મહેલમાં દાસી બનીને રહે હારેલા પાંડવો તારા પતિઓ નથી. માટે તું બીજા કોઈને પતિ તરીકે પસંદ કર. આ બિભત્સ વચનરૂપી બાણ અર્જુનના હૃદયમાં ઘૂસેલું છે. આ બધી વાત સંજય તું જાણે છે કે દ્યુતમાં શું થયું હતું અને શું શું કહ્યું હતું.
એ કૌરવોને તું પોતાના દુષ્ટ કર્મોથી જ બળેલા એમ તું જાણ. આ પછી જે બે શ્લોકો ભગવાન શ્રીકૃષ્ણે ઉચ્ચાર્યા છે એનો એકએક અક્ષર સોસો સોના મહોરો આપીને સ્વીકારવા જેવો છે.
પહેલો શ્લોક છે -
सुयोधनो मन्युमयो महाद्रुमः
समन्धः कर्णः शकुनिस्तस्य शाखा ।
दुंशासनः पुष्पफल समृद्धे
भूलं राजा धृतराष्ट्रोडमनीषी ।।
- મહા.ઉધોગ.29-52
સુયોધન એટલે દુર્યોધન ક્રોધમય મહાન વૃક્ષ છે. એનું થડ કર્ણ અને શકુનિ એની ડાળીઓ છે. દુ:શાસન એ વૃક્ષના સમૃદ્ધ પુષ્પ અને ફળ છે અને એનું મૂળ અમનીષી (બુદ્ધિહીન) ધૃતરાષ્ટ્ર છે. જેમ ભગવદ્ગીતાના ૧૫મા અધ્યાયમાં આરંભે સંસારને ઉર્ધ્વમૂળ અને અધ:શાખાવાળું વૃક્ષ કહ્યું છે તેમ અહીં સમગ્ર મહાભારતની કથાને પણ વૃક્ષનું રૂપ આપીને સમજાવવામાં આવી છે.
સુયોધન એ દુર્યોધનનું એક નામ છે. એ સારી રીતે યુદ્ધ કરી શકતો હતો તેથી એને સુયોધન કહેવામાં આવ્યો છે. એ મન્યુ એટલે ક્રોધમય એવું મહાનવૃક્ષ છે. એની થડ કર્ણ છે. અને શકુનિ, ડાળી છે. થડ અને ડાળીને આધારે વૃક્ષ ફૂલે છે ફાલે છે. થડ 'સપોર્ટ' આપે અને ડાળી 'સ્પ્રેડ' થાય. આ બન્નેએ જ દુર્યોધનને એના અયોગ્ય 'પ્લાન' - આયોજનમાં મદદ કરી છે. દુ:શાસન એના પુષ્પ અને ફળ છે. આ બધાનું મૂળ ધૃતરાષ્ટ્ર છે. અને એ અમીની -મનીષા એટલે બુદ્ધિ જેનામાં નથી તે ધૃતરાષ્ટ્ર.જોએ આંધળામાં સ્હેજ પણ પરિસ્થિતિ પામવાની એનું વિશ્લેષણ કરવાની વિવેકબુદ્ધિ હોત તો તેણે દુર્યોધનને એના કુકર્મોમાં સાથ આપ્યો ન હોત. આમ આખા મહાભારતનું - અભૂતપૂર્વ નરસંહારનું મૂળ આ સર્વેતોમુખી આંધળો ધૃતરાષ્ટ્ર જ છે શ્રીકૃષ્ણ ઉવાચ-માં અહીં પછીનો શ્લોક છે.
युधिष्ढिरो धर्मभयो महाद्रुमः स्कन्धोडर्जुनो भीमसनोडस्य शाखा ।
भाद्रीपुत्रौ पुष्पफल समृद्धे भूलं त्वरं ब्रह्मा च ब्राह्माणाश्च ।।
- મહા. ઉધોગ- 29-53
યુધિષ્ઠિર ધર્મમય મહાનવૃક્ષ, અર્જુન એનું થડ અને ભીમ એની ડાળી. નકુલ અને સહદેવ એ પુષ્પ અને ફળ તથા એનું મૂળ હું (શ્રીકૃષ્ણ) બ્રહ્મ અને બ્રાહ્મણો છે. અહીં બધું સમજાય તેવું છે. ધ્યાન રાખો જેનું મૂળ શ્રીકૃષ્ણ હોય એ વૃક્ષ કેવું અદ્ભુત બને ! કેવાં મસમધુરાં પુષ્પ અને ફળ આપે.
પછીનું શ્રીકૃષ્ણનું વિધાન નોંધવા જેવું છે કે 'હે સંજય! પુત્રો સાથેનો ધૃતરાષ્ટ્ર વન છે અને પાંડવો વનમાં વસતા વાઘ છે. સિંહથી રક્ષાયેલું વન નાશ ન પામે અને વનથી રક્ષાયેલ સિંહ નાશ ન પામે. વાઘ વિનાનું વન વધેરાઈ જાય અને વન વિના વાઘ સુરક્ષિત નથી. માટે વાઘે વનનું અને વને વાઘનું રક્ષણ કરવું જોઈએ મોટા વૃક્ષના આશ્રય વિના લતા-વેલી વધી શકતી નથી પાંડવો સેવા કરવા સક્ષમ છે તેમ યુદ્ધ કરવા પણ શક્તિમાન છે. જે ધૃતરાષ્ટ્રના પુત્રોએ કરવું જોઈએ તે રાજા ધૃતરાષ્ટ્ર કરે. પાંડવો મહાત્મા છે અને શમમાં રહેલા છે વળી યુદ્ધ કરવા પણ સમર્થ છે માટે એ જાણીને યથાયોગ્ય રીતે તમારે સઘળી વાત ધૃતરાષ્ટ્રને કહેવી જોઈએ'