Get The App

'અતિ ખુશામત ખુવાર કરે છે' .

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
'અતિ ખુશામત ખુવાર કરે છે'                                        . 1 - image


- ખુશામત તળિયા વિનાના વાસણ જેવી હોય છે. તેમાં સરોવરના સરોવર ઠલવાય છતાં તે કદી ભરાતું નથી. પ્રશંસા નિસ્વાર્થી હોઈ શકે પણ ખુશામત સ્વાર્થી હોય છે. ખુશામતનું મધ ચાટવા લપકતી જીભને જ્યારે કડવાશનો અનુભવ થાય ત્યારે સમય વીતી ગયો હોય છે.

શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં કરૂપ દેશના રાજા પૌણ્ડ્રકની કથા આવે છે. તે ઘણો અજ્ઞાાની હતો. કોઈ તેના ખોટે-ખોટા વખાણ કરે ત્યારે તરત તે હરખાઇ જતો. કોઈ તેના સાચા વખાણ કરે છે કે તેને ભરમાવીને તેનો ગેરલાભ ઉઠાવવાની કોશિશ કરે છે તે સમજવાની તેનામાં ચાલાકી નહોતી. ઇસમની એક વાર્તા મુજબ કાગડાની ચાંચમાંથી પૂરી પડાવી લેવા ભૂખ્યું શિયાળ કાગડાને ગાવા માટે તેના ગાયનની ખુશામત કરે એમ તેના રાજકારભારીઓ રાજાને અંધારામાં રાખી તેની ખુશામત કરી રાજમુદ્રાનો અંગત ઉપયોગ કરતા. દિવસે દિવસે પૌંણ્ડ્રકને પોતાની ખુશામત સાંભળવાની આદત પડી ગઈ હતી. કોઈ તેના વખાણ કર્યા કરે એવી ઇચ્છા થયા કરતી. હવે તેના મિત્રો, રાજસેવકો અને વજીર પણ તેની નબળાઈ જાણી ગયા હતા.

એવામાં રાજદરબારમાં સૌ શ્રીકૃષ્ણના પરાક્રમની વાતો કરવા લાગ્યા. ઉંમરમાં નાના શ્રીકૃષ્ણએ તૃણાવર્ત, બકાસુર ધેનકાસુર, ચાણૂર, અરે.. કંસનો કેવી રીતે વધ કર્યો તેની રજેરજ  માહિતી આપવા લાગ્યા પ્રજાજનમાં શ્રીકૃષ્ણની ખ્યાતિ એટલી વધી ગઈ છે કે લોકો તેમને ભગવાન માનવા લાગ્યા છે. શ્રીકૃષ્ણના શરીર-સૌષ્ઠવનું વર્ણન કરી રાજા પૌંણ્ડ્રકને ઉશ્કેરવા લાગ્યા. કેટલાક જી-હજૂરિયાઓ રાજાને વધારે બહેકાવવા લાગ્યા.' હે રાજન, એ કૃષ્ણની વાત જવા દોને ! એ વળી શેનો ભગવાન !! એ ક્યા મુલકનો રાજા છે ? - ( ત્વં વાસુદેવા ભગવાનવર્તીણો જગત્પતિ :) હે રાજન, આપ જ ભગવાન વાસુદેવ છો અને જગતની રક્ષા માટે પૃથ્વી પર અવતર્યા છો. (ભાગવત ૧૦.૬૬.૨) આવી હદપારની ખુશામતનું પરિણામ એ આવ્યું કે રાજા ખુદને ભગવાન સમજવા લાગ્યો. તેણે શ્રીકૃષ્ણની માફક વેશ ધારણ કર્યો. શંખ, ચક્ર, ગદા, તલવાર, શારંગ- ધનુષ્ય, શ્રી વત્સચિન્હ, વક્ષ: સ્થળ પર બનાવટી કૌસ્તુભમણિ ગળે માળા, રેશમી પીળાં વસ્ત્રો, માથા પર મુગટ, ઉપર મોરપિચ્છ કાનમાં મકરાકૃત કુંડળો, રથની ધજા પર ગરૂડનું ચિન્હ-હૂબહૂ શ્રીકૃષ્ણ જ જોઈ લો ! (ભાગવત : ૧૦-૬૬-૧૨-૧૩-૧૪)

