શેઠ કહે,' શું મારું પુણ્ય પરવાર્યું છે ?' .
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
- માણેકચંદે શેઠે વિહ્વળતાથી કહ્યું કે,' આપ અમારે નિવાસસ્થાનેથી શા માટે વિદાય લઈ રહ્યાં છો ? શું અમારી કાંઈ ભૂલ થઈ છે? શું અમે આપની કોઈ પ્રકારે અશાતના કે અવિનય કરેલ છે?'
માણેકચંદ શેઠ વિશાળ હવેલીના શયનખંડમાં આવ્યા. પ્રભુની સ્તવના કરી અને પછી છત્રી પલંગમાં સૂતા. પ્રભુસ્મરણ કરતાં કરતાં નિદ્રાધીન થયા. રાત્રે શેઠે શયનખડમાં પ્રકાશ... ઝળહળતા પ્રકાશનો ચમકારો થતો જોયો. શેઠ અર્ધજાગ્રત અવસ્થામાં-તંદ્રામાં જુએ છે કે, કોઈ દેદીપ્યમાન સ્ત્રી ઉભી છે. શેઠે બરાબર જોયું તો સમજાયું કે, આ તો કોઈ દેવી છે ! શેઠ બે હાથ જોડી વિનય-વંદના કરી અને પછી પૂછયું કે,' દેવી આપ કોણ છો ? ક્યાંથી પધાર્યા છો અને રાત્રિએ અહીં પધારવાનું પ્રયોજન શું ?'
સામેથી અવાજ આવ્યો કે,' શેઠ, હું લક્ષ્મી છું. વર્ષોથી આ હવેલીમાં મારો વાસ છે, પરંતુ હવે હું વિદાય લઈ રહી છું. માત્ર એક દિવસ પછી વહેલી સવારે હું આ હવેલીમાંથી વિદાય લઈશ.' માણેકચંદે શેઠે વિહ્વળતાથી કહ્યું કે,' આપ અમારે નિવાસસ્થાનેથી શા માટે વિદાય લઈ રહ્યાં છો ? શું અમારી કાંઈ ભૂલ થઈ છે ? શું અમે આપની કોઈ પ્રકારે અશાતના કે અવિનય કરેલ છે ?' દેવી કહે, 'ના.' તો શેઠ કહે કે,' શું મારું પુણ્ય પરવાર્યું છે ?' દેવી કહે,' હા, બસ કાંઈક આવું જ છે, માટે હું સ્થાનપરિવર્તન કરી રહી છું.'
દેવી કહે છે કે,' હું જતાં જતાં આપને એક વરદાન આપવા ઇચ્છું છું, તો તમે જે માગવું હોય તે વર માગો.' શેઠ વિચાર કરે છે કે, વરદાનમાં શું માગવું ? તેને કાંઈ સૂઝતું નથી, તેથી દેવીને કહે છે કે, 'હું મારા પરિવાર સાથે ચર્ચા કરી અને આપની પાસે કાલે વરદાન માગીશ.' દેવી અંતરધ્યાન થઈ ગયાં. પ્રાતઃકાળે ઊઠી શેઠે પ્રભુસ્મરણ, સ્તવન કરી, શૌચ-સ્નાન વગેરે નિત્યકાર્ય પૂર્ણ કરી અને પરિવારે નવકારશી એટલે સવારનો નાસ્તો વગેરે કર્યા પછી શેઠે સમસ્ત પરિવારને હવેલીના દીવાનખંડમાં આવવા કહ્યું અને સમગ્ર પરિવાર સમક્ષ રાત્રે જે ઘટના બની હતી તેનું વિગતે વર્ણન કર્યું. સૌ પ્રથમ શેઠે શેઠાણીને પૂછયું કે,' બોલો, લક્ષ્મીજી પાસેથી શું વરદાન માંગવું ?' શેઠાણી કહે,' લક્ષ્મીજી ચાલ્યાં જશે એટલે આપણી સમૃદ્ધિ ચાલી જશે. એટલે લક્ષ્મીજી પાસે તમે એટલું માગો કે તેજુરીમાં હીરા-ઝવેરાત છે તે રહેવા દે જેથી આપત્તિ સમયે જરૂર પડે ત્યારે આપણે એ વેચીને ગુજરાન ચલાવી શકીએ.'
