Get The App

અધકચરું જ્ઞાન અજ્ઞાન કરતાં ભયંકર છે

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
અધકચરું જ્ઞાન અજ્ઞાન કરતાં ભયંકર છે 1 - image


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

- માત્ર હોદ્દાના અહંકારને પોષવા દંભ નડતો હોય છે અને નીચલા સ્તરથી ઉચ્ચ હોદ્દા સુધીની એક સાંકળ રચાતી જોવા મળે છે

ઘણી સંસ્થાઓ કે સરકારી ખાતાંઓના કર્મચારીઓ, ઓફિસર્સ કે ઉચ્ચ સ્થાને બિરાજમાન હોદ્દેદારોને જે વિષયનું જ્ઞાન નથી હોતું તે વિષયના અગ્રેસર બની બેઠા હોય છે. વળી આ વ્યક્તિઓને આ વિષયમાં અભ્યાસ કરવાનો પુરુષાર્થ પણ નથી કરવો, એમ ને એમ ચાલવા દેવું છે. આ અધકચરું જ્ઞાન કાર્યને સફળ થવા દેતું નથી. આને કારણે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સમય અને અર્થનો વ્યય થતો હોય છે. આ વ્યય પણ ઘણા અનર્થને સર્જે છે. સરકારની મદદ દ્વારા ચાલતી કેટલીક ખાનગી સંસ્થાઓ, લોકસેવા અને જનહિતનાં કાર્યો કરતી સંસ્થાઓમાં જો આવી વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થાય તો તે સંસ્થાઓની પણ આવી જ દશા થતી જોવા મળશે. બધી જ જગાએ માત્ર હોદ્દાના અહંકારને પોષવા દંભ નડતો હોય છે અને નીચલા સ્તરથી ઉચ્ચ હોદ્દા સુધીની એક સાંકળ રચાતી જોવા મળે છે.

આ બાબત સમજવા માટે આપણે એક શિક્ષણ સંસ્થાનો દાખલો લઈએ. એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક મહાભારતનો પાઠ ભણાવી રહ્યા હતા. પાંડવોએ તેમને મળેલો વનવાસ ભોગવી લીધો હતો. વનવાસના સમયખંડની પૂર્ણાહુતિ બાદ તેમને એક વર્ષનો ગુપ્તવાસ ભોગવવાનો હતો. આ ગુપ્તવાસના કાળમાં તેઓ એક નગરના શ્રેષ્ઠી-રાજવીને ત્યાં ગુપ્તવાસરૂપે સમય પસાર કરી રહ્યા હતા. તે પ્રસંગની અનેક ઘટના શિક્ષકે બાળકોને સમજાવી દીધી હતી. જો કે, અહીં શિક્ષક અને બાળકો વચ્ચે માત્ર પોપટપાઠ જેવું વાતાવરણ હતું.

શહેર કે ગ્રામ્ય શાળાઓમાં તાલુકા અને જિલ્લા કેળવણી નિરીક્ષકની કચેરીમાંથી પ્રતિવર્ષ ઈન્સ્પેકશન માટે શિક્ષક અચાનક શાળામાં આવતા હોય છે. શાળામાં અચાનક ઉપરી નિરીક્ષક આવી ચડયા. વર્ગમાં બધાં બાળકો સાવધાન થઈ ગયાં. નિરીક્ષકે શિક્ષકને પૂછયું, 'તમારા વિષયનો તમે છેલ્લો કયો પાઠ ભણાવ્યો ?' શિક્ષકે મહાભારતની ઘટનાઓનો પાઠ ભણાવ્યો તેની વિગત કહી. આ સાંભળી નિરીક્ષકે વિદ્યાર્થીઓને સીધો સવાલ કર્યો - "બોલો, કીચકને કોણે માર્યો ?" એક વિદ્યાર્થીએ તરત જ ઊભા થઈને જવાબ આપ્યો કે, "સાહેબ, મારામારીની ફરિયાદમાં દરેક વખતે મારું જ નામ આવે છે, એટલે હું પહેલેથી જ કહી દઉં છું કે કિચકને મેં નથી માર્યો. મેં એને જોયો પણ નથી."

