"હું" તુજમય બનું... .
"હું તને પ્રેમ કરું છું !" એ વાકય આજકાલ કેટલું સામાન્ય થઈ ગયું છે ! આજે આ જગતમાં લોકો પ્રેમને એક સાધન બનાવીને બીજા લોકોની સાથે રમત રમી રહ્યા છે. પ્રેમના નામે આ ભૂંડા જગતમાં શું નથી થતું ! પ્રેમ કરનારી વ્યક્તિ નજીવા કારણસર પોતાની પ્રિય વ્યક્તિનો જીવ લઈ લે, એ કેવો પ્રેમ! આપણે જેને પ્રેમ કરીએ તેને નફરત કેવી રીતે કરી શકીએ? વળી, જે વ્યક્તિ પ્રેમ કરતી હોય તે વ્યક્તિ કદી બીજાઓને નફરત કરી શકે? પ્રેમની આ જાતજાતની વાતો આગળ આપણે આ જગતને પ્રેમ કરનાર તથા પોતાના પ્રેમની અભિવ્યક્તિ રૂપે સ્વેચ્છાએ પોતાનો પ્રાણ આપી દેનાર મહાન તારણહાર કરૂણાસાગર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે ભૂલી શકીએ! પવિત્ર શાસ્ત્ર બાઈબલ જણાવે છે કે ઈશ્વર પ્રેમ છે.
મીઠાની બનેલી અને ઊંચા પર્વત પર રહેતી ઢીંગલીએ એક દિવસ વિચાર કર્યો કે, "હું કોણ છું ?" તેનાં મનનો પ્રશ્ન વ્યાપક બન્યો અને તે તેની આસપાસના ડુંગરાઓને, જોરદાર ફૂંકાતા પવનને, વૃક્ષોને તથા આકાશને પુછવા લાગી કે, "હું કોણ છું?" એક દિવસ કોઈકે તેને કહ્યું કે તું તો મીઠામાંથી બનેલી "મીઠાની ઢીંગલી" છે અને આ મીઠું તો દરિયામાં હોય. અને આ ઢીંગલી દરિયા વિશે પૂછતી પૂછતી પર્વતની ઊંચાઈ મુકીને સપાટ પ્રદેશમાં આવી. અને એક દિવસ ચારેકોર પ્રસરેલા ઘેરાં ભૂરા રંગના અફાટ દરિયા સામે નિઃશબ્દ ઊભી રહી ગઈ. "આહ ! આ દરિયો!" શું દરિયો આવડો મોટો હોય! તેની આંખો ફાટેલી ને ફાટેલી જ રહી ગઈ અને મોં આશ્ચર્યથી પહોળું ! ત્યાં જ દરિયામાં ઉઠતી ઊંચી લહેરોને જોઈને તે ડરી ગઈ. અને એ લહેરોને પૂછી બેઠી, "જરા મને સમજાવશો કે આ જબરદસ્ત મોટા દરિયામાં કેવું લાગે ?" દરિયાની લહેરો ગેલમાં આવી ગઈ અને તેમણે આ નાનકડી મીઠાની ઢીંગલીને કહ્યું કે, "એ તો દુનિયામાં પ્રવેશ કરે તો જ સમજાય." અને ઢીંગલીએ બ્હીતા બ્હીતા દરિયાના પાણીમાં પગ મૂક્યો. અને આશ્ચર્ય વચ્ચે થોડી જ વારમાં તેના પગનો અંગુઠો ઓગળવા લાગ્યો અને બીજી થોડીવારમાં બંને પગની આંગળીઓ.
ઢીંગલી બૂમ પાડી ઊઠી, "અરે, કોઈ જુઓ તો, આ મારા પગની આંગળીઓ..." અને જેમ જેમ ઢીંગલી દરિયામાં ઊંડે ઉતરતી ગઈ તેમ તેમ દરિયામાં ઓગળવા લાગી. તે અંદર સમાતી ગઈ. તેને દરિયાનો અનુભવ થયો. જેનામાંથી બનેલી તેનામાં સમાઈ જતાં તેને પામતી ગઈ અને આખરે, ગળા સુધી પાણી આવી પહોંચ્યા ત્યારે ઢીંગલી એ કહ્યું, "હું જેની રચના હતી તેને પામી ચુકી છું. હવે હું નહીં પણ દરિયો મારામાં જીવે છે." ખ્રિસ્ત ઈસુને પામી ચુકેલો માનવી સંત પાઉલ કહે છે કે, "હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે." આજે આ વિશ્વ દુષ્ટતાની પરાકાષ્ઠા વટાવી રહ્યું છે ત્યારે પોતાની જાત સિવાય બીજાઓની કાળજી લેનાર આ દુનિયામાં કોઈ નથી. સ્વાર્થથી ભરેલી પોકળ દુનિયામાં પ્રભુ ઈસુ "પ્રેમ" બનીને અવતરણ પામ્યાં. "કેમકે ઈશ્વર જે ખુદ પ્રેમ છે તેમણે આ જગત પર એટલો પ્રેમ કર્યો અને પોતાના ખુદને પુત્ર સ્વરૂપે આ જગતમાં મોકલી આપ્યું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે સદાકાલિક જીવન પામે."
- શ્રીમતી નિલમ હેમંત રોય