એક દિવસ રાજગુરૂ રાજાને મળવા મહેલમાં ગયા. રાજમહેલમાં એકાંત મળતાં જ તેમણે ખૂબ જ અદબથી રાજાને સમજાવવાની કોશિશ કરી. 'હે રાજન, આપ સુંદર છો. પરાક્રમી છો. કીર્તિવંત છો, આજુબાજુના રાજ્યોમાં આપની ખ્યાતિ ફેલાયેલી છે. આપ ખુદ સમજદાર છો ! રાજન, લોકોની વધુ પડતી ખુશામત સાંભળીને પોતાની જાતને એવી જ ધારી લેવી એ શક્તિમાં ઘટાડો કરવા જેવી વાત છે. શ્રીકૃષ્ણની સરખામણીમાં થતા આપના વખાણ એ રાજ કારભારીઓની ચપળતા છે. અવિચારી કામ છે. ખોટા વખાણથી આપને કશો ફાયદો થવાનો નથી. તેમણે શ્રીકૃષ્ણને કદી જોયા નથી. નજરોનજર તેમના પરાક્રમથી પરિચિત થયા નથી. હે રાજન, યમુનાનદીના જળને વિષયુક્ત કરી દૂષિત કરનાર કાલિયનાગના માથા પર ચઢી તેને લોહી લુહાણ કરી નૃત્ય કરનાર શ્રીકૃષ્ણ ત્યારે ફક્ત છ વરસના હતા. વિચાર તો કરો ! તે છ વરસના શ્રીકૃષ્ણએ કાલિયનાગને કેટલો પીડયો હશે ? તેમણે નાગને યમુના નદી છોડી સમુદ્રના રમણક દ્વીપમાં જવા મજબૂર કર્યો હતો. ઇન્દ્રના કોપથી લોકોને બચાવવા તેમણે ટચલી આંગળીએ સાત દિવસ સુધી ગોવર્ધન-પર્વત ધારણ કર્યો હતો. પહેલવાન ચાણૂરૂને તેના જ અખાડામાં બે હાથે પકડી હવામાં એવો ચકર ચકર ફેરવ્યો કે તેનો પ્રાણ નીકળી ગયો. અને.. કહેવાતો બળવાન કંસ... ગરૂડ સાપને પકડી લે એમ તેમણે તેને પકડયો હતો અને પછાડીને તેની છાતી પર એવો પગ મૂક્યો કે તેનો જીવ ત્યાં જ નીકળી ગયો. હે રાજન, આ વાતો હું તમને બિવડાવવા નથી કરતો મારી વિનંતિ છે કે ખોટી ખુશામતથી દૂર રહો. અને લોકોની શ્રીકૃષ્ણ સાથે આપની સરખામણી કરવાની વાતોથી જાતને ઉશ્કેરવી બંધ કરો. આપનું શાંત રહેવું દરેક માટે હિતકર છે.

પણ રાજા પૌંણ્ડ્રક ના સમજ્યો. તેણે રાજગુરૂને કહ્યું,' ગુરૂજી, તમે કૃષ્ણની વાતો એટલે કરો છો કારણકે તમે કદી યુદ્ધ મેદાનમાં ગયા નથી. કોઈની સાથે યુદ્ધ કર્યું નથી. તમે વાતો સાંભળી છે. તમે જે વાતો કરી એમાં એ ગોવાળિયાએ શી મોટી ધાડમારી ? એવું તો કોઈ પણ સિપાહી કરી શકે ! એમાં શું ? એ તો હુંય કરી શકું ! કાલિય જેવા સામાન્ય નાગને હંફાવવામાં કયું મોટું પરાક્રમ થયું ? અને ગોવર્ધન-પર્વત કૃષ્ણએ નહિ ગામ લોકોએ ટેકા આપી ઉંચક્યો હતો. અને અખાડામાં કુસ્તી લડવી તો મનેય આવડે છે. ગુરૂજી, મારી પાસે અક્ષૌહિણી સેના છે. કાશી નરેશ જેવા વિશ્વાસુ મિત્રો છે.' રાજગુરૂ સમજી ગયા. રાજાના મગજમાં હકીકત સ્વીકારવાની હિંમત નથી. છતાં રાજગુરૂએ છેલ્લો પ્રયત્ન કર્યો. રાજન, તમારે એવા માણસોનો વિશ્વાસ ના કરવો જોઈએ જે તમારા દરેક કાર્યની ખુશામત કર્યા કરે. ક્યારેક વધુ પડતી ખુશામત એ ખુલ્લે ખુલ્લું અપમાન ગણાય છે.'

ત્યારબાદ મંદબુદ્ધિના રાજા પૌણ્ડ્રકે પોતાનો એક દૂત દ્વારકા મોકલ્યો. દૂત શ્રીકૃષ્ણના દરબારમાં હાજર થયો.' હે સર્વાત્મા વાસુદેવ. હું આપને નમસ્કાર કરૃં છું. સંદેશો આપતા પહેલાં માફી માંગું છું. મારા રાજાએ જે સંદેશો મોકલ્યો છે તે તેમના જ શબ્દોમાં કહું છે. હે ગોવાળિયા એક માત્ર હું જ વાસુદેવ છું. જીવોપર કૃપા કરવા મેં અવતાર લીધો છે. તમે તમારૃં વાસુદેવ નામનું ખોટું નામ છોડીને મારે શરણે આવો નહિ, તો મારી સાથે યુદ્ધ કરો.' (ભાગ.૧૦.૬૬.૬) અને યુધ્ધ થયું. રાજા પૌંણ્ડ્રક શ્રીકૃષ્ણના હાથે હણાયો.

જે કાન દઇને પોતાની ખુશામત સાંભળવા આતુર હોય છે તે અણીવખતે પોતાની શક્તિનું પ્રદર્શન કરવામાં નિર્બળ સિધ્ધ થાય છે. ખુશામત તળિયા વિનાના વાસણ જેવી હોય છે. તેમાં સરોવરના સરોવર ઠલવાય છતાં તે કદી ભરાતું નથી. પ્રશંસા નિસ્વાર્થી હોઈ શકે પણ ખુશામત સ્વાર્થી હોય છે. વિશ્વાસ કરવો એ ખોટું નથી. પણ પોતાની આવડતનો વિચાર કર્યા વગર દોરવાઈ જવું એ જોખમી છે. ખુશામતનું મધ ચાટવા લપકતી જીભને જ્યારે કડવાશનો અનુભવ થાય ત્યારે સમય વીતી ગયો હોય છે. જેને કંઈક બનવું હોય તેણે ખુશામત સાંભળવાની નહિ વિકસવાની તૈયારી રાખવાની હોય છે.

- સુરેન્દ્ર શાહ


Google NewsGoogle News