ત્રણે દીકરાઓએ કહ્યું કે,' દુકાન માગો જેથી ધંધો ચાલે તો આપણું ગુજરાન થાય.' ત્રણમાંથી બે મોટી વહુઓએ કહ્યું કે,' હવેલી માંગો જેથી રહેવાનો આશરો મળે ને વળી પ્રતિષ્ઠા જળવાઈ રહે.' ત્રીજી નાની પુત્રવધૂ એક ખૂણામાં બેસેલ હતી તે ચૂપ હતી, તે કશું બોલતી ન હતી. શેઠે જોયું કે, નાની વહુ ચૂપ છે. તેને પૂછયું કે, તમે કેમ કાંઈ બોલતા નથી, તમારો શું અભિપ્રાય છે ?' નાની વહુ કહે, 'પિતાજી, બધા જ વડીલોઓએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો, હું તો સહુથી નાની છું. ઘરમાં બધાં જ મારાં વડીલ છે તે સૌએ પરિવારના હિતને વિચારીને વાત કરી હશેને !'
શેઠે કહ્યું,'વહુ બેટા, પરિવારના દરેક સભ્યને પોતાના વિચારો જણાવવાનો હક્ક છે. તમે પણ તમારા વિચારો જણાવો.' શેઠાણી અને બન્ને મોટી પુત્ર વધૂઓએ પણ આગ્રહ કર્યો કે, 'તમારા મનમાં શું છે તે જણાવો. આપણે સૌએ વિશે પણ જરૂર વિચાર-વિમર્શ કરીશું.' બધાને આગ્રહને વશ થઈને નાની પુત્રવધૂએ કહ્યું કે,' મારી કોઈ ભૂલ થાય તો મને માફ કરજો.' અને આગળ બોલતાં જણાવ્યું કે,' જ્યારે લક્ષ્મીજી આપણા ગૃહાંગણેથી ચાલ્યાં જશે તો આપણે હીરા-ઝવેરાત, દુકાન-ધંધોધાપો કે હવેલી.. એમ કંઈ પણ રાખશું તે છતાં લક્ષ્મીજીની વિદાયથી સમસ્ત ઐશ્ચર્યની પણ વિદાય થઈ જાય છે, માટે આ સ્થૂળ વસ્તુના વરદાનથી આપણો અર્થ સરશે નહીં. મારા મત પ્રમાણે લક્ષ્મીજી પાસેથી આપણે આપણા કુટુંબ-પરિવારમાં સંપ, એકબીજા પ્રત્યે પ્રેમ અને વાત્સલ્યની ભાવના, ત્યાગ, ધર્મ અને સામંજસ્ય જળવાઈ રહે તે વરદાન માગશું તો આપણે વિષમ પરિસ્થિતિમાં પણ ટકી શકીશું. લક્ષ્મીજી જવાના છે તો અત્યારથી જ સાદું ભોજન, કામમાં એકબીજાને મદદ અને પલંગને બદલે ચટાઈ પર સુવાનો પ્રયોગ શરૂ કરીએ.' પરિવારે વાતને સહર્ષ વધાવી લીધી. રાત્રે લક્ષ્મીજી આવ્યાં ત્યારે શેઠે કહ્યું,' અમે આપને વિદાય કરવા તૈયાર છીએ.
દેવી કહે,' તમે વરદાન માગો. ' શેઠે પરિવારમાં સંપ વગેરેનું વરદાન માંગ્યું. દેવી લક્ષ્મીજી 'તથાસ્તુ' કહી ઘરની બહાર જવાને બદલે અંદર આવ્યા. શેઠે કહ્યું,' કેમ ?' દેવી કહે,' જે ઘરમાં સંપ, સામંજસ્ય અને ધર્મ હોય તે ઘર અમે છોડી શકતાં નથી, ત્યાં જ અમારો નિત્યવાસ હોય.' આકાશમાં અરુણોદય સાથે શેઠના જીવનનો નૂતન અરુણોદય થયો !