Get The App

"આસક્તિઓનો" જે 'દાસ' ન થાય, તે સાચવી શકે "પારસમણિ રૂપ" જીવનને

Updated: Mar 26th, 2025

GS TEAM


Google News
Google News
"આસક્તિઓનો" જે 'દાસ' ન થાય, તે સાચવી શકે "પારસમણિ રૂપ" જીવનને 1 - image


એક મહાત્માએ, એક રાજાને કહેલું કે, "પશુ-પક્ષી... સૂક્ષ્મજીવની બોલીનું જ્ઞાાન તને આપું છું પરંતુ, આ વાત કોઈને કહીશ નહિ કે આ જ્ઞાાન કોઈને શીખવીશ નહિ... નહિ તો તારું તુરંત જ મરણ થશે."

એક દિવસ આ રાજા, રાણી સાથે જમવા બેઠો હતો. તે વખતે એક કીડીએ રાણીની થાળીમાંથી થોડુંક અન્ન રાજાની થાળીમાં મૂકી દીધું. બીજી કીડીએ કહ્યું, અલી...! તું અધર્મ કરે છે... સ્ત્રીનું એંઠું રાજાને તું ખવડાવે છે ? તારામાં વિવેક નથી."

બંને કીડીઓની વાત સાંભળી રાજા હસવા માંડયા. રાણીએ રાજાને, હસવાનું કારણ પૂછયું રાજાએ કહ્યું, "એ વાત રહેવા દે... તેથી અનર્થ થશે."

મહાત્માએ ના પાડેલી તેથી રાજા ચૂપ રહ્યો. રાણીએ તો જાણવા માટે હઠ પકડી. રાજાએ કહ્યું, "અરે ! આ વાત તને કહું તો, મારું મરણ થશે."

ગુસ્સેથી રાણીએ કહ્યું, "ભલે તમારું મરણ થાય. પણ, મને તમારી વાત કહેવી જ પડશે. રાણી હઠે ભરાઈ... રાજા રાણીમાં ખૂબ જ 'આસક્તિ'... મોહ-તૃષ્ણાવાળો હતો. તે વિવેક ભાન ભૂલી ગયો ને મરવા માટે તૈયાર થઈ ગયો. રાજાએ કહ્યું, આપણે 'કાશી' જઈએ. પછી હું વાત કરીશ. રાજાને એમ કે કાશીમાં મરણ થશે તો મુક્તિ મળશે... ઘોર આસક્તિમાં રાજા વિચારહીન બની ગયો.

રાજારાણી કાશી જવા નીકળ્યાં. રસ્તામાં જંગલ આવ્યું. એક બકરો-એક બકરી ચરતાં હતાં. બંને વાતો કરતાં હતાં. તે સાંભળવા રાજા થોભ્યો.

બકરીએ બકરાને કહ્યું, "પેલા કૂવામાં ઊતરીને... લીલુંછમ ઘાસ મારા માટે લાવો. નહિ તો, હું કૂવામાં જઈ ડૂબી મરીશ." બકરાએ સમજાવતાં કહ્યું... "અરે પણ, કૂવામાં હું પડી જાઉં તો મરી જાઉં ને ?"

બકરાએ વિચાર કર્યો ને બોલ્યો, "આપણી પાસે ઊભો છે તે રાજા જેવો હું મૂર્ખ નથી કે પત્નીની હઠ પૂરી કરવા મોંઘા વરદાન જેવું જીવન હું વેડફી નાખું. તારે કૂવામાં પડવું હોય તો પડ !" 

બકરાના આ શબ્દો સાંભળી, રાજા પસ્તાવો કરતાં વિચારવા લાગ્યો... હું કેવો મૂર્ખ છું... લોકોની સેવા માટે... પ્રભુ ભજન માટે મને જીવન મળ્યું છે, અને વરદાનરૂપ જીવન, આસક્તિમાં અંધ બની, વેડફવા બેઠો છું ! ધિક્કાર મને. આસક્તિમાં ફસાઈ, મારે હાથ આવેલું અમૃત ઢોળી નાખવું નથી. ખરેખર આત્માનું વિવેકધન લૂંટનારી આસક્તિઓ... તૃષ્ણાઓ... ચોર કરતાં પણ વધારે ખતરનાક છે.

રાજાએ દૃઢતાથી રાણીને કહ્યું, "હું તને કંઈ પણ કહેવાનો નથી... તારે જે કરવું હોય તે કર. રાણીએ હઠ છોડી દીધી."

અતિશય આસક્તિઓ... તૃષ્ણાઓ... વાસનાઓ, માનવીની પડતીનું કારણ બને છે. આવા કેટલાયે બનાવો સમાજમાં બનતા રહે છે. રાજાઓ... ધનવાનો... ભ્રષ્ટાચારી... પંડિતો... નેતાઓ... પાખંડીઓ... પ્રપંચી... ધર્મને નામે ધૂતનારા આસક્તિઓમાં ફસાઈ તિરસ્કૃત થઈ મરણને શરણ થઈ નરકની પીડાઓ ભોગવે છે.

વધુ પડતી આસક્તિઓથી ચેતીને, વિવેકપૂર્વક, જાગૃત રહીને... વરદાનરૂપ મળેલ "માનવજીવનને" સાચવવાનું છે. આસક્તિ રહિત, પ્રભુપ્રીત્યર્થે આવી પડેલું કર્તવ્ય કરવું એ સાચા નમસ્કાર છે.

આસક્તિ જબ તક લેશ હો, તબ તક ન ચિંતા જાય હૈ ।

નહીં ચિત્ત સ્થિર હો, જબતલક, નહીં મોક્ષ- સુખ નર પાય હૈ ।।

ચિત્તમેં 'આસક્તિ' રાગ હો, તો જાપ રૂક, પરમાર્થ હૈ ।

નિર્મૂલ હોના આસક્તિ કા, યહી હી પરમ પુરૂષાર્થ હૈ ।।

- લાભુભાઈ ર. પંડયા

Tags :