વર્ગશિક્ષક તાડુક્યા, "તેં નહીં તો કોણે માર્યો ? સાહેબ, આ બદમાશની વાત પર વિશ્વાસ ના કરતા, મારામારીમાં પાવરધો છે."

નિરીક્ષક શું બોલે? સીધા ગયા આચાર્ય પાસે અને વર્ગમાં બનેલી ઘટના વર્ણવી - સાંભળીને આચાર્યે નિરીક્ષકને પાસે બેસાડીને હળવેકથી કહ્યું, "સાહેબ, વાતને દબાવી દેવામાં શાણપણ છે. કીચકને કોણે માર્યું તેના પુરાવાઓ આપણી પાસે તો છે નહીં. આમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ છંછેડાશે, હડતાલની નોબત આવશે. મારનાર વિદ્યાર્થી વતી હું માફી માગું છું. વાતનું વતેસર ના કરો."

માથું કૂટતો નિરીક્ષક પહોંચ્યો શિક્ષણ સમિતિના અધ્યક્ષ પાસે. આખી ઘટના વર્ણવી - "આ હાલત છે આ શાળાના વિદ્યાર્થીથી આચાર્ય સુધી. તંત્ર રામ ભરોસે ચાલે છે. કાંઈક કરો."

અધ્યક્ષે નિરીક્ષકને પાણી પાયું, ચાનો ઓર્ડર આપ્યો. પછી શાંતચિત્તે કહ્યું કે, "બાળકો છે, મજાક-મસ્તીમાં મારામારી કરવાની એમની ઉંમર છે. છતાં જેને માર્યું છે તેને ડોકટર પાસે લઈ જઈ, પાટાપિંડી કરાવી લો. તેનું બિલ હું ચૂકવી દઈશ અને તમારા ભલા માટે એક સલાહ આપું છું, "આવી ક્ષુલ્લક બાબતોમાં તમારો સમય ના બગાડો. તમારે બીજાં ઘણાં જ મહત્વનાં કામ કરવાના છે.

નિરીક્ષકે વ્યથિત થઈ રાજ્યના શિક્ષણમંત્રીને મળવાનો સમય માગ્યો. ત્રણ-ચાર પત્રો અને ફોન કર્યા, પછી બે મહિને શિક્ષણ મંત્રાલયમાંથી મુલાકાતનો સમય મળ્યો. નિરીક્ષકે વિનયપૂર્વક શાંતિથી શિક્ષણમંત્રીને આખી ઘટનાનું વર્ણન કર્યું અને જણાવ્યું કે બધે જ લોલમલોલ ચાલે છે. આવું જ ચાલ્યા કરશે તો કેળવણીની અવદશા થશે. આ અંગે આપ વિચારો, સમય આપો અને ઘટતું કરો. પોકળતા અને પ્રગતિના ઢંઢેરા પીટવામાંથી અને દંભમાંથી બહાર નીકળો... અને સાહેબ, હવે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનો સમય પાકી ગયો છે.

શિક્ષકમંત્રી કહે, "આવી સાવ નાની બાબત માટે મારી પાસે સમય નથી. તમે વધુ પડતા સંવેદનશીલ લાગો છે, વ્યવહારુ બનો, હા, હું તમારી બઢતી માટે ભલામણ કરીશ. અગત્યની મિટીંગ છે. લોકો બહાર રાહ જુએ છે. તમે નિશ્ચિંત રહેજો."

મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે, એ પોતાની ભૂલ કે અજ્ઞાનતા સ્વીકારવા રાજી નથી. દરેક બાબતને ઊંડાણથી સમજવી જરૂરી છે. અધકચરું જ્ઞાન અજ્ઞાન કરતાં પણ ભયંકર છે.

Dharmlok

Google NewsGoogle News