'ગુરુદેવ દત્ત' .
અ ત્રિ ઋષિ અને માતા અનસૂયાની કૂખે દત્તાત્રેયનો જન્મ થયો છે. દત્તાત્રેયને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં ત્રણ મસ્તક છે. ભૌતિક રીતે આવાં ત્રણ માથાંવાળી વ્યક્તિ શક્ય નથી. જે રીતે રાવણને દશમાંથાં બતાવ્યાં છે.
ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારી ત્રણ મહાશક્તિઓ છે. તેનાં પ્રતીક સમાં ત્રણ મસ્તક દત્તાત્રયનાં દર્શાવ્યાં છે. જેમાં એકી સાથે આ ત્રણ મહાશક્તિઓ બિરાજમાન હોય તે દત્ત કહેવાય. તેથી દત્તને ગુરુદેવ દત્ત કહેવાય છે. કહેવાય છે કે ગુરુદેવ દત્તે ૨૪ ( ચોવીસ) ગુરુઓ કર્યા હતા. ખરેખર તો ૨૪નો આંક માત્ર ઉપલક્ષણ છે. તેમણે પોતાની વિશાળ દ્રષ્ટિ દ્વારા આખા વિશ્વને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. એનો ભાવ એવો છે કે વિશ્વભરમાં આવેલી પ્રત્યેક વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ, દરેક ઘટના કાંઈકને કાંઈક બોધ આપ્યા જ કરે છે. બોધ આપનારના મહિમા કરતાં બોધ ઝીલનારનો મહિમા વધારે છે. બોધની ધારા તો વરસ્યા જ કરે છે. આવશ્યકતા માત્ર ઝીલવાની છે. આ રીતે ગુરુદેવ દત્ત પોતાની વિશાળ દ્રષ્ટિ દ્વારા જ્યાંથી મળે ત્યાંથી ગુણગ્રાહી બન્યા છે. તેથી જેને જે માહિતી મળી તે પ્રમાણે તેમના જીવનમાં જ્ઞાાન આપનારાં વ્યક્તિ કે પશુ-પક્ષીઓની યાદી આપતાં ૨૪ ગુરુઓનો મહિમા દર્શાવાયો છે. જેમાંથી તેમણે જ્ઞાાન મેળવ્યું છે. તેવાં તત્વોમાંથી આપણને પણ બોધ ગ્રહણ કરીને જીવન વિકાસ કરવાની પ્રેરણા આપે છે.
જેમના પિતા અત્રિ છે. અથવા જેમાં ત્રિ એટલે ત્રણ ગુણો. સત્ત્વ રજ અને તમઃ આ ત્રણ ગુણોથી પર છે. તેવા ઋષિ, જેમની સ્થિતિ ગુણાતીત થઈ છે. તેવા અત્રિ (આત્મા) અને અન્+અસૂયા= અનસૂયા. અસૂયા. ઇર્ષ્યા કરતાં પણ વધારે ખતરનાક વૃત્તિ અસૂયા છે. બીજાની ઉન્નતિ જોઈ ન શકવાની તથા તેવી સ્થિતિ ઇચ્છવા છતાં પ્રાપ્ત ન કરી શકવાથી ઇર્ષ્યા થતી હોય છે. જ્યારે અસૂયા તો સદ્ગુણી વ્યક્તિમાં પણ દુર્ગુણ જ જોયા કરે છે. આવી અસૂયા વૃત્તિ જેનામાં નથી તેવી અનસૂયા જેવી પવિત્ર વૃત્તિવાળાં માતાની કૂખે જ ગુરુદેવ દત્ત જેવા મહાપુરુષો જન્મ ધારણ કરે છે અને પોષાય છે. પોષણ મેળવે છે. આવા સદ્ગુરુ દત્તાત્રેયના જીવનમાંથી આપણે પણ વિશાળ દ્રષ્ટિ રાખીને આ જગતમાંથી જ્યાંથી પણ જ્ઞાાન મળે ત્યાંથી સ્વીકારીને પોતાના જીવનને ઉન્નત કરીએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય